તેલંગાણામાં ચૂંટણી દરમિયાન આંધ્રપ્રદેશે નાગાર્જુન સાગર ડેમ પર કબજો કર્યો
તેલંગાણા: તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે મતદાનને થોડો જ સમય બાકી છે ત્યારે આંધ્રપ્રદેશે કૃષ્ણા નદી પરના નાગાર્જુન સાગર ડેમ પર કબજો કરી લીધો હતો અને વધારે પાણી છોડી દીધું હતું. જેના કારણે બંને રાજ્યો વચ્ચે તણાવ સર્જાયો હતો. 1 ડિસેમ્બરના રોજ મધ રાત્રે લગભગ બેના સુમારે, જ્યારે તેલંગાણાના મોટાભાગના અધિકારીઓ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત હતા ત્યારે આંધ્રપ્રદેશના લગભગ 700 પોલીસકર્મીઓ એ અચાનક ડેમ પર કબજો કરીને જમણી બાજુની નહેર ખોલી હતી અને પ્રતિ કલાકે 500 ક્યુસેક પાણી છોડ્યું હતું.
પાણી રાતે બેના સુમારે છોડાયું અને આંધ્ર પ્રદેશના સિંચાઈ પ્રધાન અંબાતી રામબાબુએ સવારે સોશિયલ મિડીયા પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો કે અમે પીવાના પાણી માટે કૃષ્ણા નદીના નાગાર્જુન સાગર ડેમની જમણી નહેરમાંથી પાણી છોડી રહ્યા છીએ. આ ઉપરાંત પ્રધાને એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે થયેલા કરાર મુજબ જ પાણી લીધું છે. કૃષ્ણા નદીનું 66% પાણી આંધ્રપ્રદેશ અને 34% તેલંગાણાનું છે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે વધી રહેલા તણાવને જોતા કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને બંને રાજ્યોને નાગાર્જુન ડેમ પરથી છોડેલું પાણી 28 નવેમ્બર સુધીમાં પરત કરવાની અપીલ કરી હતી. આ પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન રજૂ કર્યો હતો. અને બંને રાજ્યો આ અંગે સહમત થયા છે. ત્યારે કરાર મુજબ બંને પક્ષોને પાણી મળી રહ્યું છે કે કેમ તે બાબત પર પણ ધ્યાન રાખવામાં આવશે.
આ ઘટના ત્યારે ધ્યાનમાં આવી જ્યારે તેલંગાણાના મુખ્ય સચિવ શાંતિ કુમારીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે આંધ્રપ્રદેશના લગભગ 500 સશસ્ત્ર પોલીસકર્મીઓ નાગાર્જુન સાગર ડેમ પર કબજો કરી લીધો છે અને સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે આંધ્રપ્રદેશનું આ પગલું હૈદરાબાદ અને આસપાસના વિસ્તારોના બે કરોડ લોકોના પીવાના પાણીના પુરવઠા માટે એક ગંભીર સમસ્યા ઊભી કરે તેવી શક્યતાઓ છે.