મેટિની

ગુલઝાર ગીતગીતા-૩ આપ ગાલિબ કે અલ્ફાઝ નહીં બદલ સક્તે

ફિલ્મનામા -નરેશ શાહ

તેરી બાતોં મેં કિમામ કી ખુશ્બુ હૈ,
તેરા આના ભી ગર્મિયો કી લૂ હૈ
આ જા ટૂટે ના, ટૂટે ના અંગડાઈ…
કજરારે, કજરારે, તેરે કારે-કારે નૈના…

બન્ટી ઔર બબલી ફિલ્મ (ર૦૦પ)નું આ ગીત આજે પણ લોકપ્રિય અને વિશેષ્ા યાદગાર (કારણકે એ ગીતમાં પિતા-પુત્ર-પુત્રવધૂ પ્રથમ વખત સાથે હતા) ગણાય છે. આ ગીતની ધૂન શંકર-અહેસાન-લોયે બનાવી પછી તેમાં ડમી શબ્દો મૂકીને ગીતકાર ગુલઝારસાહેબને સંભળાવવામાં આવી. ગીત સંભળાવ્યા પછી શંકર મહાદેવને ગુલઝારસાહેબને રિક્વેસ્ટ કરી કે, તમે બીજા બધા શબ્દો બદલી નાખજો પણ તેમાં અમે કજરારે શબ્દ વાપર્યો છે., એ જેમનો તેમ રાખજો.

અરે પણ આ અગાઉ હું આવું જ ગીત લખી ચૂક્યો છું ગુલઝારસાહેબ દલીલ કરીને દાખલો આપ્યો : દલેર મહેંદીએ ગાયેલાં એ ગીતના શબ્દો હતા : કજરારે નૈનાવાલે, નૈના તેરે ચંબલ કે લૂંટેરે…
પણ કજરારે જુમલા મેરે જહન મેં છા ગયા હૈ શંકર મહાદેવને વિનવણી કરી : પ્લીઝ (એટલે) આ જુમલાને તમે ગીતમાં રાખજો
કજરારે ગીતની વાત નસરીન મુન્ની કબીર સાથે કરતાં (પુસ્તક: જીયા જલે) ગુલઝારસાહેબ એટલે જ આ ગીતની સફળતાનો શ્રેય શંકર મહાદેવને જ આપે છે પરંતુ ગુલઝારસાહેબની એક રચના એવી છે કે તેને લોકો પારંપરિક ગીત જ સમજે છે. એ રચના ગુડ્ડી ફિલ્મમાં પ્રાર્થના સ્વરૂપે લખાઈ હતી: હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે, દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે… આ પ્રાર્થના આજે પણ સેંકડો સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાય છે અને કોઈને એ યાદ (કે ખબર) નથી કે એ લોકરચના નથી પણ ગુલઝારનું સર્જન છે.

ઓકે જાનુ ફિલ્મના રેર્કોડિંગ વખતે શંકર મહાદેવને ગુલઝારસાહેબને આ ગીત બારામાં પૂછયું ત્યારે તેમના પહેલાં ડિરેકટર શાદ અલી (શાયર – ડિરેકટર મુઝઝુફર અલીના પુત્ર) એ કહી દીધું કે : ના, ના, એ તો પારંપરિક પ્રાર્થના છે, જે અમારી સ્કૂલમાં ગવાતી હતી
જાણીતા કવિ કેદારનાથ સિંહે તો એક વખત ગુલઝારસાહેબની હાજરીમાં જ (હમ કો મન કી શક્તિ દેનાનો દાખલો આપીને) મંચ પરથી કહેલું કે, ગુલઝાર કા કામ ઉન સે કહીં આગે નિકલ ચુકા હૈ…
ગુલઝારના બેજોડ ગીત પાછળની આવી ઈન્ટરેસ્ટીંગ તેમજ બારિક વાતો છેલ્લા બે સપ્તાહથી તમે વાંચી રહ્યા છો, એ જીયા જલે પુસ્તકમાં નસરીન મુન્ની કબીરે ગ્રંથસ્થ કરી છે. ગુલઝારસાહેબના સિલેકટેડ ગીતની ચર્ચા તેમણે ગુલઝારસાહેબ સાથે જ કરીને બનાવેલા આ પુસ્તકમાંથી જ આપણે જાણવા મળે છે કે એક વખત એ. આર. રહેમાને ગુલઝારસાહેબ પાસે આગ્રહ રાખેલો કે તેઓ ગીતમાં સનમ શબ્દ વાપરે.

