કેરોલિના રીપર પ્રકરણ-૬૯
બત્રા બોલ રહા હું જી, દિયે હુએ લોકેશન પર બૉમ્બ સ્કવૉડ ભેજ દો
પ્રફુલ શાહ
સવારે રાજાબાબુ ડાઇનિંગ ટેબલ પર છાપાં જોતા હતા ત્યાં દિલ્હીથી જયોતિ સ્વરૂપ રૂઇયાનો ફોન આવ્યો
સામે મુરુડ ઝંઝિરા કિલ્લો દેખાતો હતો. ઉગુ ઉગુ થતા સૂરજના સોનેરી કિરણો એને અપ્રતિમ સૌંદયવાન બનાવતાં હતાં. કિલ્લો એટલો સુંદર લાગતો હતો એના પરથી નજર જ ન હટે.
પવલો નીચે બેઠો હતો. એના ખભા પર હાથ મૂકીને ચોંકાવી દેનારો સોલોમન બાજુમાં બેઠો હતો. એના બન્ને હાથ એક એક મોટી થેલી પર હતા, જાણે અંદર અમૂલ્ય હીરા-ઝવેરાત ન હોય. તેણે પવલાનો હાથ પકડ્યો હતો એની સામે જોતો રહ્યો.
“તારે કોઇ મોટી ધાડ મારવાની નથી. આ બન્ને બેગ એક સાથે લઇ જઇને સાચવીને કિલ્લાની નીચે પાણીમાં મૂકી દેવાની છે.
“પણ શું કામ કરવું છે આનું?
“જો મારા વડવાની આવતી કાલે પુણ્યતિથી છે. બસ, એમનું તર્પણ કરવું છે. ફૂલો છે એમની ભાવતી વાનગીઓ છે. પણ પુણ્યતિથી કાલે છે ને!
“હા, પ્રોગ્રામ કાલનો જ હતો. પણ તારે ગામ જવું છે ને? એટલે આજે પતાવી લઇએ.
“પણ મારું મન માનતું નથી.
“જો પવલા તું સારો તરવૈયો છે.
ખૂબ સારો. તું લાંબો સમય પાણીની અંદર રહી શકે છે. એટલે અમે તારી પસંદગી કરી?
“અમે બીજું કોણ છે?
“અરે એ તો એમ જ બોલાય: એટલે મેં તારી પસંદગી કરી, તારા પર વિશ્ર્વાસ કર્યો.
“છતાં મને આ કામ કરવું નથી. હું તમારા ૫૦ હજાર પાછા આપી દઇશ.
“એ તો પછી થશે. એ પહેલા મારા માણસો તારા ભાઇ અને એના કુટુંબને ગોળીઓથી વીંધી નાખશે. સમજયો?
“મને તમારા ઇશારા સારા અને સાચા લાગતા નથી. મને કાલ સુધી વિચારવાનો સમય જોઇએ.
સોલોમન એકદમ ગુસ્સામાં ઊભો થઇ ગયો. “પવલા. આ શી રમત માંડી છે? મારે આજે કામ પવલા પતાવવું હતું. એટલે હું બધી સામગ્રી લઇને આવ્યો. હવે તું કહે છે કે કામ કાલે કરીશ.
” હા પણ તર્પણ માટે કાલે હું મારા ખર્ચે ફૂલ લઇ આવીશ બસ?
પવલો ઊભો થઇને ચાલવા માંડ્યો. સોલોમનને ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સામાં રિવૉલ્વર કાઢીને પવલાના પગને નિશાન બનાવ્યા. એ ટ્રિગર દબાવે એ અગાઉ એક ગોળી આવીને એના હાથ પર લાગી. એ પડી ગયો. તેણે ફાટી આંખે જોયું કે પાંચ જણ એની રિવૉલ્વરના નાળચાના નિશાન પર એ હતો.
ગોળી છૂટવાના અવાજથી દૂર ભાગતા પવલાએ પાછળ વળીને જોયું. એ ખૂબ ગભરાઇ ગયો પણ પાછળ ઊભેલા પાંચ જણાને જોઇને ઊભો રહી ગયો. પાંચેય જણે નજીક આવીને સોલોમનને પકડી લીધો. સાચવીને એની બન્ને થેલી બાજુમાં મૂકી દીધી.
મોઢા પર કાળી બુકાની બાંધેલા માણસે ફોન કર્યો, બત્રા બોલ રહા હું જી. દિયે હુએ લોકેશ પર બૉમ્બ સ્કવૉડ ઔર એમ્બ્યુલન્સ ભેજ દો.
