નેશનલ

સાસરે આવેલા જમાઈની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરના ગાયઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બરુઆરી ગામના બગીચામાંથી એક યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સાસરે આવેલા યુવકની હત્યા કર્યા બાદ પત્ની અને સાસરિયાઓએ લાશને ખેતરમાં દાટી દીધી હતી. જ્યારે ગ્રામજનોને દુર્ગંધ આવતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો અને તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મૃતકની ઓળખ મધુબની જિલ્લાના ઝાંઝરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લાવણી ગામના રહેવાસી નવીન કુમાર સિંહના પુત્ર 33 વર્ષીય ચંદન કુમાર સિંહ તરીકે થઈ છે. ચંદન કુમાર દિલ્હીમાં રહેતાં એમઆર તરીકે કામ કરતો હતો અને તેની પત્ની મનીષા કુમારી છેલ્લા 7 મહિનાથી એક બાળક સાથે મુઝફ્ફરપુરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. ચંદન 24મી નવેમ્બરના રોજ અચાનક દિલ્હીથી બરુઆરીમાં તેના સાસરિયાના ઘરે કંઈપણ જાણ કર્યા વિના આવી ગયો હતો, ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 27 નવેમ્બરે મનીષાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.


દરમિયાન ગામની કેટલીક મહિલાઓ બકરા ચરાવવા ખેતર બાજુ ગઈ હતી. તેમણે જોયું હતું કે એક કૂતરો ખેતરમાં માટી ખોદી રહ્યો હતો. જ્યારે દુર્ગંધ આવવા લાગી ત્યારે મહિલાઓએ નજીક જઈને જોયું તો માટીની અંદર દાટેલી લાશનો હાથ બહાર નીકળી આવેલો હતો. આ પછી લોકોની ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી.


મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે 8 વર્ષ પહેલા ચંદન કુમાર સિંહના લગ્ન બરુઆરી ગામના મિથિલેશ સિંહની પુત્રી મનીષા કુમારી સાથે કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેના પુત્રની વહુ, તેના પિતા અને ભાઈએ મળીને ચંદનની હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા તેમણે લાશના હાથ-પગ બાંધીને ગામમાં આવેલા પોતાના ખેતરમાં લઈ જઈને દાટી દીધી હતી.


ચંદન કુમાર સિંહની હત્યા શા કારણે કરવામાં આવી તે અંગે હાલમાં કોઇ માહિતી મળી નથી. પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મનીષા અને તેના પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button