નેશનલ

ચોથી ડિસેમ્બરથી શરૂ થતા નવા શિયાળુ સત્રમાં કુલ 18 બિલો રજૂ કરવામાં આવશે…

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવાની છે ત્યારે સંસદમાં એવી ઘણી બાબતો છે જે ચર્ચાનો વિષય બની રહેશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનો રિપોર્ટ ચાર ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રના પહેલા દિવસે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટમાં લોકસભાની એથિક્સ પેનલે તપાસ બાદ ટીએમસી સાંસદને હાંકી કાઢવાની ભલામણ કરી છે. જો લોકસભા આ રિપોર્ટને મંજૂર કરશે તો મોઇત્રાનું સભ્યપદ સમાપ્ત થઈ જશે. મોદી સરકારે સાત નવા બિલ લાવવાની યોજના બનાવી છે. આ ઉપરાંત જે 11 બિલો અટવાયેલા છે તેની પર પણ ચર્ચા કરવામાં આવશે.

શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભામાં એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકર સોમવારે ગૃહમાં મહુઆ મોઇત્રાને ‘લાંચ લીધા પછી પ્રશ્નો પૂછવા’ના મામલામાં અહેવાલ રજૂ કરશે. અને તેમને સાંસદ ગૃહમાંથી હાંકી કાઢવાની ભલામણ કરશે. સરકારે આ સત્ર માટે કુલ 18 બિલોની યાદી આપી છે. જેમાં તેલંગાણામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના અને જમ્મુ-કાશ્મીર અને પુડુંચેરીની વિધાનસભાઓમાં મહિલાઓને ક્વોટા આપવા સંબંધિત બિલનો સમાવેશ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયન પીનલ કોડ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને એવિડન્સ એક્ટને બદલવા માટે પ્રસ્તાવિત કાયદાઓ પણ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયનો કાર્યકાળ) 2023નું બિલ પણ સાંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલ છેલ્લા ઘણા સમયથી રાજ્યસભામાં પેન્ડિંગ છે. મોદી સરકાર માટે મુખ્ય પડકાર ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ એમ ત્રણ ખરડા પસાર કરવાનો રહેશે. સરકાર પેનલની ભલામણો સ્વીકારશે કે તેમાંના કેટલાકને સામેલ કરશે તે જોવાનું બાકી છે. તેમજ GST કાઉન્સિલની ભલામણોને લાગુ કરવા માટે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (બીજો સુધારો) 2023 અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી કાયદાઓ (વિશેષ જોગવાઈઓ) સેકન્ડ એક્ટ, 2011ની માન્યતાને જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2026 સુધી લંબાવવા માટેનું નવું બિલ પણ રજૂ કરવામાં આવશે.

બોઈલર બિલ, 2023 કે જે 1923ના કાયદાને ફરીથી લાગુ કરવા માટે રજૂ કરવામાં આવશે. જે જીવન અને સંપત્તિની સલામતી સાથે સંબંધિત છે. આ ઉપરાંત સરકાર 1931ના કાયદાને ફરીથી લાગુ કરવા માટે પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સિસ બિલ 2023 પણ સાંસદમાં રજૂ કરશે.

સોમવારથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્ર પહેલા સાંસદોને સંસદની કાર્યવાહીથી વાકેફ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદો સત્ર દરમિયાન વિવિધ વિષયો પર ચર્ચા માટે નોટિસ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સાંસદોને ખાસ સૂચના આપવામાં આવી છે કે વિવાદાસ્પદ વિષયો અને બિનજરૂરી વાતોથી દૂર રહે અને સાંસદમાં યોગ્ય મુદ્દાઓ વિશે જ ચર્ચા કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button