વીક એન્ડ

ઠંડી મોકલો વરસાદ નહીં, ઇ.વી.એમ.ફિટ કર્યું છે?

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

એક વાત છે કે આ બટનવાળી વાત મગજમાં લોકોને બહુ ઘર કરી રહી છે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ઠંડી ની રાહ જોવાય છે પરંતુ વરસાદ કેડો નથી મુકતો, આ વાત પણ લોકો ઈ.વી.એમ.મશીન સાથે જોડે છે કે દબાવું છું એક પક્ષ નું બટન અને મત જાય છે બીજા પક્ષમા
આ સાલી સિઝન સમજાય તેવું નથી ઠંડીની રાહ જોતા હતા ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો આપણને એ જ ન સમજાય કે સ્વેટર લઈને બહાર નીકળવાનું છે કે રેનકોટ. જોકે ઘણાએ સ્વેટર માથે પોલિથીન લેમિનેશન કરાવી લીધું છે અને આમને આમ વરસાદ વધારે ચાલુ રહ્યો હતો રેનકોટમાં ઉનનું અસ્તર નખાવું પડશે. માણસોને કારણે વાતાવરણ ડહોળાઈ ગયું છે અને ઉપર પણ મગજમારી ચાલુ થઈ ગઈ છે. આજ સુધીમાં કોઈ દેવોમાં ફૂટ પડાવી શક્યું નહોતું માણસોએ તે પણ કરી બતાવ્યું. ઉપરવાળાએ તાત્કાલિક શિયાળુ ચોમાસુ સત્ર બોલાવવું પડ્યું અને તેમાં પણ કેવી અંધાધૂંધી સર્જાઈ બધા બધાની રીતે સાચા છતાં બધા બધાને રીતે ખોટા પણ ખરા. હવે આનો ઉકેલ છત્રી નીચે સ્વેટર પહેરી અને તમે જ આપો.

ઇન્દ્ર: શાંતિ..શાંતિ.. શાંતિ.. આ પૃથ્વીલોકની સંસદ સભા નથી કે દેકારો કરો છો. તમે લોકો રાજકીય નેતા નહીં દેવગણ છો શાંતિ રાખો દરેકની વાત સાંભળવામાં આવશે. અગ્નિદેવ તમે માઇક હાથમાંથી મૂકી દ્યો, એ બોલવા માટે છે, ફેંકવા માટે નહીં. લાઈવ-ટેલીકાસ્ટ ચાલુ છે સ્વભાવની જેમ આકરા થાવમાં.

અગ્નિ દેવ: હું છેલ્લા કેટલા સમયથી બોલવા જાઉં છું ત્યાં વરુણદેવ અટકાવે છે. વાદળાઓ દબાવવાની કોશિશ કરે તે કેમ ચાલે?

ઇન્દ્ર :આ વખતે કોણ બોલશે તે નક્કી કરવા માટે મતદાન થયું ત્યારે વરુણદેવને સૌથી વધારે મત પ્રાપ્ત થયા છે એટલે તેમનો હક લાગે.

અગ્નિદેવ :મારે એ કહેવું છે કે ‘મારું કુટુંબ મને મત આપે છતાં એ મત નીકળે નહીં તો મારે શું સમજવું? નક્કી ઈ.વી.એમ માં ગડબડી છે. પહેલા આપણે અહીં નિયમ હતો આંગળી ઊંચી કરી અને મત આપતા હતા જૂનો નિયમ પાછો ચાલુ કરો. “વારા ફરતી વારો, તારા પછી મારો તો હવે મારો વારો છે. ક્યારેક ક્યારેક તો ડોકા કાઢવા દયો. ખોટેખોટો ઓવરટાઇમ ખેંચે છે, આમાં વાયુદેવ ક્યારે આવશે? ઠંડીનો માહોલ ક્યારે બનશે? પછી હું તો ફેબ્રુઆરીથી ચાલુ પડી જઈશ,મને ના કહેતા. મારા સપોર્ટમાં સૂર્યનારાયણ દેવ છે જ હું પૃથ્વી પર એક ચક્કર મારી આવું.’

