બાર લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ ધરાવતી દેશી યુટ્યૂબરની હત્યા કે આત્મહત્યા
યુટ્યૂબ પર ચેનલ બનાવી વીડિયો પૉસ્ટ કરવા ખૂબ સરળ છે, પરંતુ તેના માધ્યમથી લોકો સુધી પહોંચવું, સબસ્ક્રાઈબર બનાવવા અને કમાણી કરવી માનીએ તેટલી સરળ નથી. ઘણા ટીવી કે ફિલ્મ સ્ટાર પણ થોડા સમય માટે ચેનલ શરૂ કરે છે, પરંતુ તે બાદ જામતું ન હોવાથી બંધ કરી દે છે. પીઆરની ટીમ અને પૈસા હોવા છતાં લોકપ્રિયતા મળતી નથી ત્યારે ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં રહેતી માલતી ચૌહાણએ બે ચેનલ શરૂ કરી હતી અને આ દેશી યુટ્યૂબર એક બે નહીં લગભગ 12 લાખ જેટલા સબસ્ક્રાઈર ધરાવતી હતી. જોકે હમણા જ તેનાં મોતના સમાચાર આવ્યા, પરંતુ તેનું મોત સંદિગ્ધ સ્થિતિમાં થયું છે અને તે આત્મહત્યા છે કે હત્યા તે સવાલ છે. આવા સ્થિતિમાં તેનો મોત પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે જેણે કોકડું વધારે ગૂંચવાડ્યું છે. મૃત્યુ પહેલા માલતી ચૌહાણે તેનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં માલતીએ કહ્યું હતું કે હવે તે તેના સાસરે જઈ રહી છે અને તેને ખબર નથી કે તેનો પતિ તેને મારશે કે ત્યાં બીજું કંઈ કરશે. વીડિયોમાં માલતી ચૌહાણ ખૂબ જ પરેશાન દેખાઈ રહી હતી.
માલતીના પતિ વિષ્ણુ ચૌહાણ પર તેની મારપીટનો ગંભીર આરોપ છે. માલતીના પિતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કહે છે કે માલતીની હત્યા કરવામાં આવી છે. માલતીના પિતાએ તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પૂછપરછ બાદ પતિની ધરપકડ કરી છે. તેનાં છેલ્લા વીડિયોમાં તે કહે છે કે મેં મારું સાસરીનું ઘર બનાવ્યું છે, તેના પર મારો અધિકાર છે, મને ત્યાં રહેવાથી કોઈ રોકી શકશે નહીં.
માલતીએ વધુમાં કહ્યું કે, જો મને માર મારવામાં આવશે અથવા કંઈપણ ખરાબ થશે તો તેના માટે મારા પતિ (વિષ્ણુ ચાહૌન) જવાબદાર રહેશે. માલતીએ એમ પણ કહ્યું કે જો પતિ કોઈ અન્ય સાથે વીડિયો બનાવવા માંગતો હોય તો બનાવી લે. હું મારી ચેનલ બંધ નહીં કરું, તેણે ચાહકોને પણ સાથ આપવાની અપીલ કરી હતી.
માલતી તેની દેશી સ્ટાઈલ રીલ્સ અને વીડિયોથી થોડા જ સમયમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી. તે નિયમિત વીડિયો શેર કરતી હતી. યુટ્યુબ પર તેની બે ચેનલ છે, માલતી ચૌહાણ ફન નામની ચેનલના છ લાખ 59 હજાર સબસ્ક્રાઈબર્સ છે અને મિસ્ટર યુવરાજ ફન નામની ચેનલના છ લાખ 44 હજાર સબસ્ક્રાઈબર્સ છે. હજારો લોકોએ તેના વીડિયો જોયા અને તે યૂટ્યૂબ પરથી સારી એવી કમાણી પણ કરી રહી હોવાનું જાણવા મળે છે. જોકે તેનાં આ અકાળે મોતથી તેનાં પરિવાર સાથે તેના ફેન્સ પણ દુઃખી થયા છે.