ગુલઝારે તો હરગીઝ ન વાપર્યો કારણકે એ શબ્દ ચવાઈને ચુથ્થો થઈ ગયો છે. ગીતકાર તરીકેની આખી કેરિયરમાં ગુલઝારસાહેબે એકપણ ગીતમાં સનમ શબ્દ વાપર્યો નથી. અહીં તેમણે મીરાં ફિલ્મના સંગીતકાર તરીકે પંડિત રવિશંકર કેવી રીતે આવ્યા, તેની પણ વાત કરી છે. મીરાનાં ભજન ગાવાની લતાજીએ ના પાડેલી કારણકે તેઓ મીરાનાં ભજન પરનું આલ્બમ ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે કરી રહ્યા હતા. લતાજીની ના પછી કોઈ સંગીતકાર તૈયાર થતું નહોતું. પંડિત રવિશંકરે પણ વાણી જયરામ પાસે ગવડાવતાં પહેલાં લતાજીની મંજૂરી અને સહમતિ લીધી હતી.
ગુલઝારસાહેબ પાકિસ્તાની ફિલ્મ માટે પણ ગીત લખી ચૂક્યા છે અને વિશાલ ભારદ્વાજ સાથે પાકિસ્તાન (લાહોર) જઈને રાહત ફતેહઅલી ખાનના ફાર્મ પર જ એક ગીતનું રેર્કોડિંગ (નૈનો કી મત માનિયો રે, નૈના કી મત સુનિયો… નૈના ઠગ લેંગે) પણ કરી ચૂક્યા છે, તેની રસપ્રદ વાતો પણ પુસ્તકમાં છે પરંતુ આપણે ગુલઝારજીના એક અતિ જાણીતા ગીતની વાત કરીને ગુલઝાર ગીતગાથા ને વિરામ આપીએ.

એ ગીત મૌસમ ફિલ્મનું હતું : દિલ ઢૂંઢતા હૈ ફીર વહીં ફૂરસદ કે રાત-દિન…

મીર્ઝા ગાલિબની એક ગઝલનું મૂખડું લઈને લખાયેલાં આ ગીતનું રિહર્સલ મુંબઈના ફેમસ સ્ટૂડિયોમાં ચાલતું હતું. સંગીતકાર મદનમોહન રિહર્સલ કરાવી રહ્યા હતા પણ ગુલઝારે નોંધ્યું કે મદનમોહન જી દિલ ઢુંઢતા હૈ નું રિહર્સલ કરાવતા હતા. આ જી શબ્દ વધારાનો હતો એટલે ગુલઝારસાહેબે વાંધો ઉઠાવ્યો: મદનજી, તમે મારા શબ્દો બદલી શકો છો પણ ગાલિબના નહીં. ગાલિબ સાથે આપણે આવી આઝાદી ન લઈ શકીએ…

વાત સાંભળીને મદનમોહને કોઈ પ્રતિ દલીલ ન કરી પણ બીજા અંતરાઓનું રિહર્સલ કરાવતા રહ્યા. બીજા દિવસે તેઓ ઘરેથી દીવાન-એ-ગાલિબ નો ગ્રંથ લેતા આવ્યા, જેમાં જી દિલ ઢુંઢતા હૈ શબ્દો છપાયેલા હતા. ગ્રંથ પણ ઓથેન્ટિક હતો. ગાલિબ આ રીતે પોતાની શાયરીમાં શબ્દો બદલતાં.

ઉમેરતાં રહેતાં (બાય ધી વે, પુસ્તકમાં જગજીતસીંઘ-ભુપેનની પણ વાતો છે) એ ગુલઝાર જાણે એટલે તેમણે પોતાનો
વિરોધ પાછો ખેંચી લીધો પરંતુ એ પછી તેમણે જોયું કે ખુદ મદનમોહનજીએ જી શબ્દ પડતો મૂકીને જ દિલ ઢુંઢતા હૈ ફીર વહીં… નું રેર્કોડિંગ કરાવવાનું શરૂ ર્ક્યું. ગુલઝારે કારણ પૂછયું તો મદનજીનો જવાબ હતો : માત્ર દિલ શબ્દથી શરૂઆત એટલે કરી કે છેલ્લે આવતાં લ શબ્દ સાથે તબલાંનો ધ્વનિ સાથે મેચ થાય છે. એ મને વધુ ગમ્યું એટલે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button