મેટિની

પરીકથાઓને માત આપે છેઆ બે ફિલ્મોના લાર્જર ધેન લાઈફ સેટ

વિશેષ -ડી. જે. નંદન

જો કોઈ વ્યક્તિ માટે કહેવાય કે લાર્જર ધેન લાઈફ છે તો એનો અર્થ છે કે એ વ્યક્તિ ધ્યાન આકર્ષણ કરનાર છે. કેમકે એ બીજા બધા લોકો કરતા બિલકુલ અલગ,રસપ્રદ અને રોમાંચક છે. આવી વ્યક્તિ ભીડમાં પણ અલગ તરી આવશે, જેને કોઈ નજરઅંદાજ નથી કરી શકતું. આમ આપણે સમજી શકીએ કે લાર્જર ધેન લાઈફ જેવી કહેવતનો અર્થ એવી વિશિષ્ટતા સાથે છે જેમાં કોઈ બીજું ઉદાહરણ સામાન્ય રીતે ન હોય. જો કે,આ હંમેશાં સકારાત્મક કે વખાણના અર્થમાં હોય એ જરૂરી નથી નકારાત્મક પણ હોઈ શકે છે. જેમ કે કોઈ વ્યક્તિનો વધારે ભારે અવાજ હોય, એ બીજા લોકોથી વધારે ગુસ્સાવાળો હોય, એ એવા કપડાં પહેરતો હોય જેને સામાન્ય લોકોને પહેરતા શરમ આવતી હોય. મતલબ કે લાર્જર ધેન લાઇફનો અર્થ એવી વિશિષ્ટતા સાથે છે જેમાં તેના જેવા ઉદાહરણ મળવા મુશ્કેલ છે.

પણ જયારે આ વાત આપણે સામાન્ય રીતે ફિલ્મોના સંદર્ભમાં કરતા હોઈએ ત્યારે એનો અર્થ એવી ફિલ્મો સાથે હોય છે, જેના પાત્ર, તેના સેટ,વાર્તા અને અભિનય ચકિત કરનાર હોય. ફિલ્મોના ઇતિહાસમાં આખી દુનિયામાં એવી સેંકડો ફિલ્મો બની છે જેના પાત્ર, વાર્તા કહેવાની રીત અને જેની વાર્તાના સેટ એકદમ અલગ હોય અને કોઈએ એવો અનુભવ ન કર્યો હોય. આવી ફિલ્મોને લાર્જર ધેન લાઈફ ફિલ્મ કહેવાનું ચલણ ૨૦મી સદીની શરૂઆતથી જ રહ્યું છે. બોલીવૂડમાં પણ એવી ઘણી ફિલ્મો બની છે, જેના મોટા મોટા પાત્ર, તેના ભવ્ય સેટ, વાર્તા કહેવાની રીત અને નિ:સંદેહ એવરેસ્ટ જેવી ઊંચાઈ જેવો અભિનય ને કારણે લોકો એને લાર્જર ધેન લાઈફ કહે છે. આ સંદર્ભમાં સૌથી વધારે ફિલ્મોના ભવ્ય અને આદમક્દનાં સેટ યાદ કરવામાં આવે છે, જેને જોઈને પ્રેક્ષક અભિભૂત થઇ જાય છે અને સમીક્ષકો તેને માટે સહજતાથી લાર્જર ધેન લાઈફ જેવા શબ્દ પ્રયોગ કરે છે.

જો સ્કેલ લઈને આવી ફિલ્મો શોધીએ તો બોલીવૂડમાં અત્યાર સુધી બનેલી આવી ફિલ્મોની સૂચિ ઘણી લાંબી થઇ જશે. અહીં હાલના વર્ષોમાં પ્રદર્શિત આવી ફિલ્મોના સેટની વાત કરીએ,જેને લીધે આ ફિલ્મોને કોઈપણ ‘લાર્જર ધેન લાઈફ’ કહેવામાં ખચકાટ નહીં કરે. હાલના વર્ષોમાં આવી બે ફિલ્મો આવી જે સૌથી વધારે આકર્ષક અને ભવ્ય સેટવાળી ફિલ્મો છે. જેમાં પહેલી છે બાહુબલી-૧ એટલે ધ બિગિનિંગ અને બાહુબલી ૨ એટલે કે બાહુબલી ધ ક્ધકલુઝન અને સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’છે. પહેલી વાત તો એ કે આ બંને ફિલ્મો ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મો છે. તેમના સેટ બનાવવામાં એટલા પૈસા ખર્ચ થયા છે કે જેમાં નાના બજેટની ઘણી ફિલ્મો બનાવી શકાય, જોકે, આ બે ફિલ્મોના સેટ પર જે ખર્ચ કરવામાં આવ્યો છે એ વ્યર્થ નથી ગયો. બાહુબલીના આ સેટને લીધે સુંદર દ્રશ્યોએ ફક્ત સિનેમાપ્રેમીઓને ન માત્ર મંત્રમુગ્ધ કર્યા પણ પહેલીવાર હિન્દુસ્તાની સિને દર્શકોને અહેસાસ થયો કે આપણા દેશની આ ફિલ્મોની ભવ્યતા સાથે હોલીવૂડની કોઈપણ ફિલ્મની તુલના કરી શકીએ છીએ.

