ઉત્સવ

આર. સી. મજુમદારનું ઇતિહાસ લેખન અને ભારતીય દૃષ્ટિ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

રમેશચંદ્ર મજુમદાર જેઓ ભારતના સૌથી પ્રખ્યાત ઈતિહાસકાર છે. ભારતીય ઈતિહાસ પ્રત્યેના તેમના અસાધારણ મૌલિક યોગદાનને કારણે તેમને ઈતિહાસના પ્રણેતા માનવામાં આવે છે. તેમણે બંગાળના પ્રાદેશિક ઇતિહાસ, ભારતીય સાંસ્કૃતિક પ્રભાવ, પ્રાચીન હિંદુ વસાહતો અને આધુનિક ભારતીય ઇતિહાસ પર વ્યાપકપણે સંશોધન કર્યું.

દક્ષિણ-પૂર્વ એશિયાની રાજનીતિ અને સાંસ્કૃતિક વિકાસમાં ભારતની ભૂમિકા સંદર્ભે વ્યાપકપણે તેના પર સંશોધન કર્યું. તેમણે દક્ષિણ-પૂર્વી એશિયામાં હિંદુ સામ્રાજ્ય અને સુદૂર પૂર્વમાં હિંદુ વસાહતો પર કામ કર્યું. સ્વામી વિવેકાનંદ પર એક સંક્ષિપ્ત ઐતિહાસિક સમીક્ષા લખી જેમાં એવા અનેક તથ્ય પ્રકાશમાં લાવ્યા જે પહેલા ક્યારેય બહાર આવ્યા નથી.
ડો. રમેશચંદ્ર મજુમદાર ભારતના પ્રથમ હરોળના અગ્રગણ્ય ઇતિહાસવિદ્દ હતા. તેમનો જન્મ ૪ ડિસેમ્બર ૧૮૮૮માં બંગાળના ફરિદપુર ગામમાં (હાલના બાંગ્લાદેશ ) થયો હતો. તેમના પિતા હલધર મજુમદાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાનાં ગામમાં જ પૂર્ણ કર્યું હતું. વિદ્યાર્થી જીવનકાળમાં અત્યંત મેધાવી હતા. આર.સી. મજુમદાર તેમના શાળાકીય શિક્ષણ દરમિયાન જ ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરથી અને પછીથી તેઓ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા.

તેમણે કટકમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કર્યા બાદ પ્રેસિડન્સી કોલેજ, કલકત્તામાંથી ઈતિહાસ વિષયમાં ઓનર્સ સાથે સ્નાતક પરીક્ષા પાસ કરી. ઈ.સ. ૧૯૧૨માં પ્રેમચંદ શિષ્યવૃત્તિ મળતા તેમણે ‘આંધ્ર-કુષાણ યુગ’ પર સંશોધન કરીને ગ્રિફિથ પ્રાઇઝમેન બન્યા. ૧૯૧૩માં મજુમદારની નિયુક્તિ ઢાકા સરકારી તાલીમ કોલેજમાં પ્રવક્તાના હોદ્દા પર કરવામાં આવી હતી પરંતુ ૧૯૧૪માં કલકત્તા વિશ્ર્વવિદ્યાલયના ઈતિહાસ વિભાગમાં આવી ગયા. અહીં જ તેમણે ‘કોર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી અને ત્યાં વ્યાખ્યાતા બન્યા. ‘કોર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ પર વિસ્તૃત અને ઊંડું સંશોધન કરનાર ડો. રમેશચંદ્ર મજુમદાર સૌપ્રથમ વિદ્વાન હતા.

ડો. હીરાલાલ ગુપ્ત પોતાના પુસ્તક ‘પ્રાચીન ભારત કે આધુનિક ઇતિહાસકાર’ માં લખે છે કે, ઈ.સ. ૧૯૨૧માં ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર બન્યા. ૧૯૩૭માં ઉપકુલપતિ તરીકે સેવા બજાવી. ઈ.સ. ૧૯૫૦માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઇન્ડોલોજી વિભાગમાં આચાર્ય તરીકે નિયુક્ત થયા. ઈ.સ. ૧૯૫૧માં ૨૩માં આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસ ઓફ ઓરિએન્ટલીટ્સ ઇન્ડોલોજી વિભાગની અધ્યક્ષતા કરી. ઈ.સ. ૧૯૫૩-૫૪માં ભારત સરકાર દ્વારા ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઈતિહાસ લેખન માટે બનાવેલ પરિયોજનાના નિર્દેશક બનાવવામાં આવ્યા. ૧૯૫૫માં નાગપુર યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઈતિહાસ વિભાગમાં પ્રોફેસરના પદ પર નિયુક્ત થયા. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.

