રાજસ્થાનથી લઇને એમપી સુધી નેતાજીઓ જીતવા માટે ભગવાનને શરણે
પાંચ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતી કાલે સવારે આવવા માંડશે. જો એક્ઝિટ પોલનું માનીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
એક્ઝિટ પોલના તારણોથી વયગ્ર બનેલા નેતાઓએ હવે ભગવાનનું તરણું ઝાલ્યું છે કે ભગવાન કંઇક ચમત્કાર કરે અને તેમનો વિજય થાય. બસ આ માટે જ પરિણામ પહેલા ભાજપના આગેવાનો મંદિરે દર્શન કરવા પહોંચી ગયા હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા, સાંસદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા નેતાઓ ભગવાનના દર્શન કરવા મંદિર પહોંચી ગયા હતા.
રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અને બીજેપી નેતા વસુંધરા રાજે જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન શ્રી ગણેશજીને પંચામૃતથી અભિષેક કર્યો હતો. ત્યાર બાદ વસુંધરા રાજેએ રાજસ્થાનના દૌસામાં મહેંદીપુર બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
મધ્ય પ્રદેશમાં આમ તો ભાજપની સરકાર બને એવો વરતારો છે, પણ એમપીના મુખ્ય પ્રદાન શિવરાજ સિંહ ચૌહાણ કોઇ જોખમ ઉઠાવવા નથી માગતા. ચૂંટણી પરિણામો જાહેર થાય એ પહેલા સીએમ શિવરાજ આદિ શંકરાચાર્યના અપૂર્વ ધામ પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા.
પાંચે રાજ્યના ચૂંટણી પરિણામો આવતી કાલે આવશે. એક્ઝિટ પોલમાં ભાજપ માટે ખાસ કંઇ હરખાવા જેવા પરિણામો નથી. એવા સંજોગોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ માતા પિતામ્બરાના દર્શન કરવા પિતાંબરા પીઠ પહોંચ્યા હતા. તેમની સાથે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.
ઉત્તર પ્રદેશમાં તો હાલમાં વિધાન સભાની ચૂંટણી યોજાઇ નહોતી, પણ છતાંય મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામલલાની મુલાકાત લીધી હતી. યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. તેમણે હનુમાનગઢીમાં પણ પ્રાર્થના કરી હતી. સીએમ યોગીની સાથે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રામલલાના દર્શન કર્યા હતા.