રવિચંદ્રન અશ્ર્વિનનો મોટો ખુલાસો: ફાઇનલમાં હાર બાદ રડવા લાગ્યા હતા રોહિત-વિરાટ
ચેન્નઇ: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને ઑસ્ટ્રેલિયા સામે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતની હાર બાદ સર્જાયેલા ભાવુક દૃશ્યોને યાદ કર્યા હતા. ફાઇનલ મેચ પહેલા ભારત ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું હતું, પરંતુ ટ્રેવિસ હેડ અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને તેનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ જીત્યો હતો. હવે અશ્ર્વિને કહ્યું હતું કે હાર બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ખૂબ રડ્યા હતા.
અશ્ર્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે હા, અમને દુ:ખ થયું. રોહિત અને વિરાટ રડી રહ્યા હતા. આ જોઈને ખરાબ લાગ્યું હતું. આ ટીમ અનુભવી ટીમ હતી. દરેકને ખબર હતી કે મેચમાં શું કરવું અને તેમની ભૂમિકા શું છે. આ પ્રોફેશનલ ક્રિકેટ છે. દરેકને તેમની દિનચર્યા, વોર્મ-અપની ખબર હતી. મને લાગે છે કે બે નેચરલ લીડર હોવાના કારણે ટીમ જે કરવા માગતી હતી તે કરી શકી અને તે વાતાવરણ બનાવ્યું. ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતની હાર છતાં રોહિતની વિસ્ફોટની બેટિંગ અને કેપ્ટનશિપની પ્રશંસા થઇ હતી. અશ્ર્વિને રોહિતની પ્રશંસા કરતા કહ્યું કે તે અન્ય તમામ ખેલાડીઓને સમજે છે અને તેમના વિશે વધુ જાણવા માટે વધુ પ્રયત્નો કરે છે.
અશ્ર્વિને કહ્યું, ‘જો તમે ભારતીય ક્રિકેટ પર નજર નાખો તો દરેક તમને કહેશે કે મહેન્દ્ર સિંહ ધોની શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે. રોહિત શર્મા એક મહાન વ્યક્તિ છે. તે ટીમના દરેક વ્યક્તિને સમજે છે, તે જાણે છે કે આપણામાંના દરેકને શું પસંદ છે અને શું નાપસંદ છે. તેની પાસે સમજવાની અદ્ભુત શક્તિ છે. તે દરેક સભ્યને અંગત રીતે જાણવાનો પ્રયત્ન કરે છે.