ફરી જામશે વરસાદી માહોલ: આ રાજ્યોમાં આજે વરસાદની સંભાવના
શિયાળાની ઋતુ અને ડિસેમ્બર મહિનો એટલે ઠંડીનો મહિનો માનવામાં આવે છે ,પરંતુ છેલ્લા ઘણા સમયથી ઋતુનું ચક્ર ગમે તેમ ફરે છે અને વરસાદ ઉનાળો, શિયાળો કે ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં આવે છે.
ગયા શનિવારે અને રવિવારે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો અને લગભગ વીસેક જાણે જીવ ગુમાવ્યો હતો. આજે ફરી હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ ચારેય રાજ્યોના અમુક ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આને લીધે સામાન્ય ઝરમર વરસાદ અથવા જોરદાર ઝાપટા પડવાની સંભાવના છે. ગાજવીજની પણ સંભાવના છે .આથી દરિયાઈ વિસ્તારમાં માછીમારોને પણ સાવધ રહેવાની સલાહ હવામાન ખાતાએ આપી છે. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીંયા ચોમેર બરફની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળે છે.
જમ્મુ કશ્મીરના અમુક ભાગોમાં આજે પણ ભારે હિમ વર્ષાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. આ બદલાતું વાતાવરણ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને ઉત્તરીય હિમાલય તરફથી પસાર થતા વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે હોવાની માહિતી પણ મળી છે.
આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનામાં અપેક્ષિત ઠંડી ન પડે અને વાતાવરણમાં ગરમાવો રહે તેવી પણ સંભાવના છે. નવેમ્બર મહિનામાં પણ ઠંડીનું જોર ઓછું રહ્યું છે . જો કે મળતા અહેવાલો અનુસાર ગુજરાતના અમુક ભાગોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.