નેશનલ

ખેડામાં લઠ્ઠાકાંડની આશંકા: પાંચનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં શંકાસ્પદ પીણું પીધા બાદ પાંચ યુવકોના ટપોટપ મોત થયા હતા. જ્યારે એક યુવકે આંખોની રોશની ગુમાવી હોવાનું જાણવા મળ્યુ હતું. જિલ્લામાં એકસાથે પાંચ યુવકોના મોત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણ ઈસમોની પૂછપરછ કરી હતી. પોલીસને શંકા છે કે, આયુર્વેદિક સિરપ પીવાના કારણે જ પાચ લોકોના મૃત્યુ થયા હતા. પોલીસ જેમની પૂછપરછ કરી રહી છે તેમાંથી ત્રણ ઈસમોમાંથી એક બિલોદરા ગામનો છે જેની કરિયાણાની દુકાન છે. એક વ્યક્તિ અમદાવાદનો છે જે આ સીરપ સપ્લાય કરતો હતો અને એક વ્યક્તિ નડિયાદનો છે જે વચેટિયાયો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના બિલોદરા ગામમાં અશોક સોઢા, અરજણ સોઢા અને નટુ સોઢા નામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. બુધવારે મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ખેડામાં શંકાસ્પદ રીતે પાંચના મોતના મામલામાં અલ્પેશભાઈ બાબુભાઇ સોઢાનું શંકાસ્પદ મોત થયું હતુ. અલ્પેશના સાળા મિતેષ ચૌહાણનું પણ મોત થયું હતું. મિતેષ ચૌહાણ મહેમદાવાદના વડદલાનો રહેવાસી છે. મિતેષને અલ્પેશ જ દવાખાને લઈ ગયો હતો. મહેમદાવાદની હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પેઢામાં દુખાવા બાદ તેને આખા શરીરે દુખાવો થયો હતો. કલાક બાદ આંખોથી દેખાતું પણ બંધ થયું હતું. ઘટનાને પગલે બગડુના ભરતપુરમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેવદિવાળીના દિવસે માતાજીની માંડવીનો કાર્યક્રમ હતો. જેમાં કેટલાક લોકોએ કેફી પીણું પીધું હોવાની શક્યતા છે. આ બાદ કરિયાણાની દુકાનની પાછળ મોટી માત્રામાં સિરપની બોટલ મળી આવી હતી. જે અમદાવાદના જુહાપુરામાં બનતું હોવાની માહિતી મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button