ટ્રેનના રિઝર્વ કોચમાં ગેરકાયદે ઘૂસણખોરીઃ 197 ગઠિયા સામે કાર્યવાહી
મુંબઈઃ લોકલ ટ્રેનના રિઝર્વ કોચમાં ગેરકાયદે લોકોની વધી રહેલી અવરજવરને કારણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 200થી વધુ ગઠિયા પકડાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મધ્ય રેલવેના આરપીએફના અધિકારીએ કહ્યું હતું કે એક જ દિવસમાં રેલવે સ્ટેશનની હદમાં ગેરકાયદે અવરજવર કરનારા લોકો સામે કાર્યવાહી કરતા 311 જણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાસ કરીને રાતના ધસારાના સમયગાળા દરમિયાન આરપીએફે કાર્યવાહી કરી હતી. 311 પૈકી 197 લોકો ફક્ત લોકલ ટ્રેનના રિઝર્વ કોચમાં ટ્રાવેલ કરતા હતા, જ્યારે રેલવે સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે રીતે ટ્રેસપાસિંગના કિસ્સામાં 99 જણ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, રેલવે સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે ફેરી કરનારા 13 લોકો સામે પણ કાર્યવાહી કરી હતી, એમ આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું.
એક જ દિવસની કાર્યવાહી દરમિયાન કલ્યાણ મેજિસ્ટ્રેટ સમક્ષ લોકોને હાજર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની પાસે 46,950નો દંડ વસૂલવામાં આવ્યો હતો. લોકલ ટ્રેનના મહિલા, વિકલાંગ સહિત લગેજ કોચ ખાસ કરીને રિઝર્વ રાખવામાં આવે છે, જેમાં સૂચિત પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં તકલીફ પડે નહીં તેના કારણે અન્ય પ્રવાસીઓને રિઝર્વ કોચમાં મુસાફરી કરવામાં પ્રતિબંધ છે, પરંતુ આ મુદ્દે નિયમોનું પાલન થતું નહીં હોવાથી કાર્યવાહી કરવામાં આવે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.