ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ઇમરાનની જગ્યા સંભાળશે ગૌહર અલી

પાકિસ્તાનમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઇ છે. જેલમાં સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્થાને ગૌહર અલી ખાનને ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ બિનહરીફ જ ચૂંટાયા હતા.

પીટીઆઇના મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા નિયાઝીએ આ પરિણામોની જાહેરાત કરી હતી, અને જણાવ્યું હતું કે બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીના નવા અધ્યક્ષ તથા ઉમર અયુબ ખાનને પાર્ટીના કેન્દ્રીય મહાસચિવ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અલગ અલગ પ્રાંત મુજબ પણ નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. અલી અમીન ગંડાપુર અને ડો. યાસ્મીન રાશિદને અનુક્રમે ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં પાર્ટીના પ્રાંતીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

પાકિસ્તાનના રાજકારણમાં ઇમરાન ખાનનું ભવિષ્ય અંધકારમય જણાઇ રહ્યું છે. તોશાખાના કેસમાં ફસાયેલા પૂર્વ વડા પ્રધાન જ્યાં સુધી જેલની બહાર નહિ નીકળે ત્યાં સુધી પાર્ટીમાં તેમનું સ્થાન ડામાડોળ જ રહેશે, જો કે નવા ચૂંટાયેલા ગૌહર અલી ખાને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ઈમરાન ખાનના પ્રતિનિધિ તરીકે આ જવાબદારી નિભાવતા રહેશે. તેમણે દેશને આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગૌહરે કહ્યું, “હું ઈમરાન ખાનના પ્રતિનિધિ તરીકે આ પદ સંભાળીશ. ‘પીટીઆઈ કોઈની પણ સામે લડવા માટે તૈયાર’ છે તેવું નવા બનેલા અધ્યક્ષે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button