મોટરમેન અને ગાર્ડે વચ્ચે જ રોકી ટ્રેન અને કહ્યું કે…
જરા વિચાર કરો કે તમે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હોવ અને અચાનક કોઈ સ્ટેશન પર તમારી ટ્રેન ઊભી રહી જાય અને કલાકો સુધી ત્યાં જ ઊભી રહે. જ્યારે તમે આવું કેમ થયું એની તપાસ કરો તો એવું જાણવા મળે કે ભાઈ ટ્રેન અને ગાર્ડ બંને તો ટ્રેન વચ્ચે રોકીને પોતાના ઘરે જતાં રહ્યા હતા અને તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તેમની ડ્યૂટીના કલાકો પૂરા થઈ ગયા હતા તો માનવામાં આવે ખરું?
સાંભળવામાં ભલે આ વિચિત્ર લાગતું હોય પણ આવું હકીકતમાં બન્યું છે. મોટરમેન અને ગાર્ડની આ મનમાની અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની લાપરવાહીને કારણે પ્રવાસીઓ કલાકો સુધી હેરાન-પરેશાન રહ્યા હતા અને રોષે ભરાયેલા પ્રવાસીઓએ સ્ટેશન પર ધમાલ કરી હતી.આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો બુધવારે એક વાગ્યાની આસપાસ બિહારના સહરસાથી દિલ્હી જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન બારાબંકીના બુઢવલ નામના સ્ટેશન પર ઊભી રહી ગઈ હતી.
બાજુમાંથી એક ગુડ્સ ટ્રેન પસાર થઈ ગયા બાદ પણ ટ્રેન જ્યાંની ત્યાં ઊભી રહેતે પ્રવાસીઓને પહેલાં તો લાગ્યું કે સિગ્નલ ના મળવાને કારણે એવું થયું છે. પરંતુ એક કલાક બાદ પણ ટ્રેન નહીં ઉપડી તો પ્રવાસીઓએ પુછપરછ કરવા લાગ્યા હતા. પરંતુ કોઈ ચોક્કસ કારણ નહીં જાણવા મળતા રોષે ભરાયેલા પ્રવાસીઓએ સ્ટેશન પર નારા લગાવવાનું શરૂ કરી દીધું.
આ બધી ધમાચકડી જોઈને રેલવે સ્ટેશનના મેનેજર આવ્યા અને જ્યારે એમણે મોટરમેન અને ગાર્ડને જઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમની ડ્યૂટીના કલાકો પૂરા થઈ ગયા છે, એટલે હવે તેઓ ટ્રેન આગળ નહીં લઈ જાય. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું કે તેમની હેલ્થ પણ સારી નથી. આટલું કહીને તેમણે પોતાનો મેમો આપ્યો અને ઘરે જવા નીકળી ગયા.
સ્ટેશન મેનેજરે આ ઘટનાની જાણ કન્ટ્રોલ રૂમમાં કરી અને આ ઘટના વિશે સાંભળીને ત્યાં પણ હલચલ મચી ગઈ. આખરે આટલી બધી અવ્યસ્થા વચ્ચે ગોંડાથી બીજા ડ્રાઈવર અને ગાર્ડ મોકલવામાં આવ્યા અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગળ જવા માટે રવાના કરવામાં આવી હતી.