પ્રધાનપદેથી રાજીનામું આપો પછી ઓબીસીના મંચ પર જાઓ: ભુજબળને કેબિનેટના પ્રધાનની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા સમાજને ઓબીસીમાંથી આરક્ષણ આપવાના મુદ્દા પર નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે આક્રમક વલણ અપનાવ્યું હતું. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો ભુજબળે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, કુણબી નોંધ શોધવા માટે નિયુક્ત કરાયેલી જસ્ટિસ સંદીપ શિંદેની સમિતિ સામે જ તેમણે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ સમિતિને બરખાસ્ત કરવાની માગણી કરી હતી. આ બધાને કારણે સરકારમાં જ એકમત ન હોવાનું જણાઈ રહ્યું હતું. એમાં ભાજપના સિનિયર પ્રધાને જ ભુજબળના રાજીનામાની માગણી કરી છે. આને કારણે આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી શકે છે.
આ પહેલાં શિંદે જૂથના પ્રધાનો હસન મુશ્રીફ અને શંભુરાજ દેસાઈ જેવા પ્રધાનોએ પણ ભુજબળની માગણીનો વિરોધ કર્યો હતો. હવે ભાજપના નેતા અને પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે ભુજબળનું રાજીનામું માગી લીધું હોવાથી સ્થિતિ ગંભીર થઈ રહી હોવાનું લાગી રહ્યું છે.
બીજી તરફ વિખે-પાટીલે ભુજબળનું રાજીનામું માગતાં ઠાકરે જૂથના સંસદસભ્ય વિનાયક રાઉતે તેમની પ્રશંસા કરી છે. મરાઠા આંદોલનકર્તા મનોજ જરાંગેએ કહ્યું હતું કે રાજીનામું આપવાની ભુજબળમાં હિંમત નથી.
વિખે-પાટીલે કહ્યું હતું કે પ્રધાનપદે રહેલા નેતાએ જવાબદારીપુર્વક વર્તન કરવું જોઈએ. જાતીય તંગદિલી ફેલાય નહીં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે. ભુજબળ આ બધું ભૂલી ગયા હોય એવું લાગે છે. તેમણે ઓબીસીના મંચ પર જઈને આક્રમક ભાષણ આપવા પહેલાં કેબિનેટમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.
મરાઠા આરક્ષણને મુદ્દે રાજ્યમાં વાતાવરણ તંગ હોય એવા સમયે આવા ભડકામણા ભાષણો કરવા જોઈએ નહીં એવું મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.