ઇન્ટરનેશનલ

ક્રૂડ ઓઇલ સિવાયના ક્ષેત્રોમાં ધાક જમાવવાનો સાઉદીનો કારસો, વર્લ્ડ એક્સપો 2030ની મેળવી યજમાની

વર્લ્ડ એક્સપો 2030ની યજમાની માટે થયેલા વોટિંગમાં સાઉદી અરેબિયાએ ઇટાલી અને દક્ષિણ કોરિયાને પછાડીને જીત મેળવી છે. એટલે કે સાઉદી અરેબિયા હવે ઓક્ટોબર 2030થી માર્ચ 2031 સુધી યોજાનારા વર્લ્ડ એક્સપો 2030ની યજમાની કરશે. ઇસ્લામિક દુનિયાના તમામ દેશો સાઉદી અરેબિયાને આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે છેક 2030માં થનારો વર્લ્ડ એક્સપો સાઉદી અરેબિયા માટે આટલો મહત્વનો કેમ? એક્સપોની યજમાની મેળવવા માટે તે આટલું બેબાકળું કેમ બની રહ્યું હતું?

વર્લ્ડ એક્સપો એક અત્યંત જૂનું અને સમૃદ્ધ વૈશ્વિક મંચ છે જેનું આયોજન દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તેની શરૂઆત 1851માં લંડનમાં થઇ હતી. વર્લ્ડ એક્સપોને ઇન્ટરનેશનલ રજિસ્ટર્ડ એક્ઝિબીશનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં વિશ્વભરના દેશો પોતાના ઉત્પાદનો, તકનીકો, કળાઓનું પ્રદર્શન કરે છે. આ મેગા ઇવેન્ટને જોવા માટે વિશ્વભરમાંથી લાખો લોકો આવે છે. સાઉદી અરેબિયા વર્લ્ડ એક્સપોનું આયોજન કરીને ફાયનાન્સ, ઇન્ટરનેટ, અને ડેવલપમેન્ટના ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા ઇચ્છે છે, જેથી તેની મુખ્ય આવકની વિવિધ દેશો સાથે તેલના વ્યવહારો પર જે નિર્ભરતા છે તે ઓછી થાય.

વિશ્વના મોટાભાગના દેશો ક્રૂડ ઓઇલ માટે સાઉદી તરફ નજર દોડાવે છે, ક્રૂડ ઓઇલને કારણે સાઉદી વિશ્વના સૌથી મોટા ધનિક દેશોમાંનું એક બન્યું છે, પરંતુ હવે ધીમે ધીમે ચિત્ર બદલાઇ રહ્યું છે. ક્રૂડ ઓઇલ માટે સાઉદી પરની નિર્ભરતા જોખમી પણ છે, જેને લીધે વિશ્વના ઘણા દેશો હવે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. જો ક્રૂડ ઓઇલના અન્ય વિકલ્પો સફળ થાય તો સાઉદી અરેબિયાને મોટો ફટકો પડશે. ઉપરાંત સાઉદી પાસે બીજી કોઈ કુદરતી સંપદા કે વિશ્વને તેના પર નિર્ભર રહેવું પડે તેવું અન્ય કોઈ ઉત્પાદન નથી. આમ ક્રૂડ ઓઇલના સોફ્ટ પાવરનો પ્રતાપ ઓછો થાય તે પહેલા સાઉદી અન્ય ક્ષેત્રોમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પ્રયાસો કરી રહ્યું છે.

વર્લ્ડ એક્સપો 2030 એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા સાઉદી અરબને ક્રૂડ ઓઇલ સિવાયના ક્ષેત્રોમાં ગ્લોબલ હબ બનવાની તક મળશે. સાઉદી પોતાને એક અલગ જ અંદાજમાં રજૂ કરશે. વિશ્વભરના દેશો સાથે અલગ અલગ મુદ્દાઓ પર સાઉદી અરેબિયા પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારી કઇ રીતે નિભાવી શકે છે તે એક્સપોના આયોજન પરથી સાબિત થશે.

વિશ્વસ્તરે પોતાના દેશે મેળવેલી સિદ્ધિઓની રજૂઆત કરવી એ વર્લ્ડ એક્સપો યોજવાનો મુખ્ય હેતુ હોય છે. જૂના જમાનામાં જ્યારે ટ્રેન, વિમાન, એરકન્ડિશનર, ટેલિવિઝન જેવી ક્રાંતિકારી શોધ થઇ હતી ત્યારે આ શોધને પણ વર્લ્ડ એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી.

સાઉદી સરકારની આધિકારિક વેબસાઇટ સાઉદી ગેઝેટના કોલમિસ્ટ તલાલ મેલબારીએ જણાવ્યું હતું કે વર્લ્ડ એક્સપો 2023નું આયોજન રિયાધમાં થવું એ ફૂટબોલ વિશ્વકપ જીતવા સમાન છે. કારણકે તેમાં વિશ્વના તમામ દેશો સાઉદી અરેબિયામાં એક છત હેઠળ આવશે. સાઉદીના લાખો નાગરિકો અને આવનારા ભવિષ્ય માટે આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button