૦૦૦૦૦
પ્રશાંત ગોડબોલે, વૃંદા સ્વામી અને ચાર સાથીદારને હવે થાક લાગવા માંડ્યો અને કંટાળોય આવવા માંડ્યો હતો. ન જાણે કયારના બાદશાહનો પીછો કરી રહ્યા હતા. ખબર નહીં કે એ દરિયાકિનારે વહેલી સવારે શા માટે જઇ રહ્યો હતો. અત્યાર સુધી કયારેય આટલો વહેલો એ મોર્નિંગ વૉક માટે નીકળ્યો ન હોવાનું હોટેલમાંથી જાણવા મળ્યું હતું. એનો પગપાળા પીછો પકડવાનો થાક, કંટાળો એટલા માટે પણ લાગતો કારણ કે કંઇ બની રહ્યું નહોતું.
લગભગ પોણા સાત વાગ્યે ગોડબોલેનો મોબાઇલ ફોન વાઇબ્રેટ થયો. ફોન ઉપાડયો તો સામેની વાત સાંભળીને ચહેરા પર ચમક આવી ગઇ. ફોન મૂકીને તેણે સાથીઓને જમણા હાથની આંગલી ઊંચી કરીને ઇશારો કર્યો. બધાએ એક હાથ રિવૉલ્વર પર મકૂયો ને પગની ગતિ વધારી દીધી.
એ લોકો એકદમ નજીક પહોંચ્યા ત્યાં જ બાદશાહે પાછા વળીને જોયું. એ કંઇક કરે કે પ્રતિભાવ આપે એ પહેલાં છૂપા વેશમાં આવેલા ગોડબોલે એના પર તૂટી પડયા. બાદશાહ નીચે પડી ગયો. એ ઊભો થયો ત્યારે માથા પર ચાર રિવૉલ્વર તકાયેલી હતી. દૂર દૂર દેખાતા મુરુડ ઝંઝિરા કિલ્લા તરફ નજર કરી. એ જોવો જ રહ્યો. આંખમાં પાણી આવી ગયાં, બે હાથ જોડાઇ ગયા, “મુજે માફ કર, મુઝે માફ કર દો.
૦૦૦૦૦
સવારે નવ વાગ્યામાં રાજાબાબુ મહાજન ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. આ આરોપીને સવારના અખબાર પર નજર ફેરવતા હતા. ત્યાં દિલ્હીથી જયોતિ સ્વરૂપ રૂઇયાનો ફોન આવ્યો. આ ફોન અપેક્ષિત હોય એવા ભાવ સાથે તેમણે એ રિસિવ કર્યો.
“ગુડ મોર્નિંગ. રૂઇયાજી.
“શું ગુડ છે આ મોર્નિંગમાં? તમે તમારી દીકરીએ અમારી સવાર બગાડી નાખી.
“અરે રૂઇયાજી, શાંતિથી કહો કે થયું છે શું?
“એ શાંતિબાંતી ભૂલી જાઓ. બધું પછી નિરાંતે. પહેલા તમારી દીકરીને કહો કે અજયને ફોન કરીને માફી માંગે. સાથોસાથ વચન આપે કે ભવિષ્યમાં ફરી કયારેય આવું નહીં કરે.
“હું મેટર જ ન જાણતો હોઉં તો મારી દીકરીને માફી માંગવા માટે કેવી રીતે કહી શકું?
“એ નાદાને અડધી રાતે ફોન કરીને અજયને કહી દીધું કે એને સંબંધમાં, લગ્નમાં રસ નથી. લગ્ન કંઇ બચ્ચાના ખેલ નથી કે આમ રમત છોડીને જતા રહેવાય.
“એકદમ સાચું. લગ્ન તો વિશ્ર્વાસનું બીજું નામ છે. મારી દીકરીએ આવું પગલું લીધું હશે તો એનું ચોક્કસ કંઇક નક્કર કારણ હશે. એના જીવન વિશે ફેંસલો કરવાની એની હિંમતને હું દાદ આપું છું. બોલો, બીજું કંઇ?!
સામેથી ફોન મૂકી દેવાયો. રાજાબાબુએ ફોન બાજુ પર મૂકીને બૂમ પાડી. “માલતી… મમતા… જરા આવો તો…
બન્ને આવ્યાં. એટલે રાજાબાબુએ માલતીને પાસે બોલાવી. મમતા સામે જોયું પણ નહીં. મમતાને ગભરામણ થવા માંડી.
