‘મને ઉલ્લું બનાવ્યો..’ નકલી દેશ ‘કૈલાસા’ સાથે પેરાગ્વેએ કરાર કર્યો, મીડિયામાં હોબાળો થતા અધિકારી થયા બર્ખાસ્ત!
સ્વામી નિત્યાનંદનો નકલી દેશ ‘કૈલાસા’ ફરીવાર ચર્ચામાં આવ્યો છે. દુષ્કર્મના આરોપો બાદ નિત્યાનંદ દેશમાંથી ભાગીને દક્ષિણ અમેરિકાના ઇક્વાડોર દેશમાં જઇને વસી ગયો છે. તેણે ઇક્વાડોરમાં જમીનનો એક મોટો ટુકડો ખરીદી લઇને તેને એક દેશ તરીકે જાહેર કરી દીધો હતો. આ દેશને તેણે ‘કૈલાસા’ નામ આપ્યું અને દાવો કર્યો હતો કે કૈલાસાની પોતાની રિઝર્વ બેન્ક, ચલણી નાણું અને અલગ બંધારણ પણ છે.
હવે આ ‘કૈલાસા’ મુદ્દે દક્ષિણ અમેરિકાના જ એક દેશ પેરાગ્વેમાં બબાલ થઇ છે. નિત્યાનંદના સ્વઘોષિત દેશ સાથે પેરાગ્વેની સરકારે એક સમજૂતી કરાર કર્યો હતો. પેરાગ્વેના વરિષ્ઠ અધિકારી અર્નાલ્ડો ચામોરોએ નિત્યાનંદ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ નકલી દેસ ‘કૈલાસા’નું કોઇ અસ્તિત્વ જ નથી. આ ફક્ત એક જમીનનો ટુકડો છે તેવી વિગતો સામે આવતા પેરાગ્વેની સરકારે તેમના અધિકારીને ફરજ પરથી બર્ખાસ્ત કર્યા હતા.
અધિકારીએ પોતે મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે ‘કૈલાસા’ માંથી કેટલાક અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને પેરાગ્વેની મદદ માગી હતી. તેમણે અનેક પરિયોજનાઓ વિશે પણ અમને માહિતી આપી હતી. અમે વ્યાપારિક સંબંધો વધારવાના હેતુથી તેમની સાથે કરાર કર્યા હતા.
‘કૈલાસા’ ના અધિકારીઓએ પેરાગ્વેના મંત્રી કાર્લોસ જિમનોસ સાથે પણ મુલાકાત કરી હતી. જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તેમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપવાની વાત કરવામાં આવી હતી. કરાર પર પેરાગ્વેના કૃષિ વિભાગનો લેટરહેટ તથા આધિકારિક મુહર પણ લગાવેલી હતી. અર્નોલ્ડ ચમોરોએ ‘સંયુક્ત રાજ્ય કૈલાસા’ ના પ્રમુખ સ્વામી નિત્યાનંદનું અભિવાદન કરીને હિંદુ ધર્મ, માનવતા, અને પેરાગ્વેમાં નિત્યાનંદના યોગદાનની પ્રશંસા કરી હતી. જો કે આ સમાચાર મીડિયામાં બહાર આવતા જ પેરાગ્વેની સમાચાર સંસ્થાઓએ માહિતી આપી હતી કે સ્વામી નિત્યાનંદએ ભારતનો એક ભાગેડુ આરોપી છે. તે ભારતમાં મોસ્ટ વોન્ટેડ અપરાધી છે.
મીડિયાની ટકોર બાદ પેરાગ્વેના કૃષિ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે કૃષિ મંત્રાલયે સ્વામી નિત્યાનંદ સાથે કોઇ પ્રકારનો કરાર કર્યો નથી, તેમજ જે પ્રક્રિયા હેઠળ કૈલાસાના અધિકારીઓ સાથે વાતચીત થઇ છે તે અમાન્ય છે.
સ્વામી નિત્યાનંદ મૂળ તમિલનાડુનો છે. દાવો કરવામાં આવે છે કે તેણે 12 વર્ષની ઉંમરથી જ રામકૃષ્ણ મઠમાં દીક્ષા લીધી હતી, એ પછી ધાર્મિક પ્રવૃત્તિઓમાં તે સતત જોડાયેલો રહ્યો. તેનો પ્રથમ આશ્રમ 2003માં બેંગલુરુમાં ખુલ્યો હતો. એ પછી દક્ષિણ ભારતમાં તેની લોકપ્રિયતા વધી હતી. વર્ષ 2010માં તે વિવાદમાં આવ્યો હતો. તેના પર છેતરપિંડી તથા અશ્લીલતા ફેલાવવાનો ગુનો નોંધાયો હતો. નિત્યાનંદ પર સૌથી મોટો વિવાદ સેક્સસીડીનો હતો જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. એ પછી વર્ષ 2012માં તેની સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો. વર્ષ 2019માં તેની સામે આશ્રમની 2 બાળકીઓના અપહરણનો કેસ નોંધાયો હતો જે પછી તે દેશમાંથી ભાગી ગયો હતો.