મનોરંજન

રેકોર્ડબ્રેક પ્રિ-બુકિંગ છતાં એનિમલનું આ પાસું બની શકે છે વિલન

ગમે તેટલી સારી ફિલ્મ હોય તો પણ દર્શકોન બે કે અઢી કલાક કરતા વધારે થિયેટરોમાં બેસી રહેવું ગમતું નથી. શાહરૂખ ખાનની સુપરહીટ ફિલ્મ જવાનને આટલી પસંદ કરી હોવા છતાં દર્શકોએ ફિલ્મ લાંબી હોવાનો ને તેને વીસે મિનિટ ખોટી ખેંચી હોવાની ફરિયાદો કરી હતી. હવે આ જ સ્થિતિ રણબીર કપૂરની એનિમલ માટે સર્જાઈ છે. એનિમલ ફિલ્મની લંબાઈ 3.21 કલાક છે. આ ફિલ્મની લોકો રાહ જોઈ રહ્યા છે અને એડવાન્સ બુકિંગ પણ રેકોર્ડબ્રેક થયું છે, પરંતુ ફિલ્મનો રનટાઈમ વિલન ન બને તે જોવાનું છે. આનો મદ્દાર છે ફિલ્મની વાર્તા અને વાર્તા કઈ રીતે કહેવામાં આવી છે તેના પર કલાકારોના અભિનય પર. છેલ્લા ઘણા સમયથી ફિલ્મો ત્રણ કલાક કરતા પણ ઓછી હોય છે. એક સમય હતો જ્યારે ફિલ્મો ઓછામાં ઓછી ત્રણ કલાક તો ચાલતી.

હિન્દી ફિલ્મોના રાજ કપૂર એકમાત્ર એવા દિગ્દર્શક છે જેમની બે ફિલ્મોમાં બે ઈન્ટરવલ હતા! આ ફિલ્મો હતી ‘સંગમ’ (1964) અને ‘મેરા નામ જોકર’ (1970). બંને ફિલ્મોનો રન ટાઈમ લગભગ 4 કલાકનો હતો. રાજ સાહેબ પણ મોટા પડદા પર પોતાની રીતે વાર્તા કહેવા માંગતા હતા, પરંતુ તેમણે દર્શકોની સગવડનું પણ ધ્યાન રાખવું પડ્યું. તેથી, આ બંને ફિલ્મોમાં બે ઈન્ટરવલ રાખવામાં આવ્યા હતા, જેની ગણતરી હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી લાંબી ફિલ્મોમાં થાય છે.

હવે આ એક યોગાનુયોગ છે કે રાજ કપૂરનો પૌત્ર, રણબીર કપૂર એવી ફિલ્મમાં હીરો છે જે કદાચ આખી પેઢી માટે સૌથી લાંબી ફિલ્મ સાબિત થઈ શકે! રણબીરની ફિલ્મ ‘એનિમલ’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝર-ટ્રેલર-ગીતો સાથે સમગ્ર વાતાવરણ સેટ કરવામાં આવ્યું છે અને લોકો રણબીરના ગેંગસ્ટર અવતારને જોવા માટે આતુર પણ છે. જોકે રનટાઈમ ફિલ્મનું ઉધારપાસું સાબિત થઈ શકે તેમ ફિલ્મી પંડિતો માને છે.

સિનેમાને ત્રણ કલાકનો શો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં, લોકપ્રિય મુખ્ય પ્રવાહની ફિલ્મો ત્રણ કલાક કરતા ઓછા સમયની જ હોય છે. વર્ષ 2016માં સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ‘એમએસ ધોની’, 3 કલાક 5 મિનિટ લાંબી હતી. અગાઉ 2008માં ‘ગજની’ અને ‘જોધા અકબર’એ ત્રણ કલાકની મર્યાદા વટાવી હતી. રિતિક રોશન અને ઐશ્વર્યા રાયની ‘જોધા અકબર’ 3 કલાક 34 મિનિટ લાંબી હતી. હવે 3 કલાક 21 મિનિટ લાંબી ‘એનિમલ’ આવી રહી છે.

80ના દાયકા સુધી હિન્દી ફિલ્મો આરામથી ત્રણ કલાક લાંબી હતી. 90ના દાયકામાં લાંબી ફિલ્મો ઓછી બની અને નવી સદીમાં મનોરંજનના નવા માધ્યમોના આગમનથી દર્શકોનું ધ્યાન ખેંચવું મુશ્કેલ બન્યું. વર્ષ 2000 થી અત્યાર સુધીમાં 23 વર્ષમાં એવી 20 ફિલ્મો પણ નથી કે જેનો રન ટાઈમ 3 કલાકથી વધુ હોય.

વર્ષોથી ફિલ્મોનો સરેરાશ રન ટાઈમ બેથી અઢી કલાક જેટલો બની રહ્યો છે. આવી સ્થિતિમાં, અઢી કલાકથી વધુનો રન ટાઈમ ફિલ્મની ચર્ચાનો એક અલગ મુદ્દો બની જાય છે. દર્શકોને આટલા લાંબા સમય સુધી જકડી રાખવા કઠિન છે. જોકે રણબીરની આ ફિલ્મ 3.49 મિનિટની બની હતી, પણ હવે દર્શકો સામે 3.21 મિનિટની આવશે. રણબીરે પ્રમોશન દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે ફિલ્મની લંબાઈ દર્શકોને અકળાવશે નહીં જ્યારે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ કહ્યું હતું કે આ ફિલ્મના તમામ પાત્રો ઘણા અલગ પ્રકારના છે અને તે બધા પર આવડી ફિલ્મ બની શકે છે. દર્શકોએ તેમન સમજવા તેમની દુનિયામાં જવું પડશે અને તે માટે આટલો સમય જોશે.

હવે જોવાનું એ છે કે ફિલ્મની લંબાઈ ફિલ્મમાં વિલન તો નહી બને ને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button