દુબઇમાં યોજાયેલી COP28 સમિટ દરમિયાન પીએમ મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થયેલી મુલાકાત ઘણી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને જ્યારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે લીધેલી સેલ્ફીને હેશટેગ #melodi વાપરીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. હવે પીએમ મેલોનીની આ પોસ્ટ પર પીએમ મોદીએ રિપ્લાય આપ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
પીએમ મોદીએ આ સેલ્ફીના રિપ્લાયમાં લખ્યું હતું કે મિત્રોને મળવું હંમેશા સુખદ હોય છે. (Meeting friends is always a delight)
આ પહેલા પણ પીએમ મોદીએ એક તસવીર શેર કરી હતી. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, COP28 સમિટમાં ઈટાલી પીએમ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત થઇ. આ દરમિયાન ભારત અને ઈટાલી વચ્ચે સારા ભવિષ્ય માટે સહયોગી પ્રયાસો વિશે પણ ચર્ચા થઈ હતી.
COP28 સમિટમાં પીએમ મોદી ઇટાલી ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા ડી સિલ્વા, બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ કેમરોન, બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોઆન, સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને તેમજ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી જેવા નેતાઓને પણ મળ્યા હતા.
આ ઉપરાંત તેમણે કતારના શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે પણ મુલાકાત કરી હતી જેમાં તેમણે ભારત અને કતાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી હતી, જેમાં તેલ સમૃદ્ધ દેશોમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ હતી. હાલ કતારમાં ભારતના આઠ પૂર્વ નૌસૈનિકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. ભારત સરકાર તેમને પરત લાવવા પ્રયાસો કરી રહી છે અને સજા વિરૂદ્ધ કોર્ટમાં અપીલ કરી છે. ત્યારે હવે બંને દેશોના વડાઓ વચ્ચે થયેલી આ મુલાકાતને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે.