2 પત્ની, 9 બાળક અને 6 ગર્લફ્રેન્ડઃ આજીવિકા રળવા સોશિયલ મીડિયા સ્ટાર બન્યો ગુનેગાર
લખનઊઃ અહીંના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસરની ગુનેગાર બનવાની વાત તમને વિચારતા કરી દેશે. આ માણસે એક-બે લોકોને નહીં પરંતુ 17 લોકોના પેટ ભરવાના હતા. 17માંથી બે તેની પત્નીઓ, 9 બાળકો અને 6 તેની ગર્લફ્રેન્ડ હતી. આજીવિકા રળવા એણે જે જુદા જુદા પેંતરા ઇજમાવ્યા તે જાણીને તમે છક્ક થઇ જશો. લોકોને નકલી સ્કીમ વેચવાથી લઈને આ શખ્સે નકલી નોટો વડે લોકોને પણ છેતર્યા હતા.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસરનું નામ છે અજીત મોર્ય. 29 નવેમ્બરે તે તેની પત્ની સાથે એક હોટેલમાં ડિનર કરી રહ્યો હતો અને વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. અજીતે છઠ્ઠા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. તેના પર નકલી સ્કીમ, નકલી નોટો ચલાવવી, લોકોને વીમા યોજનામાં ફસાવવા જેવા અનેક આરોપો છે.
સોશિયલ મીડિયા પર રીલ બનાવતા અજીતને બે પત્નીઓ, નવ બાળકો અને છ ગર્લફ્રેન્ડ છે. અજીતે પોલીસને જણાવ્યું હતું કે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા તેણે ગુનાખોરી તરફ વળવું પડ્યું. તેની સામે 9 ગુના નોંધાયેલા છે. પોલીસને એક ધર્મેન્દ્ર નામની વ્યક્તિએ અજીત મૌર્યની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસ તપાસમાં અજીત મૌર્યનો ભાંડો ફૂટ્યો હતો.
ગુનાખોરીની દુનિયામાં કદમ મૂકતા પહેલા અજીત ફૉલ્સ સિલીંગ બનાવવાનું કામ કરતો હતો. કામ મળતું બંધ થઇ ગયા બાદ તે ગુનાખોરી તરફ વળ્યો હતો. 2000ની સાલમાં તેણે મુંબઇમાં 40 વર્ષની સંગીતા સાથે લગ્ન કર્યા હતા. તેની સાથે તેને 7 બાળકો છે. 2010માં નોકરી ગુમાવ્યા બાદ તે ગામમાં પાછો ફર્યો હતો. ગામમાં પણ તેને નોકરી નહોતી મળી.
અજીત સામે ચોરીનો પહેલો કેસ 2016માં નોંધાયો હતો. ત્યાર બાદ તેણે પાછું વળીને જોયું નથી. બે વર્ષ બાદ તે સુશીલાના સંપર્કમાં આવ્યો અને નકલી નોટોની પોન્ઝી સ્કીમ વગેરે જેવી છેતરપિંડીની નવી રીતો અજમાવવા લાગ્યો હતો. 2019માં તેણે સુશીલા સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને બે બાળકો છે.
અજીતે બે ઘર બનાવ્યા છે. એકમાં સંગીતા અને બીજામાં સુશીલા રહે છે. તેની પત્નીઓ વૈભવી જીવન જીવે છે. તે બંને પત્ની વચ્ચે લૂંટનો સામાન સમાન રીતે વહેંચે છે. અજીત પોતે ભાડાના મકાનમાં રહે છે. પોલીસે અજીતના કોલ રેકોર્ડ્ઝની તપાસ કરી તો તેની છ ગર્લ ફ્રેન્ડ પણ હોવાનું માલુમ પડ્યું હતું. તે તેની ગર્લ ફ્રેન્ડ્ઝને લાંબા પ્રવાસે પણ લઇ જાય છે.
પીલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર હાજરી મહિલાઓને તેના તરફ આકર્ષિત કરતી હતી.