વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી રાહુલ ગાંધી આ ત્રણ દેશના પ્રવાસે જશે
નવી દિલ્હીઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આક્રમક પ્રચાર અને પરિણામો આવ્યા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આઠથી પંદર ડિસેમ્બર દરમિયાન ત્રણ દેશના પ્રવાસે જશે. રાહુલ ગાંધી આઠમીથી પંદરમી ડિસેમ્બર દરમિયાન ઈન્ડોનેશિયા, સિંગાપોર અને મલયેશિયાની મુલાકાતે જશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
વિદેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ભારતીય પ્રવાસીઓની સાથે વાતચીત કરશે અને પોતાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીની મુલાકાત પણ લેશે. આ વર્ષે રાહુલ ગાંધી નોર્વે, નેધરલેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ સહિત અન્ય દેશની મુલાકાત લીધી હતી. ભારતીય નાગરિકોની સાથે પણ એ વખતે ચર્ચા કરી હતી.
દેશમાં પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જોરશોરથી પ્રચાર કર્યો છે. પાંચ રાજ્યમાં મિઝોરમ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી પછી પરિણામો આવશે. પાંચ રાજ્યના ચૂંટણી પ્રચારના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે રાહુલ ગાંધીએ આ મહિના દરમિયાન કેદારનાથ પણ ગયા હતા.
આ વખતે રાહુલ ગાંધી દક્ષિણ પૂર્વીય એશિયાના દેશની મુલાકાત કરશે. એક વર્ષમાં રાહુલ ગાંધીની ચોથી વખતનો વિદેશ પ્રવાસ છે. સપ્ટેમ્બર મહિનામાં યુરોપનો પ્રવાસ કર્યો હતો. સંસદ સભ્યપદ મળ્યા પછી રાહુલ ગાંધીએ પહેલી વખત વિદેશનો પ્રવાસ કર્યો હતો. સાતમી સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ બ્રસેલ્સમાં યુરોપિયન પાર્લામેન્ટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, આઠમી અને નવમી સપ્ટેમ્બરે ફ્રાન્સની મુલાકાતે ગયા હતા.
રાહુલ ગાંધીએ દસમી અને અગિયારમી સપ્ટેમ્બરે નોર્વેમાં ગયા પહેલા મે મહિનામાં અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો, ત્યારબાદ બ્રિટન ગયા હતા. વિદેશના પ્રવાસ વખતે રાહુલ ગાંધી ફરી કેન્દ્ર સરકારને તો નિશાન બનાવશે કે નહીં એ બાબત ચર્ચાનો વિષય બની છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.