જ્યારે ચૂંટણીના પરિણામો પહેલાં જ જાહેર થઈ ગયા પરિણામો…
એક્ઝિટ પોલની આ એબીસીડી વિશે કેટલું જાણો છો?
નવી દિલ્હીઃ આજે સાંજે દેશના પાંચ રાજ્ય માટે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે અને આ એક્ઝિટ પોલમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે એનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સાંજ પડતાં જ લોકોની નજર માત્ર એક્ઝિટ પોલના આંકડા પર જ રહેશે. ભારતમાં એક્ઝિટ પોલને લઈને લોકોમાં હંમેશા જ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ શું તમને ખબર છે કે એની શરૂઆત અમેરિકામાં થઈ હતી? જી હા, આ હકીકત છે અને આ એક્ઝિટ પોલનો ઈતિહાસ પૂરા 56 વર્ષ જૂનો છે અને આ એક્ઝિટ પોલે એક એવો પાયો નાખ્યો હતો કે જેને દુનિયાના દરેકે દેશે અપનાવી લીધો છે. ચાલો આજે તમને એના ઈતિહાસથી વાફેક કરાવીએ.
સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ ચૂંટણી એક્ઝિટ પોલના જન્મદાતા હતા રિસર્ચ અને સર્વેમાં નિપૂણતા રાખનારા અમેરિકન પોલિટિકલ પોલ્સટર વોરેન. એમની જ પહેલ બાદ લોકોનો ઈલેક્શન એક્ઝિટલ પોલમાં રસ વધ્યો અને આ પોલ દુનિયાભરમાં પહોંચી ગયો.
ટાઈમ મેગેઝિનના એક અહેવાલ અનુસાર અમેરિકન પોલિટિકલ પોલ્સટર વોરેને સૌથી પહેલું અને મોટું એક્ઝિટ પોલ તૈયાર કર્યું. તેમણે પહેલી વખત એક્ઝિટ પોલની શરૂઆત 1967માં કરી હતી. વોરેને એક સંગઠન માટે આ તૈયાર કર્યું હતું, ત્યાર બાદ એ ચલણમાં આવ્યું હતું અને અમેરિકામાં રાષ્ટ્રપતિનિી રેસ માટે એક્ઝિટ પોલ કરવાની શરૂઆત થઈ. અનેક ન્યુઝ ઓર્ગેનાઈઝેશને એક્ઝિટ પોલ કરવાનું શરૂ કર્યું. 1980માં અમેરિકન ટીવી ચેનલે મતદાન પૂરું થવાના ત્રણ કલાક પહેલાં જ અમેરિકન રાષ્ટ્રપતિની રેસમાં સામેલ રોનાલ્ડ રિગન અને જિમ્મી કાર્ટરથી સંકળાયેલું એક્ઝિટ પોલ જાહેર કર્યું હતું.
અનેક વર્ષો સુધી પોલિંગ જાહેર કર્યા બાદ અને પોપ્યુલારિટી હાંસિલ કર્યા બાદ 2002માં એને લઈને એ સમયે વિવાદ થયો જ્યારે કોમ્પ્યુટરમાં ગડબડ થતાં એની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ એને બંધ કરવામાં આવ્યા હતા. અલગ અલગ સંગઠન દ્વારા નેશનલ ઈલેક્શન ન્યુઝ પૂલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ 2004માં આ સંગઠન પણ વિવાદમાં આવી ચૂક્યું હતું કારણ કે 2004માં એનો ડેટા ચૂંટણીના દિવસે જ લીક થઈ ગયો હતો.
એક્ઝિટ પોલ જણાવે છે કે રાજ્ય કે દેશમાં કયા રાજકીય પક્ષની સરકાર બનવાની શક્યતા સૌથી વધુ છે અને આ પોલ મતદાન પૂરું થવાના 30 મિનીટ બાદ જાહેર કરવામાં આવે છે. એક્ઝિટ પોલ એ લોકોને સવાલજવાબ કર્યા બાદ તૈયાર કરવામાં આવે છે જેમણે મતદાન કર્યું છે. આ માટે સર્વે એજન્સીને એક ટીમ મતદાનના દિવસે આ વિષય પર કામ કરે છે. જોકે, એ વાત જરૂરી નથી કે હંમેશા એક્ઝિટ પોલના આંકડા સાચા જ હોય.