નેશનલ

શૅરબજારમાં ડબલ ધમાકા બીએસઇનો ચાર ટ્રિલ્યન ડૉલર ક્લબમાં પ્રવેશ, નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી સર કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં તેજીએ રોકાણકારોને બુધવારે ડબલ ધમાકાની મોજ આપી હતી. એક તરફ તમામ લિસ્ટેડ શેરોના બજારમૂલ્યને આધારે બીએસઇએ ચાર ટ્રિલ્યન ડોલર ક્લબમાં પ્રવેશ મેળવ્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ બે મહિનાના સમય બાદ ૨૦,૦૦૦ની સપાટી ફરી હાસલ કરવામાં સફળતા મેળવી છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરની લેવાલી સાથે વૈશ્ર્વિક બજારોની તેજીના સંકેત વચ્ચે નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ ૭૨૭.૭૧ પોઈન્ટ ઉછળીને ૬૬,૯૧૦.૯૧ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૦૬.૯૦ પોઈન્ટ વધીને ૨૦,૦૯૬.૬૦ પોઇન્ટની પર સ્થિર થયો હતો. ભારતીય શેરબજારે આખરે ચાર ટ્રિલ્યન ડોલરની ક્લબમાં સફળ પ્રવેશ નોંધાવી લીધો છે. અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવિશ સ્ટાન્સને પગલે શેરબજારમાં આવેલી જોરદાર તેજી સાથે દેશના મુખ્ય શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજારમૂલ્ય પહેલી વખત ચાર ટ્રિલ્યન ડોલરના સ્તર પર પહોંચી ગયું છે. સત્રને અંતે બીએસઇનું માર્કેટ કેપ રૂ.૩૩૩.૩૬ લાખ કરોડ રહ્યું હતું.

મુંબઇ શેરબજારના ૩૦ શેરવાળા બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રારંભિક તબક્કે જ ૩૦૫.૪૪ પોઇન્ટ વધીને ૬૬,૪૭૯.૬૪ની સપાટીને પાર કરી લીધી હતી. આ સાથે એક્સચેન્જ પર નોંધાયેલી કંપનીઓનું કુલ બજારમૂલ્ય સવારના સત્રમાં જ ૩,૩૩,૨૬,૮૮૧.૪૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આમ ડોલર સામે ૮૩.૩૧ રૂપિયાના વિનિમય મૂલ્યના ધોરણે આ રકમ ચાર ટ્રિલ્યન ડોલરથી વધારે છે. વૈશ્ર્વિક બજારમાં ભારતીય શેર બજાર માર્કેટના હિસાબે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી પાંચમાં સ્થાન પર છે.

અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીએ માર્ચ ૨૦૨૪ની શરૂઆતમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો અને તેની અસરે ભારતીય શેર બુધવારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાનીમાં આગેકૂચ નોંધાવી હતી.

ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ફુગાવાના દરમાં સતત ઘટાડાની પરિસ્થિતિમાં, આગામી મહિનામાં વ્યાજ દર ઘટાડવાની શક્યતા દર્શાવ્યા પછી અમેરિકામાંથી પોતાની આવકનો નોંધપાત્ર હિસ્સો મેળવતી આઇટી કંપનીઓના શેરમાં ૧.૫ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

બજારના સાધનો જણાવે છે કે, વૈશ્ર્વિક દરમાં ઘટાડાનો અંદાજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ફરી લેવાલીની શરૂઆત અને ગ્રામીણ માગમાં થઇ રહેલા વધારાને જોતાં બજારને પર્યાપ્ત ટેકો મળી રહેશે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બે મહિના પછી ભારતીય ઇક્વિટીના ચોખ્ખા ખરીદદાર બન્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button