અંધારાપટ્ટના એંધાણઃ મોડેલ સ્ટેટ ગુજરાતમાં દોઢસો જેટલી પાલિકાએ વીજબિલ ભર્યું નથી
જો તમે વીજબિલ ન ભરો તો તમારે અંધારામાં રહેવાનો વારો આવે અને દંડ ભરવો પડે, પણ તમે બિલ ભર્યું હોવા છતાં સરકારના વાંકે તમારે અંધારામાં રહેવાનો વારો આવે તેવી શક્યતા છે અને આનું કારણ એ છે કે તમે જ ચૂંટેલી સરકારની લગભગ 140 જેટલી સ્વરાજ સંસ્થાએ વીજબિલ ભર્યું નથી. આથી સ્ટ્રીટલાઈટ બંધ થવાની અને તમારા શહેર કે ગામડામાં અંધારપટ છવાઈ જવાની સંભાવના છે.
ગુજરાતને દેશભરમાં વિકાસના મોડેલ રાજ્ય તરીકે ગણવામાં આવે છે, પરંતુ અહીંની નગરપાલિકાઓ, પંચાયતો કરોડોના વીજબિલ ભરતી નથી.
ગુજરાતની 157 નગરપાલિકા, 8 મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટનું વીજબિલ ભર્યુ જ નથી. વીજબિલ પેટે 503 કરોડ 35 લાખ અને 57 હજાર રૂપિયા જેટલી રકમ વીજબિલ પેટે ભરવાની બાકી છે. જેથી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે આ રકમ ભરવા આદેશ કર્યો છે. ઉર્જા વિતરણ કંપનીઓને ગુજરાતના વિવિધ પાલિકા અને નગરપાલિકાઓ પાસેથી 243.44 લાખ જેટલા રૂપિયા વસૂલવાના થાય છે. જે કુલ બાકી વીજબિલની રકમના 50 ટકા કહેવાય. ત્યારે સરકારે પેન્ડિંગ બીલ તરત ભરી દેવા નગરપાલિકાઓને આદેશ કર્યો છે. જો સમયસર ચૂકવણી ન થાય તો શક્ય છે કે તમારા ઘરની બહાર અંધારું જોવા મળશે. સ્ટ્રીટ લાઈટો ચાલુ નહિ થાય.
આના એક કારણ તરીકે એમ પણ કહેવાય છે કે ગુજરાતની અનેક પાલિકાઓમાં જનપ્રતિનિધિઓને બદલે વહીવટદારો-બાબુઓનો કબજો છે. ક્યાંક ડેપ્યુટી કલેક્ટર તો ક્યાંક મામલતદારોથી વહીવટ ચાલી રહ્યો છે. આ કારણોસર ટેક્સની વસૂલાત અને વીજબિલની રકમ ચૂકવવાની બાકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.