નેશનલ

સોનામાં આગઝરતી તેજી સોનું ₹ ૭૧૬ના ઉછાળા સાથે ₹ ૬૨,૦૦૦ની પાર, ચાંદીએ ₹ ૭૫,૦૦૦ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળ્યા બાદ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં લંડન ખાતે સોનાના ભાવમાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના પહેલા છમાસિકગાળામાં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા સપાટી પર આવતાં ભાવઘટાડો ૦.૨ ટકા જેટલો મર્યાદિત રહ્યો હતો અને ભાવ છ મહિનાની ઊંચી સપાટી નજીક જળવાઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુમાં તેજીનું વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧૩થી ૭૧૬ વધીને રૂ. ૬૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૧૧ની તેજી સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

એકંદરે આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧૩ વધીને રૂ. ૬૨,૩૭૮ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૧૬ વધીને રૂ. ૬૨,૬૨૯ના મથાળે રહ્યા હતા. જોકે, એકતરફી તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૧૧ વધીને રૂ. ૭૫,૭૦૦ના મથાળે રહ્યા હતા.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ આગળ વધતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજી આગળ ધપી હતી. જોકે ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં સોનામાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૩૬.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ૨૦૩૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ ૨૦૨૪નાં પહેલા છમાસિકગાળામાં નાણાનીતિમાં આક્રમક વલણને સ્થાને હળવી નાણાનીતિ અપનાવે તેવા આશાવાદે તાજેતરમાં સોનામાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે ટૂંક સમયમાં ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા વ્યક્ત કરતાં સોનામાં તેજી વેગીલી બની હતી. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલમાં પણ જે અગાઉ મે મહિનામાં વ્યાજદરમાં કપાતની શક્યતાની ટકાવારી જે ૫૦ ટકા દર્શાવાઈ રહી હતી તે હવે વધીને ૭૦ ટકા દર્શાવાઈ રહી છે. સામાન્યપણે ઓછા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઉપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button