એકસ્ટ્રા અફેર

રાહુલ દ્રવિડ પણ નૈતિકતા ના બતાવી શક્યો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં જ રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામેની કારમી હાર પછી ભારતીય ટીમના કોચપદેથી રાહુલ દ્રવિડની વિદાય થશે એવું લાગતું હતું. રાહુલ દ્રવિડના સ્થાને નેશનલ ક્રિકેટ એકેડમી (ગઈઅ)ના કોચ તરીકે કામ કરતા વીવીએસ લક્ષ્મણને મૂકવાનું નક્કી હોવાની વાતો પણ ચાલેલી. દ્રવિડ પોતાનો કાર્યકાળ લંબાવવા માગતા નથી અને વીવીએસ લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કોચ તરીકે મોકલવામાં આવી શકે છે એવું પણ મીડિયામાં આવી ગયેલું પણ અંતે રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે એવી જાહેરાત કરાતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
રાહુલ દ્રવિડને નવેમ્બર ૨૦૨૧માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવાયા હતા એ જોતાં દ્રવિડનો ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરો થયો હતો પણ બોર્ડ દ્રવિડને જવા દેવા નહોતું માગતું તેથી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દ્રવિડ ઓછામાં ઓછા ટી-૨૦ વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલો રહેશે. બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (ઇઈઈઈં)એ રાહુલ દ્રવિડને એક્સ્ટેન્શન આપતાં રાહુલ દ્રવિડ આવતા વર્ષે રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ લગી તો ભારતીય ટીમના કોચપદે રહેશે જ.

ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે તેથી ત્યાં લગી દ્રવિડ જ હેડ કોચ રહેશે. દ્રવિડની સાથે ભારતીય ટીમના આખા કોચિંગ સ્ટાફનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. મતલબ કે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે પણ ટી-૨૦ વર્લ્ડ-કપ લગી ટીમ ઈન્ડિયા સાથે રહેશે.

ઑસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં ધોળકું ધોળ્યા પછી ટીમ ઈન્ડિયાના કહેવાતા ધુરંધરો અત્યારે આરામ ફરમાવી રહ્યા છે. તેમના બદલે યુવા ખેલાડીઓની બનેલી ટીમ ઑસ્ટ્રેલિયા સામે રમી રહ્યા છે. આ સિરીઝ પૂરી થશે એટલે ટીમ ઈન્ડિયા ૧૦ ડિસેમ્બર ૨૦૨૩થી સાત જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન દક્ષિણ આફ્રિકા જવાની છે. દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટી-૨૦ મેચ, ત્રણ વન-ડે મેચ અને બે ટેસ્ટ મેચ રમશે ત્યારે બધા કહેવાતા ધુરંધરો પાછા ટીમમાં આવી જશે ને દ્રવિડ પણ ટીમની સાથે રહેશે.

દ્રવિડ સહિત આખા કોચિંગ સ્ટાફને ટીમના કોચપદે રાખવાનો નિર્ણય એ વાતનો પુરાવો છે કે, વન-ડે વર્લ્ડ-કપની ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામેની કારમી હારથી બોર્ડને કોઈ ફરક પડ્યો નથી ને બોર્ડ ટીમમાં કોઈ ફેરફાર કરવા માગતું નથી. સાથે સાથે આપણે ત્યાં ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોમાં પણ કોઈ નૈતિક જવાબદારીની ભાવના નથી. દેશ હારે કે જીતે, તેમને કોઈ ફરક પડતો નથી એ પણ સાબિત થયું છે.

નૈતિક જવાબદારી સ્વીકારીને ખસી જવામાં ને એક પ્રસંસનિય ઉદાહરણ પૂરું પાડવામાં આપણા ક્રિકેટરોને રસ નથી એ આપણે વારંવાર જોયું છે પણ રાહુલ દ્રવિડ તેમાં અપવાદ નિવડશે એવું લાગતું હતું. વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામેની કારમી હાર પછી દ્રવિડ ખસી જ જશે ને કોઈના માન્યા નહીં માને એવું લાગતું હતું પણ દ્રવિડ પણ અંતે માની ગયા.

રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાના કોચ તરીકેનો દેખાવ બહુ ખરાબ નથી પણ બહુ સારો પણ નથી. દ્રવિડે ભારતીય ટીમને અંડર-૧૯ વર્લ્ડ કપ જીતાડેલો. તેના કારણે સૌને આશા હતી કે, દ્રવિડના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા જોરદાર દેખાવ કરીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવશે પણ એવું થયું નહીં. દ્રવિડના બે વર્ષના કાર્યકાળમાં ભારતની ટીમ બે વાર વર્લ્ડકપ હારી ગઈ. પહેલાં ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં યોજાયેલા ૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે ૧૦ વિકેટે શરમજનક રીતે હારેલી ને હવે વર્લ્ડ કપની ફાઈનલમાં હારી.

ભારતની ટીમ વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી તેને ઘણા ભારતની સિદ્ધિ ગણાવે છે. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામેની હારને બાદ કરતાં ભારતની ટીમે વર્લ્ડ કપમાં પોતાની તમામ મેચ જીતી લીધી હતી એ જોતાં ભારતીય ટીમનો દેખાવ સારો કહેવાય એવું પણ કહે છે પણ બધી મેચો જીતવાથી શું? વર્લ્ડ કપમાં તમે ચેમ્પિયન બનવા જ ઉતરતા હો છો ને ચેમ્પિયન ના બનો તો કંઈ મતલબ નથી. ચેમ્પિયન ના બનો ને બીજા. ત્રીજા, પાંચમાં ગમે તે નંબરે આવો, કોઈ ફરક પડતો નથી. દ્રવિડ ભારતીય ટીમને વર્લ્ડ કપ ના જીતાડી શક્યા એ હકીકત છે. વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો હતો પણ પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવી ટીમો રમતી હોય એ ટૂર્નામેન્ટ જીતવી સિદ્ધિ નથી.

દ્રવિડ કેપ્ટન હતો ત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડમાં પણ પરાજય થયો હતો. આ સિવાય ભારતે ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી અને બંગલાદેશમાં શ્રેણી જીતી હતી. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ઘરઆંગણે ટી-૨૦ શ્રેણી જીતવામાં પણ સફળ રહી હતી. આ બધી જીતો મહત્ત્વની નથી કેમ કે હવે મોટી ટૂર્નામેન્ટ સિવાય બીજા બધાનું મહત્ત્વ નથી રહ્યું. લોકોને ક્યારે ટેસ્ટ ને બીજી સિરીઝ રમાય છે એ પણ યાદ હોતું નથી એ જોતાં આ બધી સિરીઝ મોટી ટૂર્નામેન્ટ પહેલાં માનસિક તાકાત કેળવવાની પ્રેક્ટિસ જેવી હોય છે. દ્રવિડ એ જ ના કરાવી શક્યો.

દ્રવિડ સહિતના કોચિંગ સ્ટાફની ફરી નિયુક્તિ એ વાતનો સંકેત છે કે, આપણી ટીમમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. રોહિત શર્મા જ કેપ્ટન રહેશે ને ફાઈનલમાં ધોળકું ધોળનારા ક્રિકેટરો જ પાછા ટીમમાં હશે. ફિર વો હી રફ્તાર જોવા મળશે.

વિરાટ કોહલી, કે.એલ. રાહુલ વગેરે વરસોથી રમનારા ને છતાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન નહીં બનાવનારા જ ટીમના કર્ણધાર હશે. એ લોકોને કદાચ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતને જીતાડીને પોતાના માથે લાગેલી કલંકની ટીલી દૂર કરીને માનભેર વિદાય થવાના અભરખા હશે પણ અત્યાર સુધીનો તેમનો રેકોર્ડ જોતાં ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ આ જ ખેલાડીઓ હશે તો ભારતની જીતની શક્યતા બહુ નથી. વર્લ્ડ ચેમ્પિયન બનવા ટીમમાં નવું લોહી રેડવું પડે, નવા ઝનૂની ખેલાડીઓને લાવવા પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button