સ્પોર્ટસ

પ્રથમ ટેસ્ટમાં જીતથી ત્રણ વિકેટ દૂર બંગલાદેશ: ન્યૂઝીલેન્ડની કંગાળ બેટિંગ

બંગલાદેશના બોલર તૈજુલ ઈસ્લામે (ડાબે) ચાર વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડની બેટિંગ હરોળના ભુક્કા બોલાવી દીધા હતા. ટેસ્ટ મેચના ચોથા દિવસે તેણે ટોમ બ્લંડેલની વિકેટ ઝડપી હતી અને મહેદી હસન મિરાઝ સાથે તેની ઉજવણી કરી હતી.

સિલહટ: બંગલાદેશ ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે સિલહટમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં જીતથી ત્રણ વિકેટ દૂર છે. ૩૩૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં ૧૧૩ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ હજુ પણ ટાર્ગેટથી ૨૧૯ રન પાછળ છે અને તેની માત્ર ત્રણ વિકેટ બાકી છે.

બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમની બેટિંગ કંઈ ખાસ રહી ન હતી અને ઓપનર ટોમ લાથમ (૦) પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આ પછી પણ નિયમિત અંતરે વિકેટો પડતી રહી જેના કારણે ટીમ બેક ફૂટ પર આવી ગઇ હતી. ડેવોન કોનવે (૨૨), કેન વિલિયમ્સન (૧૧), હેનરી નિકોલ્સ (૨), ટોમ બ્લંડેલ (૬), ગ્લેન ફિલિપ્સ (૧૨)ને જલદી આઉટ થઇ જતા ટીમની હાર નિશ્ર્ચિત થઇ હતી. ડેરીલ મિશેલે અણનમ ૪૪ રન કરી થોડી લડત આપી હતી.

બંગલાદેશના બોલરોએ બીજા દાવમાં અપેક્ષા કરતાં ઘણું વધારે પ્રદર્શન કર્યું હતું. તેણે બીજા દાવમાં ૮૧ રનમાં ન્યૂઝીલેન્ડની ૬ વિકેટ ઝડપી હતી. બંગલાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે ચાર વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા તેણે પ્રથમ દાવમાં ચાર વિકેટ લઈને પોતાની છાપ છોડી હતી.

મેચના ચોથા દિવસે બંગલાદેશે તેના આગળના દિવસના સ્કોર ત્રણ વિકેટે ૨૧૨ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. નઝમુલ હુસૈન શાંતો માત્ર એક રન ઉમેરી શક્યો અને ૧૦૫ રન કરીને આઉટ થયો હતો. અનુભવી મુશ્ર્ફિકુર રહીમે પોતાની અડધી સદી પૂરી કરી અને ૬૭ રન કરીને આઉટ થયો હતો. મેહદી હસન મિરાઝે (૫૦) અડધી સદી ફટકારી હતી. બીજા દાવમાં બંગલાદેશની આખી ટીમ ૩૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button