હવે 24 નહીં પણ આટલા કલાકનો હશે દિવસ, જાણે આ પાછળનું ચોક્કસ કારણ…
આપણે ઘણી વખત લોકોને એવું કહેતાં સાંભળીએ છીએ કે શું કરીએ ભાઈસાબ કામ એટલું છે ને કે દિવસના 24 કલાક ઓછા પડે છે. આવી ફરિયાદ કરનારાઓ રોતલુરામ માટે હવે કામના અને મહત્ત્વના સમાચાર આવ્યા છે અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે દિવસ 24 કલાકનો નહીં પણ 25 કલાકનો હશે. જી હા, બરાબર વાંચ્યું તમે. હવે લોકોને દિવસની 60 મિનિટ વધુ મળશે.
એક દિવસ 24 કલાકનો હોય છે અને એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ પણ શું તમને ખબર છે કે હંમેશાથી આવું નહોતું અને એ સમયે દિવસમાં 24 કલાક કરતાં ઓછા કલાકો હતા. વૈજ્ઞાનિકો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે દિવસમાં 25 કલાક હોઈ શકે છે એને આવું થવાનું કારણ છે પૃથ્વીનું પરિભ્રમણ. આ દાવો ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિક (ટીયુએમ) દ્વારા કરવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભવિષ્યમાં દિવસના કલાકોની સંખ્યા વધી શકે છે અને દિવસમાં 24 કલાકથી વધુ હશે. એટલું જ નહીં વૈજ્ઞાનિકો દ્વારા એ વાતની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે આવું ક્યારથી થઈ શકે છે.
યુનિવર્સિટીના આ રિસર્ચ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ લીડરે વાત કરતાં જણાવ્યું હતું પૃથ્વીના પરિભ્રમણમાં જોવા મળતી વધઘટ એ જ ખગોળશાસ્ત્રની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. હવે આ ફેરફારને કારણે એક દિવસના કલાકોમાં વૃદ્ધિ થવાની વાત પણ સામે આવી રહી છે અને એક દિવસમાં આશરે 25 કલાકો હોઈ શકે છે.
મ્યુનિકની ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે અને એમના દ્વારા પૃથ્વી વિશેનો ડેટા મેળવવા માટે ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જેને રિંગ લેઝર તરીકે ઓળખવામાં આવે છે અને એનું કામ છે પૃથ્વીના પરિભ્રમણની પેટર્ન અને ઝડપ માપવાનું. આ રિંગ લેઝર એટલી બધી ચોક્કસાઈપૂર્વક કામ કરે છે કે તે પૃથ્વીની હિલચાલમાં જોવા મળેલા નાના-મોટા ફેરફારોને પણ ખૂબ જ સરળતાથી પારખી લે છે.
રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે લેઝર રિંગ એક ગાયરોસ્કોપ છે, જે પૃથ્વીથી 20 ફૂટ નીચે એક ખાસ દબાણવાળા વિસ્તારમાં આવેલું છે. અહીંથી નીકળતું લેઝર પૃથ્વીના પરિભ્રમણની ઝડપમાં થતા ફેરફારને તરત જ પારખી લે છે. અહીંથી, વૈજ્ઞાનિકોએ કલાકો વધારવાની સંભાવના પર પોતાની મહોર લગાવી દીધી છે.
ખગોળશાસ્ત્રીઓની વાત પર વિશ્વાસ કરીએ તો આજે ભલે આપણા બધાના દિવસમાં 24 કલાક છે, પરંતુ હંમેશાથી આવું નહોતું. ડાયનાસોરના યુગમાં દિવસમાં 23 કલાક જ હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સમયગાળામાં ચંદ્ર પૃથ્વીથી થોડો નજીક હતો અને એને કારણે આવું થયું હતું.
રિપોર્ટમાં આગળ એવું પણ જમાવવામાં આવ્યું છે કે આ પરિવર્તન એવું નથી કે જે એક જ દિવસમાં આવ્યું હોય. આ એક ખૂબ જ લાંબા સમયથી ચાલતી ધીમી પ્રતિક્રિયા છે. વૈજ્ઞાનિકોનો એવો અંદાજ છે કે આજથી લગભગ 200 મિલિયન વર્ષ બાદ 24 કલાકનો દિવસ વધીને 25 કલાક લાંબો થઈ જશે.