મેટિની

પિતા પુત્ર સંબંધોને સફળતા

આ વર્ષની હિટ હિન્દી ફિલ્મોમાં બાપ – બેટાના સંબંધવાળી વાર્તા દર્શકોએ વહાલી કરી છે અને ૭૮ વર્ષ પછી ‘બાપ’ ટાઈટલની ફિલ્મ આવી રહી છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

દિલીપ કુમાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગમાં બધાના બાપ ગણાય છે. લોકપ્રિયતા અને યોગદાનના માપદંડથી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બોલિવૂડના બાપ માનવામાં આવે છે. દાદાસાહેબ ફાળકે ‘ફાધર ઓફ ઈન્ડિયન સિનેમા’ ગણાય છે. હોલીવૂડમાં આલ્ફ્રેડ હિચકોકને થ્રિલર હોરર ફિલ્મના બાપ માનવામાં આવે છે. એક સમયે નાઝિર હુસેન હીરો કે હીરોઈનના બાપ તરીકે પ્રખ્યાત હતા તો આજે એ નામના પંકજ ત્રિપાઠી ધરાવે છે. બાપુજીનો ચોપડો ખોલવાનું કારણ એમ છે કે ૨૦૨૩ના વર્ષમાં બાપ – બેટાના સંબંધ કેન્દ્રમાં હોય એવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો આવકાર મળ્યો છે. અમિતાભ બચ્ચન – શશી કપૂરની ‘દીવાર’ના ‘મેરે પાસ માં હૈ’ સંવાદને ફિલ્મ રસિયાઓએ અમર બનાવી દીધો, પણ એ જ ફિલ્મમાં ‘મેરા બાપ ચોર હૈ’ કહી બાપની બદનામી પણ થઈ. મા – દીકરાના સંબંધોના તાણાવાણા કેન્દ્રમાં રાખી અનેક ફિલ્મો બની. સરખામણીમાં પિતા – પુત્રને કેન્દ્રમાં રાખી ઓછી ફિલ્મો બની છે. આ વર્ષે રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સફળતા મેળવનારી ‘જવાન’, ‘ગદર ૨’ અને ‘બારવી ફેઈલ’માં સુધ્ધાં બાપ – બેટાની કથા કેન્દ્ર સ્થાને છે. રસપ્રદ વાત તો એ છે કે ૧૯૪૬ પછી પહેલી વાર ટાઈટલ ‘બાપ’ હોય એવી ફિલ્મ બની રહી છે. આમિર ખાનની ‘રંગીલા’થી કોરિયોગ્રાફર તરીકે શરૂઆત કરનાર અને ત્યાર બાદ ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવનાર અહમદ ખાન ‘બાપ’નો જનક યાને કે નિર્માતા છે. જાણવા જેવી વાત એ પણ છે કે ‘બાપ’માં ૧૯૮૦ – ૯૦ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વટ ધરાવતા ચાર ટોચના કલાકારો એક સાથે જોવા મળશે. હિન્દી ફિલ્મમાં પહેલીવાર સની દેઓલ, સંજય દત્ત, જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તી એક સાથે રૂપેરી પડદા પર દેખાશે. સોશિયલ મીડિયા પર જેકી શ્રોફે પોસ્ટ શેર કરી લખ્યું છે કે ’ખલનાયક હો યા હીરો, મચા દેંગે ગદર, બેશક’. આ ટેગ લાઈનમાં ચારેય કલાકારની ફિલ્મના નામ આવી જાય છે: ખલનાયક (સંજય દત્ત), હીરો (જેકી શ્રોફ), ગદર (સની દેઓલ) અને બેશક (મિથુન ચક્રવર્તી). એક સમયે વૈયક્તિક ધોરણે એક્શન ફિલ્મોમાં કાઠું કાઢનાર આ ચારેય એક્ટર એકસાથે એક્શન કરશે અને એ જોઈ પ્રેક્ષકો ‘બાપ રે બાપ’ બોલી બેસે તો નવાઈ નહીં લાગે. મજાની વાત એ છે કે દર્શકોને એક્શન સીન જોવાના જલસા સાથે ચારેય એક્ટરને એક ગીતમાં નાચતા જોવાનો આનંદ પણ મળવાનો છે. મિથુન તો ‘ડિસ્કો ડાન્સર છે’ અને જેકીએ પણ નાચવામાં નિપુણતા દેખાડી છે, પણ સંજય અને સની એ બંનેને ડાન્સ સાથે બાપે માર્યા વેર રહ્યા છે. એટલે અહમદ ખાન એમને કેવું અને કેટલું નચાવે છે એ જોવું રસપ્રદ બની રહેશે. ‘બાપ’ આ વર્ષે જ રિલીઝ કરવાની ગણતરી હતી, પણ ગીતના પિક્ચરાઈઝેશન બાકી હોવાથી રિલીઝ ૨૦૨૪ પર ધકેલાઈ છે.