ભારત અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કોન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિક્લ સ્ટડિઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ ઑરિયેન્ટાલિસ્ટ્સની ઇસ્તંબુલ(તુર્કી)માં મળેલી બાવીસમી પરિષદના ઇન્ડોલોજી વિભાગના તેઓ પ્રમુખ હતા. યુનેસ્કોએ ‘હિસ્ટરી ઑફ સાયન્ટિફિક ઍન્ડ ક્લ્ચરલ ડેવલપમેન્ટ ઑફ મેનકાઇન્ડ’નું પ્રકાશન કરવા નીમેલા આંતરરાષ્ટ્રીય કમિશનના તેઓ ઉપપ્રમુખ હતા. તેઓ કલકત્તા એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનદ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યા ભવન, મુંબઈના ઇતિહાસ વિભાગના માનદ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનદ સભ્ય હતા.

ઇતિહાસના ક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને ૧૯૬૭માં ડી. લિટ્.ની માનદ ઉપાધિ આપી હતી. કોલકાતાની સંસ્કૃત કોલેજ તરફથી તેમને ‘ભારતતત્ત્વ ભાસ્કર’નું બિરુદ, મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કેમ્પબેલ ગોલ્ડ મેડલ’ અને કોલકાતાની એશિયાટિક સોસાયટી તરફથી ‘સર વિલિયમ જોન્સ ઍન્ડ બી. સી. લાવા ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ઇતિહાસનાં લેખન અને સંશોધનને સમર્પિત કરી દીધું હતું.

ભારતીય વિદ્યાભવન અને રમેશચંદ્ર મજુમદાર : ડો. આર. કે. ધારૈયા પોતાના પુસ્તક ‘ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઈતિહાસ લેખન અભિગમ’ માં લખે છે કે, તે સમયના ભારતીય વિદ્યાભવન, મુંબઈના અધ્યક્ષ સદગત શ્રી કનૈયાલાલ મુનશીને લાગ્યું કે, અંગ્રેજોને હસ્તે લખાયેલ ભારતીય ઇતિહાસને લગતા ગ્રંથો ભારતની બહુધા એક જ બાજુ રજૂ કરતા હતા. તેમાં ભારતીયો વિશે પૂર્વગ્રહો પણ હતા. વળી, તેમાં ગવર્નર જનરલો અને ગવર્નરોની તથા ભારતમાં બ્રિટિશ શાસનની સિદ્ધિઓનું વર્ણન વિશેષ હતું. આ ગ્રંથોનું સ્વરૂપ પણ બહુધા રાજકીય તેમજ લશ્કરી હતું. વિશેષમાં તેમાં ભારતના લોકનાયકો, સુધારકો તથા સંતોનું ચિત્રણ અપવાદરૂપ હતું. આવાં પુસ્તકોમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની વિશિષ્ટતાઓ કરતાં તેની નિર્બળતાઓનું નિરૂપણ વિશેષ હતું. તેમાં ક્રમનો ખ્યાલ વધારે હતો અને માનવજીવનનાં વિવિધ પાસાંઓનું વિવરણ ભાગ્યે જ હતું . તેમાં ઇતિહાસના નવા ખ્યાલનો પણ લગભગ અભાવ હતો. આ સંજોગોમાં શ્રી મુનશીને લાગ્યું કે, ભારતનો તથા તેનાં લોકજીવનનો ઇતિહાસ નવેસરથી તેના યોગ્ય સંદર્ભમાં લખાવવાની જરૂર છે. આથી તેણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભારતીય ઇતિહાસને લગતા ગ્રંથોની હારમાળા પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો અને આ ભગીરથ કાર્ય માટે તેણે ભારતના પ્રથમ હરોળના વિખ્યાત ઇતિહાસવિદ્દ રમેશચંદ્ર મજુમદારની આ હારમાળાના મુખ્ય સંપાદક તરીકે પસંદગી કરી. આમ, ભારતીય ઇતિહાસને લગતી ભારતીય વિદ્યાભવન પ્રકાશિત ગ્રંથોની હારમાળાનો ઉદભવ થયો.

