સુપ્રીમ કોર્ટે આપ્યો દિલ્હી સરકારને આંચકો….
નવી દિલ્હી: મુખ્ય સચિવ નરેશ કુમારના સર્વિસ એક્સટેન્શન કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આંચકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવના એક્સ્ટેનશનને મંજૂરી આપી દીધી હતી. દિલ્હીની આપ સરકારે નરેશ કુમારની સેવા વધારવાનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે નરેશ કુમાર ગુરુવારે 30 નવેમ્બર 2023ના રોજ નિવૃત્ત થવાના હતા.
ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે જણઆવ્યું હતું કે મુખ્ય સચિવની સેવામાં છ મહિનાનો વધારો કાયદાનું ઉલ્લંઘન કહી શકાય નહી. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્રને દિલ્હીમાં મુખ્ય સચિવની નિમણૂક કરવાનો અધિકાર છે અને કેન્દ્ર સરકાર મુખ્ય સચિવની સેવામાં છ મહિનાનું એક્સ્ટેન્સન પણ આપી શકે છે.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે સરકાર વર્તમાન વ્યક્તિનો કાર્યકાળ મર્યાદિત સમયગાળા માટે વધારવા માંગે છે, જે દોઢ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે નવા મુખ્ય સચિવની નિમણૂક કરવા અથવા વર્તમાન ટોચના સનદી કર્મચારી નરેશ કુમારનો કાર્યકાળ કોઈપણ પરામર્શ વિના લંબાવવાના કેન્દ્રના કોઈપણ પગલા સામે દિલ્હી સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. અને ચુકાદો આપતી વખતે ખાસ એ વાતને ટાંકી હતી કે કોઇપણની સેવામાં એક્સ્ટેન્સન આપવું એ કેન્દ્ર સરકારનો અધિકાર છે.