આમચી મુંબઈ

પ્રોપર્ટી ટૅક્સ આઠ મહિના બાદ શુક્રવારથી બિલ મોકલવાની શરૂઆત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે આઠ મહિનાના લાંબા ગાળા બાદ મુંબઈ મહાનગરપાલિકા શુક્રવાર પહેલી ડિસેમ્બરથી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સના બિલ મોકલવાનું ફરી શરૂ કરવાની છે. અમુક કાયદાકીય જટિલતાઓને કારણે બિલ મોકલવામાં વિલંબ થયો હતો. હાલ મુંબઈના કરદાતાઓને ૧૦ ટકા વધારા સાથેના કામચલાઉ બિલ મળશે. પ્રોપર્ટી ટૅક્સના બિલ મોકલવામાં થયેલા વિલંબને કારણે એપ્રિલથી નવેમ્બર, ૨૦૨૩ સુધીના આઠ મહિનામાં પાલિકાને ફક્ત ૫૪૨ કરોડ રૂપિયાની આવક થઈ છે. નોંધનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષ માટે પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનું અપેક્ષિત લક્ષ્યાંક ૪,૫૦૦ કરોડ રૂપિયાનું રાખવામાં આવ્યું છે.

પાલિકાએ ૨૦૧૦થી પ્રોપર્ટી ટૅક્સની ગણતરી કરવા અને નવા દરો વસૂલવા માટે કેપિટલ વેલ્યુ સિસ્ટમ દાખલ કરી હતી. ૨૦૧૯માં મુંબઈ હાઈ કોર્ટે પૂર્વ નિર્ધારિત કરવેરા સંબંધિત કેટલાક નિયમોને બાજુ પર રાખ્યા હતા. પાલિકાએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ તેમને કોઈ રાહત મળી નહોતી.

સુપ્રીમ કોર્ટે પાલિકાને નવા નિયમો ઘડવા અને કરદાતાઓને નવા બિલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. પરિણામે પાલિકાએ ૨૦૧૦-૨૦૧૨ની વચ્ચે કેપિટલ વેલ્યૂ સિસ્ટમને આધારિત પ્રોપટી બિલ ચૂકવનારા કરદાતાઓને હજારો કરોડ રૂપિયા પાછા કરવા પડવાના છે. તેથી પાલિકાએ ભવિષ્યના બિલોમાં
નાગરિકો પાસેથી વસૂલ કરેલી વધારવાની રકમ રિફંડ અથવા નવા બિલ સાથે એડજસ્ટ કરવા ઉપરાંત તમામ પ્રોપર્ટીની કેપિટલ વેલ્યુ પર ફરી કામ કરવું પડવાનું છે.

નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટૅક્સમાં વસૂલ કરેલા કરોડો રૂપિયા તેમને પાછા કરવામાં અસમર્થતા દર્શાવીને પાલિકાએ રાજ્ય સરકારને બીએમસી ઍક્ટમાં સુધારો કરવા વિનંતી કરી છે. આ પૂરા પ્રકરણનો ઉકેલ આવવાનો બાકી હોવાથી પહેલી એપ્રિલથી, ૩૦ સપ્ટેમ્બરના સમયગાળા માટેના પ્રોપર્ટી ટૅકસના બિલ મોકલવામાં પાલિકા નિષ્ફળ રહી છે. તેથી વધુ વિલંબ ટાળવા માટે પાલિકાએ પહેલી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ અને પહેલી ઑક્ટોબરથી ૩૧ માર્ચ, ૨૦૨૪ માટેના રેડીરેકનરના દર અનુસાર કામચલાઉ બિલ સાથે મોકલવાનો નિર્ણય લીધો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે નાગરિકો પાસેથી વસૂલ કરવામાં આવેલી વધારાની રકમ પાછી કરવામાં આવશે અથવા તો ભવિષ્યના બિલમાં એડજસ્ટ કરવામાં આવશે. હાલ તો કામચલાઉ બિલ મોકલવાનું કામ પહેલી ડિસેમ્બરથી ચાલુ કરવાના છે. કરદાતાઓને પહેલું બિલ (૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩) ૧૫ જાન્યુઆરી સુધીમાં ચૂકવવું પડશે. બાકીના છ મહિનાનું બિલ (૧ ઑક્ટોબર થી ૩૧ માર્ચ, ૨૦૨૪) ૨૫ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ચૂકવવાનું રહેશે.

૨૭મી નવેમ્બર સુધી ફક્ત ૧૨ ટકા ટેક્સ વસૂલ્યો!
મુંબઈ મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટૅક્સ વસૂલવાનું લક્ષ્યાંક ૪,૫૦૦ કરોડ રૂપિયાનું રાખ્યું છે. આ વર્ષે બિલ મોકલવામાં થયેલા વિલંબને કારણે ૨૭ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં માત્ર ૫૪૨ કરોડ રૂપિયા જ વસૂલ કરી શકી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં પાલિકાએ ૧,૪૫૨ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં પાલિકા સફળ રહી હતી. પાલિકાના અસેસર ઍન્ડ કલેકટર ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ આઠ મહિનામાં વસૂલ કરેલી રકમ એ અગાઉની એરિયર્સની રકમ છે. એક વખત બિલ મોકલવાનું ચાલુ કરવામાં આવશે ત્યારબાદ આ રકમમાં વધારો થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…