મેટિની

ઘરડાં ગાડાં વાળે એ કહેવત બોલીવૂડ માટે પણ સાચી?

ફોકસ -હેતલ શાહ

અમુક બાબતો શાશ્ર્વત હોય છે. તેના ઉપર સમયની ધૂળ ચડતી નથી કે તેને કોઈ સીમા નડતી નથી. વ્યવહારૂ જગતની વાતો ફિલ્મ લાઈનને પણ લાગુ પડતી હોય છે. આજથી પૂરાં સો વર્ષ પહેલાં કહ્યું હતું કે – સાચું ભારત ગામડાઓમાં વસે છે. ગાંધીજી એમની જિંદગીના ઉત્તરાર્ધમાં બહુ અવગણના પામ્યા હતા. જ્યારે આજના દિવસે એ વયોવૃદ્ધ માણસની દૃષ્ટિ સાચી સાબિત થાય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોડું જ્ઞાન લાધ્યું કે સાચું ભારત ગામડાઓમાં વસે છે. બે વર્ષના વિષાણુકાળ પછી સૂના પડી ગયેલા થિયેટરોમાં પ્રાણ ફૂંકાયો. તે પ્રાણવાયુ ગ્રામ વિસ્તારમાંથી આવ્યો છે. ખચોખચ સીનેમાગૃહ ભરનારા રૂરલ વિસ્તારના લોકો છે. થિયેટરની દરેક ખુરશી ઉપર બેસીને હાઉસફૂલનું પાટિયું ઝુલાવનારા એ દર્શકોનો ગણ છે જેને સમીક્ષકો ‘માસ’ કહીને ઉતારી પાડતા હતા. આજે દરેક ફિલ્મ ડિરેક્ટરને ફરજ પડી છે કે તે ‘ક્લાસ’ માટે નહીં, પણ માસ માટે ફિલ્મ બનાવે. ગાંધીજીનું વિધાન એમના નિધનના સાત દાયકા પછી પણ સંપૂર્ણતયા ખરું સાબિત થાય છે, એ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા ગ્લેમરસભર ક્ષેત્ર માટે.

ગુજરાતી ભાષા પાસે કહેવતોની ખાસ્સી સમૃદ્ધિ છે. જાણીતી કહેવત છે કે ઘરડાં ગાડાં વાળે. ઘરડાને જો સિનિયર સિટિઝન ગણીએ તો ફિલ્મ ક્ષેત્રમાં એવું જ થઈ રહ્યું છે. પાંસઠ વર્ષીય સન્ની દેઓલની ફિલ્મ ‘ગદર-ટુ’ કમાણીના નવા વિક્રમો સર્જી રહી છે. આ એક એવી ફિલ્મ હતી જેના આગમન પહેલા મીડિયા કે સોશિયલ મીડિયામાં કોઈ જ ચર્ચા ન હતી. સિનેમાના શોખીનો સુધ્ધાંએ ગદર-ટુ ફિલ્મના ટ્રેલરની નોંધ લીધી ન હતી. આ ફિલ્મ જોવા માટેની કોઈ જ ઉત્તેજના જનતામાં જોવા મળતી ન હતી, પરંતુ પહેલા જ અઠવાડિયામાં વિક્રમસર્જક કમાણી કરીને આ ફિલ્મે નવો કીર્તિમાન સ્થાપ્યો. ફિલ્મ ક્ષેત્રમાં બોક્સ ઓફિસની ભવિષ્યવાણી કરનારા ભલભલા ટ્રેડ પંડિતોને આઘાત લાગ્યો. બે દાયકા જૂની સન્ની દેઓલ-અમીષા પટેલની જોડીએ બધા જ પ્રવર્તમાન સુપરસ્ટારો અને નવોદિત યુવાન કલાકારોને ઝાંખા પાડી દીધા. એવી અભૂતપૂર્વ સફળતા મળી કે હિન્દી ફિલ્મ ક્ષેત્રના મોટા ભાગના પ્રોડક્શન મીડિયા હાઉસ અત્યારે નારાજ છે. બાવીસ વર્ષ પછી એક પંજાબી સ્ટારને ઝળહળતી સફળતા મળી એ જાણીને આખું પંજાબ ગેલમાં છે. ગદર વિશે હજુ પણ, ૩ મહિના પછી પણ, ભારતના ઘણા ભાગોમાં ચર્ચા થાય છે. વર્લ્ડ કપ ફીવર ઉતરી ગયો પણ સન્ની દેઓલનો સિતારો હજુ ચમકી રહ્યો છે.

