બેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવતા પાકિસ્તાની બેટ્સમેનને ફટકાર્યો દંડ
ઇસ્લામાબાદ: પાકિસ્તાની ક્રિકેટર આઝમ ખાને પોતાના બેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવતા વિવાદ પેદા થયો હતો. જેને પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) તેને મેચ ફીના ૫૦ ટકાનો દંડ ફટકાર્યો હતો. જોકે બાદમાં તેને ફટકારવામાં આવેલો દંડ પીસીબીએ માફ કર્યો હતો.
વાસ્તવમાં હાલમાં પાકિસ્તાનમાં રમાઈ રહેલા નેશનલ ટી-૨૦ કપમાં વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાનને તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવવા બદલ મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ દંડ પાછો ખેંચી લીધો હતો. આઝમ ખાન નેશનલ ટી-૨૦ કપમાં કરાચી વ્હાઇટસનો ભાગ છે. ટૂર્નામેન્ટમાં રવિવારે લાહોર બ્લુ સામે રમાયેલી મેચમાં આઝમ ખાને સમર્થન બતાવવા માટે બેટ પર પેલેસ્ટાઈનના ધ્વજનું સ્ટીકર લગાવીને મેદાનમાં આવ્યો હતો. આઝમને લેવલ-૧ના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. કરાચી વ્હાઇટ્સના વિકેટકીપર બેટ્સમેને પીસીબીની આચાર સંહિતાની કલમ ૨.૪નું ઉલ્લંઘન કર્યું હતું. આઝમ ખાન પર દંડ હટાવવા અંગે પીસીબી તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, મેચ અધિકારીઓએ આઝમ ખાન પર ૫૦ ટકાનો દંડ લગાવ્યો હતો જેને પીસીબીએ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.