પાંચ રાજ્યોના એક્ઝિટ પૉલઃ સાચા પડશે તો લોકસભાની ચૂંટણીમાં થશે રસાકસી
તેલંગણા વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ પાંચેય રાજ્યોના એક્ઝિટ પૉલ્સ આવી ગયા છે અને જેમાં રાજસ્થાન છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ખરાખરીનો જંગ હોવા છતાં કૉંગ્રેસનો પંજો ઉપર દેખાય રહ્યો છે. સાત નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં અલગ અલગ તબક્કામાં પાંચ રાજ્યનું મતદાન યોજયું જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાનો સમાવેશ થાય છે. આ પાંચેય રાજ્યના એકિઝટ પૉલ્સ આવી ગયા છે. પરિણામ રવિવારે જાહેર થવાના છે.
મિઝોરમની વાત કરીએ તો એમએનએફને 14-18, ઝેડપીએમને 12-16 અને કૉંગ્રેસને 8 બેઠક મળવાની સંભાવના છે. કુલ 40 બેઠકમાંથી 21 બેઠક પર જરૂરી એવી બહુમતી સધાતી જોઈ શકાતી નથી. આથી મિશ્ર સરકાર રચાવાની સંભાવના છે.
છત્તીસગઢની 90 બેઠકમાંથી કૉંગ્રેસને સત્તા સ્થાપવા જોઈતી 46 મળી રહેવાની સંભાવના છે. મોટા ભાગની સર્વે એજન્સી છત્તીસગઢ ફરી કૉંગ્રેસના હાથમાં જતું બતાવે છે.
રાજસ્થાનની વાત કરીએ તો 199 બેઠકમાંથી સત્તા માટે સો બેઠક પર વિજય મેળવવો જરૂરી છે. આ રાજ્યની પરંપરા રહી છે કે અહીં એક જ પક્ષ એક સાથે બે ટર્મ રાજ ભોગવી શકતો નથી, પરંતુ એક્ઝિટ પોલમાં આ વાત ખોટી પડતી દેખાઈ રહી છે. રાજસ્થાનમાં પણ કૉંગ્રેસ ફરી સત્તા મેળવે તેવા એંધાણ છે.
મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં 230 બેઠકમાંથી 116 બેઠક સત્તા માટે જોઈએ છે. મોટા ભાગના એક્ઝિટ પૉલ્સમાં ખૂબ જ ઓછા માર્જિનથી ભાજપ આગળ દેખાઈ રહ્યું છે એટલે અહીં ભાજપ પોતાનો ગઢ સાચવી રાખે તેવી સંભાવના છે.
તેલંગણામાં બીઆરએસ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર છે. ભાજપ પિક્ચરમાં નથી. અહીં આ વખતે સત્તા ઉથલાવી કૉંગ્રેસ આગળ હોવાનું એક્ઝિટ પોલ્સ કહી રહ્યા છે. જોકે બન્ને વચ્ચે ટક્કર છે આથી ત્રીજીએ ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
જોકે ઘણીવાર એક્ઝિટ પૉલ્સના પરિણામ આંશિક અથવા સદંતર ખોટા પડ્યા છે. આથી ત્રીજી તારીખે રવિવારે કોના ભાગે શું આવશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે, પરંતુ આ પાંચેય રાજ્યોના પરિણામોમાં જો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર બરાબરની દેખાશે તો આવનારી 2024ની લોકસભાની ચૂંટણી વધારે રસાકસીવાળી બની રહેશે.