આ વર્ષની ફિલ્મોની યાદી તરફ એક નજર માંડો. આ વર્ષે જે ફિલ્મો હિટ ગઈ તે મલ્ટીપ્લેક્ષ ઓડિયન્સ માટે બનેલી ફિલ્મો ન હતી. દિલ્હીના ટોચના નેતાઓને અત્યારે ઇન્ડિયા શબ્દ માટે અણગમો થઈ ગયો છે. આ વાત આ ફિલ્મના નિર્માતાઓ એક વર્ષ પહેલાં જાણી ગયા હતા માટે તેમણે ઇન્ડિયનો કે પરદેશમાં વસતા ઇન્ડિયનો માટે ફિલ્મ ન બનાવી. તેમણે ગાંધીજીના વિધાનમાં આવતા એ તળ ભારતના ભારતીયો માટે ફિલ્મ બનાવી જે ભારતની અસલ સંસ્કૃતિને હજુ જીવંત રાખે છે. ‘ઓહ માય ગોડ-ટુ’ સરેરાશ ભારતીય માટેની ફિલ્મ છે, શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’ બંને માસ માટેની ફિલ્મ છે, ગદર-૨ પણ એ દર્શકો માટેની ફિલ્મ છે જેમની સ્મૃતિમાં પ્રથમ ગદર હજુ જીવંત છે. જનતાના દિલોદિમાગમાં સંગ્રહાયેલી સારી સ્મૃતિને ઉજાગર કરી શકવામાં ગદરનો બીજો ભાગ સફળ થયો. રોકી ઔર રાનીની સફળતાનું મુખ્ય કારણ પણ તેમાં રહેલા ધર્મેન્દ્ર અને શબાના જેવા
સિનિયર કલાકારો અને જૂના ગીતો દ્વારા પીરસાયેલી નોસ્ટાલજીક સંવેદનાઓ છે. જનમાનસના અર્ધજાગૃત મનને ઉદ્દીપ્ત કરવામાં આ ફિલ્મો સફળ થઈ અને માટે જ સરકારની રહેમરાહ હેઠળ ચાલતા બોયકોટ બોલીવૂડના આભાસી અભિયાનનો ફુગ્ગો ફૂટી ગયો. ટ્રોલરોનું કઈ ઉપજતું નથી.

સફળતા તો જુવો. કરોડો ઉશેટયા સન્ની દેઓલની એક ફિલ્મે. ગદર-ટુની અપ્રતિમ સફળતાની ગુંજનો પડઘો વ્યાપક છે. જો એ પડઘો સાંભળતા આવડે તો સ્પષ્ટ શબ્દો કાને પડશે કે ભારતમાં સિંગલ સ્ક્રીન સિનેમા અને તેના દર્શકગણ તરફ દુર્લક્ષ સેવી શકાય નહિ. શહેરો ભલે મોટા થતાં હોય પણ ભારતના ગ્રામવિસ્તારની તાકાત હજુ પણ બળકટ છે. કોઈ પણ વ્યાપારી ક્ષેત્રને ઊંચકી લેવું કે તેને ભોંય ભેગુ કરવું એ તે લોકોના હાથમાં છે. શહેરના એક ચોક્કસ પ્રકારના ઓડિયન્સને ગમે અને એનઆરઆઈ કોમ્યુનીટીમાં વાહ વાહ થાય એવી આધુનિક ફિલ્મ બનાવવી પ્રમાણમાં સહેલી છે. બહુધા ભારતીયોના દિલને સ્પર્શી એવી ઓર્ગેનિક માસ ફિલ્મ બનાવવી અઘરી છે. મરવાના વાંકે અને સારા વાર્તાલેખકોના અભાવે ઢસડાઈ રહેલી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની ફિલ્મો જ નવા પ્રાણ પૂરી શકશે. બોલીવૂડનું આવતું વર્ષ કેવું જાય છે એ જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા