આ એક કારણે તમારી ઉંમર 17 વર્ષ ઓછી થાય છેઃ ચેતી જજો
દિલ્હી સહિતના શહેરો હાલમાં એક મોટી સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તે છે પ્રદૂષણ. એક ક્લોલિટી ઈન્ડેક્સનો ઉતરતો આંકડો ચડતા શેરબજારના સેન્સેકસ પર હાવી થઈ ગયો હોય તે રીતે ખરાબ આબોહવાએ શહેરોને ઘેરી લીધા છે. આ પ્રદુષણની હાલમાં તો શ્વાચ્છોશ્વાસ સહિતની બીમારીઓ ઊભી થઈ છે, પરંતુ એક અભ્યાસ અનુસાર પ્રદુષણ કે ખરાબ આબોહવા માણસની જિંદગીના 17 વર્ષ છીનવી રહી છે.
આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆરમાં દર વર્ષે વધતા પ્રદૂષણના સ્તરને જોઈને નિષ્ણાતો ચિંતિત છે. નિષ્ણાતોનું માનવું છે કે જો દિલ્હી-એનસીઆરમાં દર વર્ષે ગેસ ચેમ્બર જેવી સ્થિતિ સર્જાય તો દરેક વ્યક્તિ તેનો શિકાર બની શકે છે.
આ અંગે AIIMSના ડોક્ટર્સનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષણનું સ્તર વધ્યા બાદ ઈમરજન્સી વિભાગમાં દર્દીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેમાં બાળકો, વૃદ્ધો અને ગંભીર દર્દીઓનો સમાવેશ થાય છે. પ્રદુષણના કારણે તેમની હાલત ગંભીર બની ગઈ છે. AIIMSના વિભાગના ડોક્ટરના જણાવ્યા અનુસાર શિકાગોના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રદૂષણને કારણે લોકોનું આયુષ્ય 17 વર્ષ સુધી ઘટી રહ્યું છે. આ એક મોડેલિંગ અભ્યાસ હતો. આમાં, પ્રદૂષણના વધુ અને વધુ વિસ્તારોમાં સરખામણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં દિલ્હીમાં આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ સમસ્યા સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળે છે.
પ્રદૂષણના સ્તરમાં વધારાને કારણે ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. ઉપરાંત ઈમરજન્સી વિભાગમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. AIIMSના પલ્મોનરી વિભાગના ડોક્ટરે કહ્યું હતું કે અસ્થમા અને COPDના જૂના દર્દીઓની સમસ્યાઓ વધી છે. આ સિવાય એવું પણ જોવામાં આવ્યું છે કે જેમને પહેલા શ્વાસની તકલીફ ન હતી તેઓ પણ તેના દર્દી બની રહ્યા છે. દર્દીઓ લાંબા સમયથી ઉધરસથી પીડાય છે. આવા દર્દીઓને ઇન્હેલર અને સ્ટેરોઇડ્સ આપવા પડે છે. અત્યાર સુધી તે અસ્થમા અને સીઓપીડીના દર્દીઓને આપવી પડતી હતી. સામાન્ય લોકોમાં પ્રદૂષણની અસર વધારે વર્તાઈ રહી હોવાનું તેમણે એક અહેવાલમાં જણાવ્યું હતું.
અન્ય એક ડોક્ટરના કહેવા અનુસાર પહેલા સીઓપીડી અને ફેફસાંનું કેન્સર ધૂમ્રપાન કરતા લોકોમાં જોવા મળતું હતું, પરંતુ હવે ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાનું કેન્સર જોવા મળે છે. તે ચિંતાનો વિષય છે આ વધતા પ્રદૂષણને કારણે હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં શિયાળાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અમે ICMRની પહેલ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં અમને જાણવા મળ્યું કે દિલ્હીના વિસ્તારોમાં જ્યાં PM 2.5નું સ્તર વધ્યું છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે ઈમરજન્સીમાં પહોંચ્યા છે.
છેલ્લા થોડા સમયથી ભારતમાં એક નવો વર્ગ ઊભો થયો છે અને તે છે પર્યાવરણપ્રેમીનો કે પર્યાવરણનું જતન કરનારાઓનો વર્ગ. જ્યાં ક્યાંય પણ મોટા પ્રમાણમાં વૃક્ષો કપાય, વન્યસંપત્તિને નુકાસન જાય, ખાણખનીજોને નુકસાન થાય, પાણીના સ્ત્રોતો સૂકાઈ આ લોકો મશાલ લઈ દોડે છે. સરકારના પ્રોજેક્ટનો વિરોધ કરે છે, કોર્ટમાં ધા નાખે છે, ધરણા પર બેસે છે. આ વર્ગ નાનો છે, પરંતુ અમુક વર્ષોથી તેમને લીધે આપણે પર્યાવરણ પ્રત્યે સભાન થયા છે. જોકે ઘણું જ મોડું થઈ ગયું છે અને હજુ જોઈએ તેટલી જાગૃત્તિ આવી નથી ત્યારે ઘણી એવી હકીકતો બહાર આવી રહી છે જે જાણી આપણે સમજી જઈએ તો ઘણું સારું.