બુરખા પહેરીને વિદ્યાર્થિનીઓએ કર્યું રેમ્પ વોક, સંગઠનો ભડક્યા
મુઝફ્ફરનગર: મુઝફ્ફરનગર સ્થિત એક કોલેજમાં વિદ્યાર્થીનીઓનો એક ફેશન શો યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને રેમ્પ વોક કરતી જોવા મળી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને પગલે સ્થાનિક મુસ્લિમ સંગઠનો ભડક્યા હતા.
જમીયત ઉલેમાના મૌલાના મુકર્રમ કાસમીએ તેને અયોગ્ય ઠેરવતા કહ્યું હતું કે બુરખો પહેરવો એ કોઇ ફેશન નથી. બુરખા તથા હિજાબ પહેરીને રેમ્પવોક કરનાર યુવતીઓએ માફી માગવી પડશે.
“કોલેજના અધિકારીઓ સહિત ભાગ લેનાર યુવતીઓએ માફી માગવી જોઇએ, જો તેઓ એવું ન કરે તો અમે કાયદાકીય પગલા લઇશું..” તેમ મૌલાના મુકર્રમ કાસમીએ જણાવ્યું હતું.
ગત 26 નવેમ્બરના રોજ મુઝફ્ફરનગરની શ્રી રામ કોલેજની ફાઇન આર્ટસ વિભાગની વિદ્યાર્થીનીઓએ બુરખો પહેરીને રેમ્પ વોક કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ જમીયત ઉલેમા-એ-હિંદના સંયોજક મૌલાના મુકર્રમ કાઝમી સહિત મુસ્લિમ સમાજના અન્ય ઘણા લોકોએ બુરખાને ફેશન શોનો ભાગ બનાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે ઘટના બાદ વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે બુરખો ભલે મહિલાઓ મર્યાદા જાળવવા પહેરતી હોય પરંતુ તેને ડિઝાઇનર વેર તરીકે પણ પહેરી શકાય છે.
આ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે કોલેજના ફંક્શનમાં તમામ પ્રકારના કપડામાંથી ડિઝાઇનર વેર બનાવવામાં આવ્યા હતા. તો કોઇ યુવતીઓએ બુરખાને ફેશનેબલ તરીકે દર્શાવવાનું નક્કી કર્યું. જેથી તેઓ પોતાની સર્જનાત્મકતા દર્શાવી શકે. આમાં એક મુસ્લીમ વિદ્યાર્થીની પણ હતી, જેણે હોબાળાનો જવાબ આપતા કહ્યું હતું કે, “અમે અમારી મરજીથી આ કર્યું છે, અને એમાં કંઇ ખોટું નથી. અમારો હેતુ ફક્ત અમારી ડિઝાઇન્સ લોકો સમક્ષ મુકવાનો હતો. અમે વિવિધતામાં એકતા દર્શાવવા માગીએ છીએ, અમે એ બતાવવા માગીએ છીએ કે મુસ્લીમ યુવતીઓ પણ પાછળ નથી.”
શ્રી રામ ગ્રુપ ઓફ કોલેજીસના મીડિયા કો-ઓર્ડિનેટર રવિ ગૌતમે કહ્યું હતું કે, “મૌલાનાના મંતવ્યો તેમના પોતાના છે અને હું તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. આ એક શૈક્ષણિક સંસ્થા છીએ. અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો છે, આ ફેશન શોનું આયોજન ડિઝાઇનનો અભ્યાસ કરતી છોકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય તેમને તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ આપવાનો હતો. કોઇની પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આમાં હેતુ ન હતો.”