બાહુબલી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં એક વિશાળ સ્ટુડિયોમાં માહિષ્મતી સામ્રાજ્ય સાકાર કરવામાં આવ્યું. એટલું જ નહીં, પણ એના સમગ્ર પ્રાકૃતિક પરિવેશને, ત્યાં સુધી કે પહાડો, નદી અને પ્રાચીન અને જટિલ મૂર્તિઓની ડિઝાઇનને સો ટકા અધિકૃત બનાવવામાં આવ્યા. આ અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને અધિકૃત સેટ હતો. આ ફિલ્મમાં ભલ્લદેવની ૧૨૫ ફૂટ ઊંચી મૂર્તિને ૨૦૦ કારીગરોએ મળીને મહિનાઓની મહેનત પછી બનાવી હતી જેનું વજન ૮૦૦૦ કિલોગ્રામથી વધુ હતું. એને એક નહીં પણ ચાર ક્રેનથી મળીને ઊભી કરવામાં આવી હતી. આ ફિલ્મના પ્રોડક્શનમાં કામ કરનારાઓની સંખ્યા એટલી મોટી હતી કે જેણે આ આઉટડોર સ્ટુડિયોની ૨૦ એકર જમીનમાં જુવારની ખેતી કરી હતી. બાહુબલીનું નિર્માણ અને નિર્માણ માટે કરેલી સંરચનાઓની એવી વાર્તાઓ છે જેને આવતા કેટલાય વર્ષો સુધી લોકો આશ્ર્ચર્ય સાથે કહેશે અને સાંભળશે.

આનાથી ઓછા પણ બાહુબલી થી પહેલા સુધી સૌથી વધારે અધિકૃત અને ભવ્ય સેટના નામે બોલીવુડમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ની ચર્ચા થતી હતી. આ ફિલ્મના સેટને પણ ભવ્ય અને લાર્જર ધેન લાઈફ સેટ કહેવાય છે. નિશ્ર્ચિતરૂપે આ ફિલ્મની સફળતામાં દીપિકા અને રણબીર સિંહ દ્વારા દિલ ખોલીને કરેલા અભિનયની પણ મોટી ભૂમિકા છે, પરંતુ આ ફિલ્મમાં જે રીતે યુદ્ધ મેદાનના સેટ લગાવ્યા હતા, એવા સેટ ભારતીય દર્શકોએ હિન્દી ફિલ્મોમાં આની પહેલા ક્યારેય નહોતા જોયા. ફક્ત યુદ્ધના દ્રશ્ય
જ નહીં, આ ફિલ્મમાં રાજાઓના ભવ્ય મહેલ જે ભવ્યતા સાથે બતાવ્યા છે એ પણ આની પહેલા ફક્ત કલ્પના જ કરી શકતા. એ એકદમ યથાર્થવાદી ચિત્રણ હતું અને દર્શકો એને જોઈને અભિભૂત થઇ ગયા હતા. મહારાષ્ટ્રની આજુબાજુના જુના કિલ્લા સાથે જોડીને બનાવવામાં આવેલા બાજીરાવ મસ્તાની ફિલ્મના સેટ અદ્ભુત હતા જેમાં કળા અને કલ્પના બધું ભવ્ય હતું.

આ એટલું સુંદર અને દર્શકોને આશ્ર્ચર્યચકિત કરનારું હતું કે લોકોએ જયારે ફિલ્મ જોઈ તો બસ જોતા જ રહ્યા. જોકે સમીક્ષક ક્યારે એ નથી લખતા કે ફિલ્મોની સફળતામાં એના સેટ કેટલા મહત્વપૂર્ણ હોય છે, પરંતુ જો આ વાતને ધ્યાનમાં રાખીને આપણે બોલીવૂડના ઇતિહાસની કેટલીયે મહાન ફિલ્મોને જોઈએ તો એ વાર્તા,અભિનયની ઊંચાઈ અને પટકથાની બારીકીઓને લીધે પ્રસિદ્ધ થઇ છે, એની સફળતામાં એના ભવ્ય સેટની પણ મોટી ભૂમિકા હતી. આવી ફિલ્મોની લાંબી યાદી છે, પરંતુ આ લેખમાં બીજી ફિલ્મોના સેટ વિશે વાત કરવાની આવશ્યકતા નથી એના પર ફરી ક્યારેક ચર્ચા કરશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button