રમેશચંદ્ર ભારતીય વિદ્યાભવને ૧૯૪૫માં આયોજિત કરેલી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા ઇતિહાસના ગ્રંથોની હારમાળાનું મુખ્ય સંપાદક તરીકેનું પદ સંભાળ્યું ત્યારથી તે હારમાળાનો પ્રારંભ થયો. તેમણે ૩૦ વર્ષ કરતાં વધારે સમય સુધી આ કપરી કામગીરી સંભાળી અને પોતાના અવસાન (૧૯૮૦) પહેલાં થોડા સમયે જ આ જવાબદારીમાંથી તે મુક્ત થયા. ભારતીયવિદ્યા ભવનના અધ્યક્ષ શ્રી કનૈયાલાલ મુનશીની અધ્યક્ષતા તથા શ્રી રમેશચંદ્ર મજુમદારના મુખ્ય સંપદાન હેતુથી ઝવય ઇંશતજ્ઞિિું ફક્ષમ ઈીહિીંયિ જ્ઞર વિંય ઈંક્ષમશફક્ષ ઙયજ્ઞાહયની હારમાળાને નામે ભારતીય લોકજીવન અને તેની સંસ્કૃતિને છેક શરૂઆતથી માંડીને સ્વરાજ્ય સુધીનો વિસ્તૃત તથા તેના સર્વે પાસાંઓને આવરી લેતા ઇતિહાસના ૧૧ દળદાર ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ગ્રંથોનાં લેખનકાર્ય માટે પોતપોતાનાં ક્ષેત્ર અને વિષયમાં નામાંકિત એવા ૬૦ ઉપરાંત વિદ્વાન ઇતિહાસવિદ્ોની સહાય લેવામાં આવેલી છે. ડો. મજુમદારે પણ પ્રત્યેક ગ્રંથમાં કેટલાંક પ્રકરણ, પરિશિષ્ટો વગેરે લખેલાં છે.

ડો. રમેશચંદ્ર મજુમદારે મુખ્ય સંપાદક તરીકે તથા ડો. એ. ડી. પુસાલકર, ડો. એ. કે મજુમદાર અને અન્ય સહાયક સંપાદકો તરીકે આ ગ્રંથોનું ખૂબ જ કાળજીપૂર્વક આયોજન તથા સંપાદન કરેલું છે. પ્રત્યેક ગ્રંથમાં અર્થપૂર્ણ ચિત્રો, ફોટોગ્રાફ, નકશા, વંશાવળીઓ, પરિશિષ્ટો, માર્ગદર્શક શબ્દસૂચિ, સામાન્ય સંદર્ભ તેમજ પ્રકરણ, સંદર્ભસૂચિ વગેરે આપવામાં આવેલ છે.

આ ગ્રંથોની વિશિષ્ટતા એ છે કે, તેમની સાધનસામગ્રીને માત્ર ક્રમ પ્રમાણે નહિ, પરંતુ સાથોસાથ મુદ્દાઓ પ્રમાણે ગોઠવવામાં આવી છે. વળી, તેમાં ભારતીય ઇતિહાસનાં રાજકીય પાસાંની સાથે તેનાં વહીવટી, કાનૂની, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પાસાંઓને પણ પૂરતો ન્યાય આપવામાં આવેલ છે. ભારતીય ઇતિહાસના આરંભથી સ્વાતંત્ર્ય સુધીની ઘટનાઓ તથા સંસ્થાઓની વિગતવાર સમીક્ષાની સાથે આ ગ્રંથોમાં ભારતનાં વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ. જીવન, શિક્ષણ, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, ધર્મો અને ધાર્મિક સંપ્રદાયો વગેરેનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેમાં પ્રારંભથી સ્વરાજ્ય સુધીનાં ભારતનાં અન્ય રાષ્ટ્રો-સાથેના રાજકીય, વ્યાપારી તથા સાંસ્કૃતિક સંબંધોની પણ ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં શાસકો, લશ્કરી નેતાઓ, અંગ્રેજ હાકેમો વગેરેનાં વિવરણને મર્યાદિત સ્થાન આપવામાં આવેલ છે, જ્યારે લોકનાયકો, રાષ્ટ્ર વિધાયકો, સમાજ અને ધર્મસુધારકો, સાહિત્યકારો, સંતો અને ફિલસૂફોએ ઇતિહાસ અને લગ્નજીવનનાં ઘડતરમાં આપેલ પ્રદાનનું યોગ્ય અને વિગતવાર વિવરણ કરવામાં આવેલું છે. વળી, પ્રત્યેક ગ્રંથનાં મથાળાં પણ જે તે સમયગાળાનાં સૂચક છે.

ડો. રમેશચંદ્ર મજુમદારે ઉપરોક્ત ગ્રંથોના સંપાદનની સાથે તેમાં સૌથી વધારે લેખનકાર્ય પણ કરેલું છે. તેમાં ભારતીય દષ્ટિ પણ છે, છતાંએ ડો. મજુમદારે તેમનાં કોઈ૫ણ લખાણમાં ઇતિહાસ લેખનનાં ધોરણો તથા તેની વાસ્તવિકતા, તટસ્થતાનો ભંગ થવા દીધો નથી. રાષ્ટ્રીય પૂર્વગ્રહો તેમજ અંગત અભિપ્રાયોને ઇતિહાસ લેખનમાંથી બાકાત રાખેલ છે. ભારતીય લોકજીવનની વિશિષ્ટતાઓની સાથે તેની નબળાઈઓને પણ તેણે બરોબર સ્પષ્ટ કરેલી છે. આમ છતાં મોટાભાગના ઇતિહાસકારોએ તેમજ ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમ્યાનના ઘણાખરા ઇતિહાસકારોએ ભારતીય ઇતિહાસની બહુધા રાજકીય બાબતોની અને તે પણ એક પક્ષીય રીતે રજૂઆત કરેલી છે તે આ ગ્રંથોમાં સુધારવામાં આવી છે.

આ ઇતિહાસકારોએ ભારતીય ઇતિહાસનાં અન્ય પાસાંઓની કરેલી ઉપેક્ષા તથા તેમની અન્ય ઊણપોને પણ આ ગ્રંથોમાં સુધારી લેવામાં આવી છે. ઉપરોક્ત ઇતિહાસકારોએ મુખ્યત્વે શાસકો તથા અમુક વર્ગો માટે ઇતિહાસ લખ્યો, જ્યારે ડો. રમેશચંદ્ર મજુમદારે ભારતીય વિદ્યાભવનના ગ્રંથો મારફત મુખ્યત્વે સમસ્ત લોકો માટે ઇતિહાસ લખ્યો. બન્નેની ઇતિહાસ વિશેની દૃષ્ટિમાં આ મૂળભૂત તફાવત છે. આવો જ તફાવત ભારતીય ઇતિહાસને લગતી કેમ્બ્રિજ હિસ્ટ્રીની હારમાળા (ગ્રંથ ૧ થી ૬) તથા-ભારતીય વિદ્યાભવન પ્રકાશિત હારમાળા વચ્ચે રહેલો છે. અલબત્ત, બન્ને હારમાળા વિગતોની દૃષ્ટિએ ખૂબ જ સંપન્ન છે, તો પણ વિદ્યાભવનની હારમાળાનું દૃષ્ટિબિન્દુ મૂળત: સર્વગ્રાહી છે. આમ, ડો. રમેશચંદ્ર મજુમદારે ભારતીય વિદ્યાભવન પ્રકાશિત ઇતિહાસના ગ્રંથોનાં કરેલ સંપાદન અને લેખનકાર્યથી ભારતીય ઇતિહાસલેખનની ચીર સ્મરણીય સેવા કરી હોવાનું કહી શકાય.

ઈતિહાસ સબંધિત વિચાર અને વ્યાખ્યાન: એ. ડી પુલકર મજુમદારને આર. જી. ભંડારકર, ડી. આર. ભંડારકર, એચ. સી. રાયચૌધરી વગેરે ઇતિહાસકારોની શ્રેણીમાં મુકે છે. મજુમદારે ‘હેરાસ મેમોરીયલ લેકચર’ તથા ‘ઇન્ડિયન હિસ્ટ્ટ્રોગ્રાફી સમ રીસેન્ટ ટ્રેન્ડ’ શીર્ષકથી અનેક ઈતિહાસ અને ઐતિહાસિક દૃષ્ટિકોણ અને વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. ઈતિહાસ સબંધિત કહ્યું હતું કે, ‘ઈતિહાસનો સંબંધ સત્ય પ્રતિ આંતરિક જિજ્ઞાસા છે’, તે ઈતિહાસ અધ્યયનનો મૌલિક આધાર છે.’

