બોલો, છ મહિનામાં અંજુએ પાકિસ્તાનથી કર્યું બેક-ટુ પેવેલિયન…
રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. લગભગ 6 મહિના પહેલા તે ભારતથી પાકિસ્તાન આવી પહોંચી હતી. શરૂઆતમાં તેણે કહ્યું હતું કે તે ફરવા ગઇ છે, પરંતુ પછી તેણે તેના મિત્ર નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા હતા.
આમ તો અંજુ પહેલેથી જ પરિણીત હતી, તેણે અરવિંદ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે તેના પતિ અને બાળકોને છોડીને કાયદેસર દસ્તાવેજો સાથે પાકિસ્તાન જતી રહી હતી.
હજુ એ સ્પષ્ટ થયું નથી કે અંજુ કાયમ માટે ભારત પરત ફરી છે કે તે પાછી પાકિસ્તાન જશે. કેટલાક દિવસો પહેલા પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતે અંજુને વાઘા બોર્ડર મુકી આવશે. તેને તેના બાળકોને મળવા જવું હોય તો તે જઇ શકે છે. અંજુના બાળકોને જો પાકિસ્તાન આવવું હોય તો તેઓ આવી શકે છે, અને જો તેમને ભારતમાં જ રહેવું હોય તો એ તેમની ઇચ્છાની વાત છે, તેવું નસરુલ્લાહે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
અંજુ જૂનમાં રાજસ્થાનના અલવરમાંથી પાકિસ્તાન પહોંચી હતી. આ સમાચાર દેશભરમાં વાયુવેગે ફેલાઇ ગયા હતા કારણકે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ઘટના પણ એ સમયે ચર્ચામાં હતી. મીડિયા સાથેની વાતચીતમાં અંજુએ જણાવ્યું હતું કે તે 4-5 દિવસમાં પરત ફરશે, પરંતુ તેણે તેના મિત્ર નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા અને પોતાનું નામ બદલીને ફાતિમા કરી નાખ્યું હતું.
એ પછી નસરુલ્લાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે ફક્ત મને મળવા માટે જ થોડા દિવસો માટે પાકિસ્તાન આવી હતી, પરંતુ સંજોગો એવા બન્યા કે અમારે નિકાહ કરી લેવા પડ્યા, જો કે હું અને અંજુ એકબીજાને પ્રેમ કરીએ છીએ તેમ નસરુલ્લાહે જણાવ્યું હતું.