… તો ભાજપ સામે બીજો કોઇ પર્યાય નહીં હોય, મુખ્યપ્રધાન પદ મેળવવા વસુંધરા રાજેનો ખાસ પ્લાન
જયપુર: રાજસ્થાનની વિધાનસભા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હવે બધાનું ધ્યાન ત્રીજી ડિસેમ્બરની મત ગણતરી પર છે. રાજસ્થાનની સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી છે. અશોક ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડાવનાર કોંગ્રેસને ફરી એકવાર સત્તામાં આવવાની આશા છે, જ્યારે કોંગ્રેસને હરાવીને રાજસ્થાનમાં પોતાની સરકાર બને એવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવી છે, પરંતુ મુખ્ય પ્રધાનપદ વસુંધરા રાજેને આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજસ્થાનની ચૂંટણીમાં બંને પક્ષોએ તેમની સંપૂર્ણ તાકત લગાવી હોવાથી કોને બહુમતી મળશે તે અંગે અનેક અટકળો થઇ રહી છે. ત્યારે આવા સમયે અપક્ષ ઉમેદવારોનો રોલ મહત્વનો હશે. ભાજપ અને કોંગ્રેસ પરિણામો પહેલાં જ અપક્ષ તરીકે ચૂંટાઇ આવનાર ઉમેદવારને પોતાની તરફ લેવાની રણનીતિ ઘડી રહ્યાં છે. ત્યારે આ જ પાર્શ્વભૂમી પર રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પાસે એક ખાસ પ્લાન છે જો એવું થાય તો ભાજપ પાસે વસુંધરા રાજેને મુખ્ય પ્રધાન બનાવવા સીવાય કોઇ પર્યાય નહીં હોય.
ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા વસુંધરા રાજેને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યાં હોવાની ચર્ચા ચૂંટણી સમયે થઇ રહી હતી. રાજસ્થાનમાં ભાજપને જો બહુમતી મળે તો મુખ્ય પ્રધાન તરીકે વસુંધરા રાજેની જગ્યાએ કોઇ અન્ય નેતાને તક અપાય તેની શક્યતાઓ રહેલી છે, પણ જો ભાજપ મહૂમતી ન મેળવી શકી તો અપક્ષ ઉમેદવારોને જોડવામાં વસુંધરા રાજે ફરી એકવાર ગેમ ચેન્જર બની શકે છે અને તે માટે વસુંધરા રાજેએ હમણાંથી જ તૈયારી શરુ કરી દીધી છે.
બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ઉમેદવારો સાથે વસુંધરા રાજેએ હમણાંથી જ સંપર્કની શરુઆત કરી દીધી છે. અને જો વસુંધરા રાજેને તેમાં સફળતા મળે તો ભાજપ પાસે વસુંધરા રાજેને મુખ્ય પ્રધાન બનાવવા સિવાય બીજો કોઇ પર્યાય નહીં બચે.