તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ જાણી લો મહત્ત્વની અપડેટ્સ, જાણીતા કલાકારોએ કર્યું મતદાન
હૈદરાબાદઃ તેલંગાણામાં આજે વિધાનસભાની 119 બેઠક માટે સઘન વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું છે, જેમાં અગ્રણી નેતાઓની સાથે અનેક કલાકારોએ મતદાન કર્યું હતું. મતદાન સાંજે છ વાગ્યે પૂરું થશે. મળતી માહિતી અનુસાર બપોરે એક વાગ્યા સુધી તેલંગાણામાં 36.68 ટકા મતદાન થયું છે, જ્યારે અમુક જગ્યાએ હિંસાનો બનાવો બન્યા હતા.
દરમિયાન એવી માહિતી મળી છે કે રાજ્યના ભાજપ પ્રમુખ અને સાંસદ જી. કિશન રેડ્ડીએ ભારતના ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને બીઆરએસના ઉમેદવારો અને તેમના કાર્યકરો દ્વારા ચૂંટણીમાં ગેરરીતિ કરી હોવાના આક્ષેપો કર્યા છે.
અહિંના પોલીસ કમિશનર વિક્રમ સિંહ માને હૈદરાબાદના મતવિસ્તારના હરિજનબસતી, ગુડીમલકાપુર અને અન્ય વિસ્તારોમાં મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની નોંધ લીધી હતી.
તેલંગાણાના સીએમ કેસીઆર અને તેમની પત્ની સોભાએ સિદ્ધિપેટ જિલ્લાના ચિમરામદાકા ગામમાં મતદાન કર્યું હતું. નોંધનીય છે કે મુખ્ય પ્રધાન કેસીઆરે 28 નવેમ્બર સુધી તેમના પક્ષ બીઆરએસ માટે 96 જેટલી જાહેરસભાને સંબોધિત કરી હતી.
બીઆરએસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવે તેમની પત્ની શૈલિમા સાથે બંજારા હિલ્સ ખાતેના મતદાન મથક પર મતદાન કર્યું હતું. બીજેપીના ચીફ જી. કિશન રેડ્ડીએ પણ હૈદરાબાદના બરકતપુરામાં મતદાન કર્યું હતું. એઆઇએમઆઇએમના વડા અસુદ્દીન ઓવૈસીએ પણ હૈદરાબાદમાં પોતાનો મત આપ્યો હતો. બીઆરએસના નેતા અને કેસીઆરની પુત્રી કવિતાએ પણ મતદાન કર્યું હતું.
કામરેડ્ડી મતદાર શ્રેત્રના એક મતદાન મથકમાં ઇવીએમ મશીનમાં ખામી આવી હોવાના સમાચાર જાણવા મળ્યા હતા, જેને કારણે 45 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. જોકે, 45 મિનિટ બાદ મતદાન ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.
અભિનેતા રાણા દગ્ગુબાતી પણ હૈદરાબાદમાં એફએનસીસી ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. તો અભિનેતા નાગા ચૈતન્ય હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં સરકારી કાર્યકારી મહિલા હોસ્ટેલમાં મતદાન મથક પર પોતાનો મત આપવા માટે ગયા હતા. અભિનેતા વેંકટેશ દગ્ગુબાતીએ રંગા રેડ્ડી જિલ્લાના રાજેન્દ્ર નગર મતવિસ્તારમાં પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
હૈદરાબાદના જ્યુબિલિ હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુન પણ મતદાન કરતા જોવા મળ્યા હતા તો અભિનેતા ચિરંજિવી પણ મત આપવા બહાર મીકળ્યા હતા. ફિલ્મ આરઆરઆરના અભિનેતા જુનિયર એનટીઆર પણ મત આપવા માટે લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. તો અભિનેતા શ્રીકાંત પણ મતદાન કરતા અને અન્યોને મતદાન માટે પ્રેરિત કરતા જોવા મળ્યા હતા
તેલંગાણાની ચૂંટણી 2024ની લોકસભાની સંસદીય ચૂંટણી માટે મહત્વની છે. ભાજપના નેતા બિરજેશ પાઠકે જણાવ્યું હતું કે જે રીતે લોકો ભાજપ માટે મતદાન કરવા મતદાન કેન્દ્ર પર આવી રહ્યા છે એ જોતા એમ લાગે છે કે તેલંગાણામાં કમળ ખીલવા માટે તૈયાર છે.
જોકે, અહીંના જનગાંવમાં એક મતદાન મથક પર કૉંગ્રેસ, ભાજપ અને બીઆરએસના કાર્યકરોના જૂથ વચ્ચે ઝપાઝપીનો બનાવ બન્યો હતો. જોકે, પોલીસની દરમિયાનગીરીને કારણે પરિસ્થિતિ કાબુમાં આવી હતી.