‘ઘણું-સમજી વિચારીને નિર્ણય લીધો, હવે ફરક પડતો નથી’ અભિનેતાએ છૂટાછેડા પર કહી દીધી આ વાત
ફિલ્મી કલાકારો તેમની ફિલ્મો અને કામની સાથે સાથે અંગત જીવનને લઇને પણ ઘણા ચર્ચામાં રહેતા હોય છે. કલાકારોના પ્રણયસંબંધો, લગ્ન અને છૂટાછેડા-આ એવા સમાચારો છે જેના વિશે ઘણા વર્ષો સુધી લખાતું-બોલાતું રહે છે.
કોવિડના સમયગાળા બાદ વર્ષ 2021માં સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને ફેમીલી મેન-2ની રાજી એટલે કે સામન્થા રૂથ પ્રભુના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. આમ તો બંનેએ ક્યારેય ખુલીને આ વિશે વાત કરી નથી પરંતુ જ્યારે બંને તેમના પ્રોજેક્ટને કારણે મીડિયા સાથે વાતચીત કરે ત્યારે હંમેશા કોઇને કોઇ વ્યક્તિ આ સવાલ કરનારું મળી જ જાય છે.
નાગા ચૈતન્યએ તાજેતરમાં જ OTT ડેબ્યૂ કર્યું છે. તે તેની આગામી ફિલ્મ ‘ધૂતા’ માટે સમાચારમાં છે અને સતત ઇન્ટરવ્યુ આપી રહ્યો છે. આ દરમિયાન, તેણે એક ઇન્ટરવ્યુમાં તેની પૂર્વ પત્ની સામન્થા વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે તે પોતાના અંગત જીવન દ્વારા નહીં પણ પોતાના કામ દ્વારા પ્રસિદ્ધિ મેળવવા માંગે છે.
નાગાર્જુનનો દીકરા નાગા ચૈતન્યએ જણાવ્યું હતું કે “જે લોકો મારી નજીક છે તેમને ખબર છે કે મને ખરેખર આ વસ્તુઓથી કોઈ જ ફર્ક પડતો નથી. એક એક્ટર હોવાના કારણે હું મારા અંગત જીવન કરતાં મારા કામ માટે લોકોમાં પ્રખ્યાત થવા માંગુ છું. તેથી હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું. જો મારી ફિલ્મો સારી ચાલે છે અને લોકોનું મનોરંજન કરવામાં સફળ થાય છે, તો હું ઈચ્છું છું કે લોકો મને તેના માટે યાદ રાખે.”
“મેં અને સેમ (સામન્થા)એ ઘણું સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે. પતિ-પત્ની બનવાને બદલે અલગ-અલગ રસ્તે જવાનું અને પોતાની શરતો પર જીવન જીવવાનું નક્કી કર્યું છે. તેમ છતાં અમારી વચ્ચે જે ખાસ બોન્ડ છે તે અકબંધ જ રહેશે” તેવું નાગા ચૈતન્યએ જણાવ્યું હતું.