હજી બહાર નીકળે ત્યાં તો કોલાહલ થયો કે ‘જોયુ હું હજી બહાર નીકળવા જાઉં છું ત્યાં વાદળા એ રસ્તો રોક્યો અને વર્ષારાણી પોતાના રથમાં ફરવા પણ નીકળી ગયા આમ થોડું ચાલે? અને મને શાંત પાડવા આમ વરસાદ ના મોકલો, મારો જીવ બળતો હોય ત્યારે એમ ટાઢક ના થાય, રહેવા દ્યો મને પલાળો માં કહું છું રહેવા દો’….

કોણ તમને છાલક મારે છે? આમ ઊંઘમાં પણ શેના રોમેન્ટિક થઈ જાઓ છો? કોણ છે એ સગલી? પ્રશ્ર્નોના મશીનની જેમ મારો થયો અને મારી ઊંઘ ઊડી મેં જોયું કે બારીમાંથી પાણીની વાંછટ આવતી હતી અને હું દેવગણમાંથી અલગ ડાયલોગ બોલતો હતો. તાજે તાજું જ સપનું હતું એટલે અક્ષરે અક્ષર મને યાદ રહ્યા પણ આશ્ર્ચર્ય એ વાતનું થયું કે અત્યારની પરિસ્થિતિ મારા મગજ પર કેટલી હાવી છે એક બટન દાબું અને બીજામાં મત જાય આ વાત ક્યાંથી ક્યાં લાગુ પડી. નક્કી કર્યું કે રાત્રે મોડે સુધી જાગવું નહીં અને જાગવું તો સમાચાર તો જોવા જ નહીં અને જો સમાચારની ચેનલ જોવી હોય તો ત્યારે ડિબેટ તો જોવી જ નહીં, આ અર્થના અનર્થ થઇ જાય અને ઘરવાળીને સગલીના ખુલાસા કેમ કરવા?

એક વાત છે કે આ બટનવાળી વાત મગજમાં લોકોને બહુ ઘર કરી રહી છે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ઠંડી ની રાહ જોવાય છે પરંતુ વરસાદ કેડો નથી મુકતો, આ વાત પણ લોકો ઈ.વી.એમ.મશીન સાથે જોડે છે કે દબાવું છું એક પક્ષ નું બટન અને મત જાય છે બીજા પક્ષમા. સરકાર દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને સારી વાત છે કે લોકોને આજે શિક્ષાત્મક પગલા દ્વારા સરકાર નિયામક રહેતા શીખવાડી રહી છે, પરંતુ તે નિયમ પાળવામાં કેટલી તકલીફ થાય છે ઘરેથી નીકળીએ ત્યારે હેલ્મેટ નો કાયદો ફરજિયાત થયો હોવાથી હેલ્મેટ લેવાની, વરસાદ ગમે ત્યારે આવી શકે છે તેમ ધારી છત્રી પણ લેવાની, અને છત્રી ન હોય તો રેઈનકોટ પહેરી અને નીકળવાનું લોકો તડકામાં રેઇનકોટ પહેરીને ફરતા મેં જોયા છે.જોકે એમનો વાંક નથી ક્યારે વાદળાં ઘેરાય અને તૂટી પડે તે નક્કી નહીં એટલે વહેમમાં રહેવા કરતા રેઇનકોટ માં રહેવું વધારે સારું, વરસાદ આવશે કે તરત રેઇનકોટ પહેરી લે શું એવું જો માનતા હો તો વરસાદ ચાન્સ આપતો જ નથી શરૂ થાય એટલે એકધારો શરૂ થાય અને આખા પલાળે જ. પોપલા ઘરે ગયા હોય ત્યાં સરસ સોફા માથે પલાળેલ કુકડા જેવા થઈ અને બેસીએ તો એ માણસને તમારી વાતમાં રસ ઓછો પડે પરંતુ તેનો સોફો બગડતો હોય તે વાતમાં જ તેનું મગજ રહે અને તમારી વાત ઉપરથી જાય તમારું કામ થાય નહીં. વરસાદને કારણે ક્યાંક તમે ન પહોંચી શકો અને તમને ફોન કરે ત્યારે તમે કહો કે ધોધમાર વરસાદ ચાલુ છે એટલે હું નહીં આવી શકું તો એવા સંજોગોમાં બની શકે કે તેના વિસ્તારમાં ટીપું પણ વરસાદ ન હોય ત્યારે તે તમારી વાત ખોટી માની અને તમારી ઉપર ખોટાડો, કામચોર એવા લેબલ લગાવી દે એટલે મારું તો માનવું છે કે જવાનું હોય ત્યાં પલ્લીને પણ પહોંચી જવું જેથી કાંઈ નહીં તો એ તમારી કામ પ્રત્યેની ધગસ તો દેખાય ભલે તમે કરવા સક્ષમ ન જ હો હા પહોંચી અને તેમના સોફા કે ખુરશી ઉપરના બેસી જવું જેથી કરી અને તમારું કામ બગડે તમે ગાળો ખાવ એવું ના થાય.

સૌરાષ્ટ્રમાં તો વરસાદ ઓછો આવે એટલે જ્યારે વરસાદ આવે ત્યારે પરણેલા પુરુષો આશાભરી નજરે પત્ની સામે જુએ અને જો તાજા લગ્ન થયા હોય તો પત્ની પણ
શરમાઈ અને આંખોથી જ સહમતી આપે આ વાત રોમેન્ટિસિઝમ સાથે નહીં પણ ખાઉધરાપણા સાથે જોડાયેલી છે એટલે કે તે ભજીયા માટે આશાભરી નજરે જુએ અને આંખોથી એ ભજીયા બનાવાશે તેવી મૂક સંમતિ પત્ની આપે. જો લગ્નને થોડો સમય થઈ ગયો હોય તો આંખોથી કામના ચાલે ડિમાન્ડ મૂકવી પડે લાચાર ભુખડીબારસ પતિ ભજીયાની ડીમાન્ડ મૂકે હા ના હા ના થતા અડધી કલાકે પત્ની માને અને ઝાપટું રોકાઈ જાય પછી પતિ બજારમાં જઈ અને બટેટા ડુંગળી બધું લઈ આવે પછી કચ કચ સાથે ભજીયા નો કાર્યક્રમ શરૂ થાય, અને જો થોડા વધુ વર્ષો લગ્નને થઈ ગયા હોય તો પતિ જોવાની તો શું બોલવાની પણ હિંમત ન કરી શકે અને ચૂપચાપ જો ખાવા હોય તો ગલીના નાકેથી તેના અને
પત્ની માટે તૈયાર ભજીયા લઈ આવે અને હોંસે હોંસે ખાય. આ વર્ષે તો વરસાદ જ એટલો ચાલ્યો કે નવી પત્ની પણ ભજીયા બનાવી બનાવી અને થાકી ગઈ, હવે તો પતિ જેવો સામું જુએ એટલે તરત જ કહી દે, ’રોમેન્ટિક થવું હોય તો થજો ભજીયા ની વાત ન કરતા’.

વરસાદ જ્યારે ન આવ્યો, ખેંચાયો ત્યારે વરુણ યજ્ઞ કરી અને લોકોએ ઈશ્વર પાસે ખુબ આજીજી કરી અને બધા નો અવાજ એટલી હદ સુધી પહોંચ્યો કે હવે કોણે-કોણે યજ્ઞ કર્યો તે લોકોને પ્રજા શોધે છે. ઉભા પાકને નુકસાન થવાની શરૂઆત થઈ છે. ખેડૂતોની તકલીફ કેવી? વરસાદ ખેંચાય તો પણ પાક બળી જાય અને વરસાદ ખૂબ આવે તો પણ લીલો દુકાળ પડે. આવા સંજોગોમાં સરકાર ની કામગીરી પણ ખુબ વધી જાય,છાસવારે તો સર્જીકલ સ્ટ્રાઈક નથી કરી શકાતી ખેડૂત લોકોનું ધ્યાન પણ કેટલું ડાઈવર્ટ કરી શકાય?
ઈશ્વર હવે એક એવું મશીન પૃથ્વી ઉપર મોકલ જેમાં કોઈ ગડબડી ના થાય થોડા ગાંધી થોડા સરદાર થોડા ભગતસિંહ જેવા દેશ પ્રેમી દેશદાઝ વાળા લોકો સમાજમાં આવે.જોકે અમે તો વર્ષોથી આ માટે જ મશીનમાં બટન દબાવી એ છીએ પરંતુ પ્રોડક્શન કંઈક બીજું જ નીકળે છે. ભગવાન બચાવે આ બટનવાળા મશીનોથી…

વિચારવાયુ :
ચુનિયો: આપણે ત્યાં વધારે વરસાદ થી પાકિસ્તાન ને શું કામ નુકસાન થાય? છાપાવાળા ઓમાં બુદ્ધિ જ નથી ખોટું લખે છે કે ’પાક’ને નુકસાન થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button