ડો. મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા આમંત્રણ આપ્યા હતા. કલકત્તા યુનિવર્સિટીમાં તેમણે ‘મહારાજ રાજવલ્લભ’, મદ્રાસ યુનિવર્સિટીમાં’ ‘કમ્બોજ દેશ’, ભારતીય વિદ્યાભવનમાં ‘થ્રી ફેસિઝ ઑફ ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ફ્રીડમ’, મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં એન્શિયન્ટ ઇન્ડિયન કોલોનાઇઝેશન ઇન સાઉથઈસ્ટ એશિયા’, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિ’, વિશ્ર્વભારતી, શાંતિનિકેતનમાં ‘ગ્લિમ્પ્સિઝ ઑફ બેંગોલ ઇન ધ નાઇન્ટીન્થ સેન્ચરી’ તથા ‘પટણા યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદ’ વિશે વ્યાખ્યાનમાળાઓ આપીને જ્ઞાનસંવર્ધન, પ્રચાર-પ્રસાર, સાચો ઈતિહાસ સંસ્થા અને લોકો સમક્ષ મુકીને અમૂલ્ય પ્રદાન કર્યું છે.

સુમન મિશ્રા પોતાના એક લેખમાં જણાવે છે કે, પોતાના જીવનના અંતિમ સમય સુધી આર.સી. મજમુદારે ગર્વથી તેમના લિવિંગ રૂમમાં સ્વામી વિવેકાનંદની મોટી પેઈન્ટિંગ (તસ્વીર) રાખેલી આ પ્રેરણાઓથી તેમણે ભારત વર્ષની શાશ્ર્વત પ્રતિભામાં અતૂટ વિશ્ર્વાસ કેળવ્યો અને પોતાને એક મહાન દેશભક્ત તરીકે પ્રસ્થાપિત કર્યા. વાસ્તવમાં તે ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ હતો. જેમણે એ હકીકતને સ્થાપિત કરવાની પ્રેરણા આપી કે આપણે હજારો વર્ષ સુધી અવિરતપણે વિશ્ર્વની સૌથી મોટી સંસ્કૃતિ છીએ.

ભાગ્યે જ ઇતિહાસનો કોઈ અધ્યાપક કે વિદ્યાર્થી હશે જેણે ડો. રમેશચંદ્ર મજુમદારને વાંચ્યા ન હોય.

આર. સી. મજુમદાર રામકૃષ્ણ પરમહંસ, ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત હતા.

બ્રિટિશ ઈતિહાસકારો દ્વારા ભારતીય ઈતિહાસને યુરોસેન્ટ્રીક લેખન, નેરેટીવ અને વિલોપીકરણના બદલે આર. સી. મજુમદારે સત્ય-તથ્ય પરક ભારતીય ઈતિહાસ લેખન, સંસ્કૃતિ અને વારસાને વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરી છે.

મજુમદારે દક્ષિણ-પૂર્વી એશિયામાં હિંદુ સામ્રાજ્ય અને સુદૂર પૂર્વમાં હિંદુ વસાહતો પર કામ કર્યું.

પશ્ર્ચિમી વિચારધારાથી પ્રભાવિત ઇતિહાસકારોએ મુખ્યત્વે શાસકો તથા અમુક વર્ગો માટે ઇતિહાસ લખ્યો જયારે ડો. રમેશચંદ્ર મજુમદારે ભારતીય વિદ્યાભવનના ગ્રંથો મારફત મુખ્યત્વે સમસ્ત લોકો માટે ઇતિહાસ લખ્યો.

મજુમદારના ઇતિહાસ લેખનમાં ભારતીય દષ્ટિ પણ છે, છતાંએ તેમને લખાણમાં ઇતિહાસલેખનનાં ધોરણો તથા તેની વાસ્તવિકતા, તટસ્થતાનો ભંગ થવા દીધો નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત