આસારામના ફોટા સાથે વેલેન્ટાઈન ડે ઉજવનારા શિક્ષકોને સરકારે દસ મહિને નોટિસ ફટકારી
શિક્ષક જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, એક કિશોરી સાથે દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામનો ફોટો સામે રાખી વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજનારા 33 શિક્ષકને રાજ્ય સરકારે નોટિસ ફટકારી છે. અહીં નવાઈની વાત એ છે કે આ નોટિસ ફટકારવામાં શિક્ષણ વિભાગને લગભગ દસેક મહિનાનો સમય લાગી ગયો છે.
દુષ્કર્મ અને જમીન ઉપર કબજો કરવાના મામલે જેલમાં સજા ભોગવી રહેલા આસારામનો ફોટો લગાવી કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરતો વિડીયો અને ફોટો વાયરલ થતા 10 મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો હોવાના અહેવાલો બહાર આવ્યા છે.
દુષ્કર્મ અને જમીન હડપવાના કેસમાં હાલમાં જેલમાં સજા ભોગવી રહેલા આસારામ અને તેમનો પુત્ર નારાયણ હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે.
જે બાબતે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચાયત વલસાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નૈતિક અધ:પતન/ગુનાહિત વ્યકિતનો ફોટો તથા લખાણ સાથે બેનર લગાવી માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શિક્ષકોને માતૃ-પિતૃવંદના કાર્યક્રમ બાબતે કચેરીએથી સંબંધિત 33 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે.
આ અંગે શિક્ષણ વિભાગ સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.