CAA લાગુ થઇને જ રહેશે, કોલકાતામાં અમિત શાહની ગર્જના
કોલકાતાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં તેમણે જણાવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ-સીએએ) દેશનો કાયદો છે. તેને કોઈ રોકી શકશે નહીં, અમે તેનો અમલ કરીશું. પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.
કોલકાતામાં ભાજપના સભ્યોને સંબોધિત કરતી વખતે ગૃહ પ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીનો સમય હવે પૂરો થઇ ગયો છે. મમતા બેનરજી મા, માટી માનવીના નારા સાથે ડાબેરીઓને હટાવીને સત્તામાં આવ્યા, પરંતુ બંગાળમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.
આજે પણ બંગાળમાં ઘૂસણખોરી, તુષ્ટિકરણ, રાજકીય હિંસા અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સામ્યવાદીઓ અને મમતા બેનરજીએ મળીને બંગાળને બરબાદ કરી દીધું છે. અમિત શાહે અપીલ કરી હતી કે જો ભાજપ 2026માં સરકાર બનાવવા માંગે છે તો 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો પાયો નાખો અને મોદીજીને દેશના પીએમ બનાવો.
અમિત શાહે પાર્ટીના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા માટે અહીં એક મોટી રેલીને પણ સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમણે તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસા જેવા મુદ્દાઓ પર મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને તેમની સરકારને ઉથલાવી દેવા અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ચૂંટવા વિનંતી કરી.
રેલીમાં ઉમટેલી ભીડ પર ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે આ વિશાળ જનમેદની લોકોના મૂડને દર્શાવે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ 2026માં બે તૃતિયાંશ બહુમતી સાથે રાજ્યમાં સત્તામાં આવશે અને કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરશે અને તેને કોઈ રોકી શકશે નહીં.
શાહે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું પ્રદર્શન વિધાનસભા ચૂંટણીમાં તેની જીતનો પાયો નાખશે. સીએએનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે મમતા બેનરજી ભલે તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેને લાગુ થતા કોઈ રોકી શકશે નહીં. શાહ ઐતિહાસિક એસ્પ્લેનેડમાં પાર્ટીની રેલીને સંબોધિત કરી રહ્યા હતા. પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42માંથી 18 બેઠકો જીતી હતી, જે તેની અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો છે.