અંડર-૧૯ એશિયા કપનો કાર્યક્રમ જાહેર: ૧૦ ડિસેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે ભારત
દુબઇ: એશિયન ક્રિકેટ કાઉન્સિલે અંડર-૧૯ એશિયા ૨૦૨૩નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન દુબઈમાં થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ ડિસેમ્બરે મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ ઉદય સહારન કરશે. ઉદયનું પ્રદર્શન ઘણી મેચોમાં સારું રહ્યું છે. તેની સાથે રુદ્ર પટેલ અને મુશીર ખાન જેવા શાનદાર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.
અંડર-૧૯ એશિયા કપ ૮ ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. પાકિસ્તાનની પ્રથમ મેચ નેપાળ સામે છે. ટૂર્નામેન્ટના બીજા દિવસે બાંગ્લાદેશ અને યુએઇ વચ્ચે મેચ રમાશે. શ્રીલંકા અને જાપાનની ટીમો પણ ૯મી ડિસેમ્બરે ટકરાશે. ટુનામેન્ટમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, યુએઇ અને જાપાનનો સમાવેશ કરવામાં
આવ્યો છે.
નોંધનીય છે કે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે છે. બીજી મેચ પાકિસ્તાનની છે. આ મેચ ૧૦ ડિસેમ્બરે દુબઈમાં રમાશે. આ પછી ત્રીજી મેચ નેપાળ સામે થશે. ભારત અને નેપાળ વચ્ચે ૧૨ ડિસેમ્બરે મેચ રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ ૧૫ ડિસેમ્બરે યોજાશે. બીજી સેમિફાઇનલ મેચ પણ તે જ દિવસે યોજાશે. અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ ૧૭ ડિસેમ્બરે દુબઈમાં રમાશે.