લોરેંસ બિશ્નોઇ ગેંગ તરફથી સલમાનને ફરી મળી ધમકી, પોલીસ એક્શન મોડમાં, સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

મુંબઇ: ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇની વધુ એક ધમકી બાદ મુંબઇ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ ટાઇઘર થ્રીના આ અભિનેતાને સાવચેત રહેવા પણ કહ્યું હતું. ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઇની ધમકી બાદ સલમાનને મુંબઇ પોલીસ દ્વારા પહેલાં જ વાય-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
રવિવારે બિશ્નોઇએ એક ફેસબૂક પોસ્ટમાં ગેપ્પી ગ્રેવાલના કેનેડામાં આવેલ નિવાસ સ્થાનની બહાર થયેલ ગોળીબારની જવાબદારી લીધી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફેસબૂક એકાઉન્ટનું ઓરીજીન ભારતની બહારનું હતું. આ ફેસબૂક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, તમે સલમાન ખાનને ભાઇ માનો છો પણ હવે સમય આવી ગયો છે કે, તમારો ભાઇ આવે અને તમને બચાવે. આ મેસેજ સલમાન ખાન માટે પણ છે. તમે ભ્રમમાં ન રહેતા કે તમને દાઉદ બચાવશે, હવે તમને કોઇ બચાવી નહીં શકે.
સિદ્ધુ મૂસેવાલની મોત પર તારા ડ્રામેટિક રિએક્શન પર કોઇનું ધ્યાન ગયું નહતું. અમે બધા જાણીએ છીએ કે એ કેવા પ્રકારનો માણસ હતો. અને એના ગુનાહીત સંબધો કેવા હતાં. તું હવે અમારા રડાર પર આવી ગયો છે. આને એક ટ્રેલર સમજી લેજે. આખી ફિલ્મ જલ્દી જ રિલીઝ થશે. કોઇ પણ દેશમાં ભાગી જા પણ યાદ રાખજે મોત માટે વિઝાની જરુર નથી હોતી. એ તો બોલાવ્યા વીના જ આવી જાય છે.
ત્યાં બીજી બાજુ આ ઘટના બાદ ગિપ્પીએ કહ્યું કે, તેની સલમાન સાથે કોઇ મિત્રતા નથી. અને છતાં સલમાનનો ગુસ્સો મારા પર ઉતારવામાં આવી રહ્યો છે. ગીપ્પીએ કહ્યું કે, તેની સલમાન સાથે મુલાકાત મૌજા હી મૌજા ના ટ્રેલર લોન્ચમાં થઇ હતી. કારણ કે ફિલ્મના મેકરે તેમને ત્યાં ઇન્વાઇટ કર્યા હતાં. અગાઉ એ સલમાન ખાનને બિગ બોસના સેટ પર મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માર્ચ મહિનામાં સલમાનને બિશ્નોઇ ગેંગના સદસ્ય દ્વારા ધમકીભર્યો ઇમેલ આવ્યો હતો. આ ઇમેલ બાદ મુંબઇ પોલીસે સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી. અને એફઆઇઆર પણ નોંધી હતી. હાલમાં બિશ્નોઇ એનઆઇએ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ ડ્રગ્સની તસ્કરી કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે.