ચીનની બીમારીને પગલે અમદાવાદમાં ઉભી થઇ આ ખાસ વ્યવસ્થા..

અમદાવાદ: ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાના વાઇરસના સંક્રમણને પગલે મોટી સંખ્યામાં બાળકો બિમારીનો ભોગ બની રહ્યા છે, જેને પગલે કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ વહીવટીતંત્ર સજ્જ થઇ ગયું છે અને 300 બેડ ઉભા કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરીન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ચીનમાં ફેલાઇ રહેલી બિમારીને પગલે ઘણા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, હજુસુધી તો ભારતમાં કોઇ કેસ નોંધાયો નથી પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયની તકેદારીની સૂચનાને પગલે સિવિલ હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરી દેવાઇ છે. ઉપરાંત વેન્ટીલેટર, પીપીઇ કીટ, એન્ટી વાયરલ દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જો જરૂર જણાય તો આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવાશે.
આ રોગ ભારતમાં પ્રવેશે તેવી શક્યતા તો ઓછી છે પરંતુ અત્યારના હવામાનને જોતા બાળકોમાં શરદી-ખાંસી, તાવ સહિતના લક્ષણો જો દેખાય તો તરત જ માતાપિતાએ ડોક્ટરનો સંપર્ક સાધી સારવાર કરાવવી જોઇએ.
ચીનની બિમારીનું કારણ H9N2 માનવામાં આવી રહ્યું છે. જે પક્ષીઓમાંથી માણસમાં ફેલાતો વાઈરસ છે. આ ભેદી બિમારીને કારણે ચીનના હજારો બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોરોનાની જેમ જ તેનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.