બાપ – બેટાના સંબંધો પર ફોકસ કરતી આ વર્ષે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોને ખાસ્સી સફળતા મળી છે. બાપ – બેટાનો સંબંધ અણમોલ હોય છે. પિતા હંમેશાં બેટાના આનંદમાં પોતાનો આનંદ શોધતા હોય છે, જ્યારે પુત્ર પિતામાં એક આદર્શ, એક મિત્રની તલાશ કરતો હોય છે. આ અનોખા સંબંધમાં વહાલ હોય છે, મૈત્રી હોય છે અને થોડી નોકઝોક પણ હોય છે. ‘જવાન’માં શાહરૂખનો ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પેહલે બાપ સે બાત કર’ પિતા – પુત્રના સંબંધની વ્યાખ્યા જેવો જ છે. સની દેઓલની ‘ગદર ૨’માં પણ બાપ – બેટાનો તંતુ વણી લેવામાં આવ્યો છે. સની દેઓલ પુત્રની શોધમાં પાકિસ્તાન જાય છે. આ વર્ષની સફળ હિન્દી ફિલ્મોમાં ‘ગદર ૨’ ‘જવાન’ પછી બીજા ક્રમે છે. સનીની ફિલ્મ સાથે જ બોક્સ ઓફિસ પર ટકરાયેલી અક્ષય કુમારની ‘ઓએમજી ૨’ માં પણ પિતા – પુત્રની કથા છે. સામાજિક પ્રહારનો ભોગ બનેલા પુત્રની ક્ષેમ કુશળતા માટે લડત આપતા પિતા પંકજ ત્રિપાઠીની આ ફિલ્મ સનીના વાવાઝોડા સામે બોક્સ ઓફિસ પર ટટ્ટાર ઊભી રહી. છેલ્લા ૨૩ વર્ષમાં ત્રણ જ ફિલ્મનું દિગ્દર્શન કરનારા વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત ‘૧૨વીં ફેઈલ’માં પણ પિતા – પુત્રના લાગણીભર્યા સંબંધો કથાનું હાર્દ છે. કાર્તિક આર્યનની ‘સત્યપ્રેમ કી કથા’ છે તો લવ સ્ટોરી, પણ એમાં સુધ્ધાં બાપ – બેટાનો તંતુ બહુ સરસ રીતે વણી લેવામાં આવ્યો છે. આજે રિલીઝ થયેલી ‘એનિમલ’ની કથામાં વેરની ભાવના કેન્દ્રમાં છે એવું કહેવાય છે, પણ એમાં સુધ્ધાં ‘મેરે પાપા – મેરા બેટા’ તત્ત્વ સામેલ કરવામાં આવ્યું છે. જોઈએ કેવી સફળતા મળે છે ફિલ્મને.

હિન્દી ફિલ્મના ઈતિહાસ પર નજર ફેરવતા વાર્તા હોય કે ટાઈટલ, મા પ્રત્યે પક્ષપાત નજરે પડે છે. ફિલ્મના ટાઈટલમાં માં હોય એવું નામ ધરાવતી પહેલી ફિલ્મ હતી ‘માં’ (૧૯૫૨) જે
બોમ્બે ટોકીઝ માટે બિમલ રોયે દિગ્દર્શિત કરી હતી. છેલ્લા ૭૦ વર્ષમાં ‘માં’ ઉપરાંત ‘મધર ઈન્ડિયા’, ‘માં બાપ’ કે પછી ‘માં બેટા’ કે ‘માં બેટી’ તેમજ ‘માં તુઝે સલામ’ જેવા ટાઈટલ
ધરાવતી વીસેક ફિલ્મ રિલીઝ થઈ છે. સરખામણીમાં ટાઈટલમાં માત્ર બાપ હોય એવી ડઝનેક ફિલ્મ આવી છે. ૧૯૪૬માં પહેલી વાર ‘બાપ’ નામની ફિલ્મ આવી હતી પણ બોક્સ ઓફિસ પર એનું કૌવત નવજાત શિશુ જેટલું પણ નહોતું. જોકે, એ આર કારદારની ‘બાપ રે બાપ’ (૧૯૫૫) ફિલ્મ બોક્સ ઓફિસ પર બાપ સાબિત થઈ હતી. કિશોર – આશાનું યુગલ ગીત ‘પિયા પિયા પિયા, મેરા જીયા પુકારે’ ધૂમ મચાવવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ ‘બાપ બેટે’, ‘બાપ બેટી’, ‘આવારા બાપ’, ‘કુંવારા બાપ’ સહિત ટાઈટલમાં બાપ હોય એવી કેટલીક ફિલ્મો આવી. ‘ડેડી’ ટાઈટલ ધરાવતી ફિલ્મ ૧૯૮૯માં આવી હતી. મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મમાં અનુપમ ખેર અને પૂજા ભટ્ટ હતા. ૨૦૧૭માં અર્જુન રામપાલની ‘ડેડી’ પણ આવી હતી. અલબત્ત અનુપમ ખેર અને અર્જુન રામપાલની ‘ડેડી’માં આસમાન જમીનનું અંતર હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button