નેશનલ

વડોદરા સહિત ૪૦થી વધુ સ્થળે આઈટીના દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ફરીવાર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી વાયર-કેબલનું ઉત્પાદન કરતી જાણીતી કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યના વડોદરા, અમદાવાદ, સુરત સહિત ૪૦થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી વાયર-કેબલનું ઉત્પાદન કરતી જાણીતી કેબલ ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફર્સ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયેલા ઓફિસ સ્ટાફના ૪૦ જેટલા કર્મચારીઓને કંપનીના ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. ગ્રૂપના ચેરમેન રમેશ કાબરા સહિત તમામ ડિરેક્ટર્સ અને ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત વિવિધ બ્રાન્ચઓફિસ મળી ૪૦ થી વધુ સ્થળો પર દેશ વ્યાપી આવકવેરાના સામૂહિક દરોડા આજે વહેલી સવારથી પાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના ૧૫ જેટલા અધિકારીઓ-કર્મચારીઓની ટીમ ત્રાટકી હતી. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળુંનાણું મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રૂપ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પડ્યા હતા. આ સિવાય તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રૂપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રૂપના અલગ-અલગ સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે તપાસ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button