નેશનલ

બિલ્ડિંગ બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનશે

નવી દિલ્હી, તા. ૨૮ : પરપ્રાંતી શ્રમિકોના હક્કોનું રક્ષણ કરવા સરકાર બિલ્ડિંગ અને બાંધકામના મજૂરો માટે યુનિક આઈડેન્ટિફાયર ફરજિયાત બનાવશે એવી જાહેરાત સરકારે બુધવારે કરી હતી. આ આઈડેન્ટિફાયરને આધાર કાર્ડ સાથે લિન્ક કરાશે તેમ જ ઈ-શ્રમ ડેટાબેઝમાં એની વિગતો નાખવામાં આવશે જેથી લાભોની પોર્ટીબિલિટી કરવામાં સરળતા પડે.

શ્રમસચિવ આરતી આહુજાએ કહ્યું હતું કે કોઈ શ્રમિક આજે દિલ્હીમાં હોય અને આવતી કાલે મુંબઈમાં હોય એનાથી કંઈ ફરક નહીં પડે અને તેના કુુટંબને મળનારા લાભો તે ગમે ત્યાંથી લઈ શકશે.
રાજધાનીમાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઇએલઓ)ના સમર્થનમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ એમ્પ્લોયર્સ (એઆઈઓઈ) અને ફિક્કએ યોજેલા ‘ધ માઈગ્રેશન કોનકલેવ’ માં તેઓ બોલી રહ્યાં હતાં.

આ અંગે એક પરિશિષ્ટ આગામી અઠવાડિયામાં બહાર પડાશે અને એમાં આ સુધારાની વિસ્તૃત જાણકારી અપાશે. કૉન્ટ્રાકટર દ્વારા આઉટસોર્સ કરેલા રજિસ્ટેશન વગરના કામદારોના વધતા ઉપયોગ અંગેના પડકારો વિશે આહુજા બોલી રહ્યાં હતાં. ચાર શ્રમ સંહિતા પ્રમાણે કૉન્ટ્રાકટર આંતરરાજ્ય પરપ્રાંતી શ્રમિક ધારા હેઠળ મજૂરોને સર્વગ્રાહી લાભો આપવા બંધાયેલા છે. આમાં લઘુતમ વેતન, વ્યવસાયીક સુરક્ષા અને ટોયલેટ તથા કામ કરવાના સ્થળે ઘોડિયાઘર જેવી મૂળભૂત સુવિધાનો સમાવેશ થાય છે. મંત્રાલય પૂરતા આશ્રયસ્થાનો અને કામ કરવાના સ્થળે સ્વચ્છતા વગેરેની તકેદારી લેવાના પગલાં ઉઠાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button