“માલતી તને ખબર પડી કે નહીં આપણી મમતા કેટલી સમજદાર થઇ ગઇ. મને હમણાં ખબર પડી છેક દિલ્હીથી…
“દિલ્હીથી ખબર પડી!
“હા. જયોતિ સ્વરૂપ રૂઇયાનો ફોન હતો…
“શું કહેતા હતા.
રાજાબાબુ કંઇ બોલે એ અગાઉ મમતા દોડીને એમના પગમાં પડીને રડવા માંડી. “આઇ એમ સૉરી પપ્પા, મને માફ કરી દો.. પ્લીઝ…
રાજાબાબુએ નીચા નમીને મમતાને ઊભી કરી, એના ચહેરા સામે જોઇ રહ્યા. “તારે મારી માફી માગવાની નથી. કોઇની માફી માગવાની જરૂર નથી.
માલતીબહેન અકળાયાં. “શેની માફી? કોની માફી?
રાજાબાબુ મમતાને બાજુમાં બેસાડતા બોલ્યા, “જયોતિ સ્વરૂપ રૂઇયા કહેતા હતા કે મમતાએ માફી માગવાની છે.
“પણ શા માટે!
“બેટા. મમતા તું જ કહી દે.
મમતા માંડ માંડ બોલી શકી. “મારે એની સાથે લગ્ન નથી કરવા… મેં કાલે રાતે જ કહી દીધું. એને.
“શું? તને ખબર છે કે તેં શું કર્યું? માલતીબહેન આઘાત પચાવી ન શકયા. રાજાબાબુ બોલ્યા, “અરે દિકરી સમજદાર થઇ ગઇ. હિંમતવાન થઇ ગઇ. એને અજય સાથે ઇચ્છા વગર શા માટે પરણવું જોઇએ? જિંદગીભર હેરાન થાત?
પપ્પા, અજયે ભાભી સાથે કેવી વાત કરી.
“બેટા, કિરણે મને પણ રેકોર્ડિંગ મોકલ્યું હતું. હું ખૂબ અપસેટ હતો કે શું કરવું? તેં હિંમત બતાવી એનો મન આનંદ છે, એથી વિશેષ ગર્વ છે. મમતા પપ્પાને ભેટી પડી, મમ્મી માલતીબહેન, બન્નેને જોતા રહ્યાં.
૦૦૦૦૦
કિરણ, વિકાસ અને ગૌરવ ભાટિયાએ એકદમ પોતાનો મૂળ પ્લાન બદલી નાખવો પડયો. જે કાર્યક્રમ મુંબઇમાં કરવો હતો એ હવે તાકીદે અલીબાગ કે મુરુડમાં કરવાની
ફરજ પડી. પરમવીર બત્રાને ઘરે મોડી રાતે નક્કી થયા મુજબ એમનો પ્લાન એકદમ પરફેક્ટ હતો. એનો અમલ કરવાનું અનિવાર્ય હતું.
કદાચ મુંબઇ જેવી સગવડ કે ધાર્યું એકસપોઝર મુરુડ કે અલીબાગમાં નહીં મળે એવી ત્રણેયને ધાસ્તી હતી, પરંતુ હવે જરાય સમય વેડફવાનું પોસાય એમ નહોતું . પરમવીર બત્રા અને પ્રશાંત ગોડબોલેના માર્ગદર્શન, સૂચન અને ભલામણને પગલે અલીબાગની એક સરસ હોટેલમાં.
આગલા દિવસ એટલે કે ૧૧મી ડિસેમ્બર માટે કોન્ફરેન્સ રૂમ બુક કરાવી લીધો. સાથે હાઇ-ટી માટે ઓર્ડર આપી દીધો. સ્થાનિક અખબારોને અને ચેનલોને ફોન, ફેકસ અને મેઇલથી આમંત્રણ આપી દેવાયા.
ગૌરવ ભાટિયાએ પોતાના ઓળખીતા પત્રકારોને અણસાર આપ્યો કે સાબદા રહેજો. કાલે અલીબાગમાં બહુ મોટો ધડાકો
થવાનો છે.
મોડી રાતે ગૌરવે એક એકસકલુઝિવ રિપોર્ટ તૈયાર કર્યો. પોતાની રીતે વિગતવાર બધુ સમજાવીને અહેવાલ મોકલી દીધો.
બથા થાક્યા પાક્યા પથારીમાં પડ્યા ત્યારે કોઇને કલ્પના નહોતી કે કાલે કેટલા ધડાકા થવાના છે? સૌથી પહેલો ધડાકો કોણ કરશે? અને એ બધાના કેવા દૂરગામી પરિણામ આવશે. (ક્રમશ:)