સ્પોર્ટસ

ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2024 માટે આવ્યું સંકટ

નવી દિલ્હીઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર થવાનું છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં 20 ટીમ રમતી જોવા મળશે, પરંતુ હવે ટી-20 વર્લ્ડ કપના આયોજન પર મોટું સંકટ ઉભું થયું છે.

ડોમિનિકા ટી-20 વર્લ્ડ કપની યજમાની માટે પસંદ કરાયેલા સાત કેરેબિયન દેશોમાંથી એક છે, પરંતુ હવે ડોમિનિકાએ ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કોઈપણ મેચનું આયોજન કરવાનો ઈનકાર કરી દીધો છે.

2024 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ડોમિનિકામાં એક પણ મેચ રમાશે નહીં. ડોમિનિકાની સરકારે વર્લ્ડ કપ મેચોની યજમાની કરવામાંથી હટવાનો નિર્ણય લીધો છે. ડોમિનિકાની સરકારનું કહેવું છે કે વર્લ્ડ કપ માટે જરૂરી નિર્માણ કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ નહીં થાય.

વિશ્વ કપની યજમાની કરનાર સાત કેરેબિયન દેશોમાં ડોમિનિકા એક છે. ડોમિનિકા સરકારના નિવેદન અનુસાર એક ગ્રુપ મેચ અને બે સુપર 8 મેચ વિન્ડસર પાર્કના મેદાન પર યોજાવાની હતી.

ડોમિનિકા સરકારે કહ્યું હતું કે વિન્ડસર પાર્ક સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને બેન્જામિન પાર્ક બંનેમાં પ્રેક્ટિસ અને મેચના સ્થળોનું નવીનીકરણ કરવા અને વધારાની પિચો બનાવવાની શરૂઆત સહિત સંખ્યાબંધ નક્કર પગલાં લેવામાં આવ્યા હતા.

સરકારે જણાવ્યું હતું કે જોકે, કોન્ટ્રાક્ટરો પાસેથી મળેલી ડેડલાઇન પરથી જાણવા મળ્યું છે કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા નિર્ધારિત સમયની અંદર આ કામો પૂર્ણ કરવાનું શક્ય બનશે નહીં. પરિણામે અમે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 ની કોઈપણ મેચની યજમાની ન કરવાનો નિર્ણય લીધો છે કારણ કે ડોમિનિકા સરકાર માટે આ રમતોનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધતા યોગ્ય રહેશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button